કોંગી MLAની માગ : ધંધુકાના ધારાસભ્યનો CM રૂપાણીને પત્ર, વિજય નહેરાને ફરી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બનાવવા માગ

કોંગી MLAની માગ : ધંધુકાના ધારાસભ્યનો CM રૂપાણીને પત્ર, વિજય નહેરાને ફરી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બનાવવા માગ

વર્તમાન કમિશનર કોરોનાનું સંક્રમણ રોકવામાં નિષ્ફળ હોવાનું ગોહિલ પત્રમાં જણાવ્યું

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને રોજેરોજ નવા રેકોર્ડ સર્જતા નવા કેસ અને મોતના આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ફરીથી વિજય નહેરાને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવા માગ કરી છે.

નહેરાની કામગીરી વખાણી
ધારાસભ્ય રાજેશ ગોહિલે પત્રમાં જણાવ્યુ છે કે, હાલ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ખૂબ જ મોટા પ્રમાણમાં રોકેટગતિએ વધી રહ્યુ છે. ગત વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે વિજય નહેરા ફરજ બજાવતા હતા. પરંતુ સામાન્ય ગતિએ કેસો વધતા તેઓએ ટેસ્ટિંગ વધારી સાચા આંકડા પ્રસિધ્ધ કરતા તેમને સાચો આંકડો બહાર લાવતા સરકારની છબી બગડે નહીં તેથી કોઈપણ કારણ વગર તેઓની બદલી કરવામાં આવી હતી. તેમની કામગીરી બિદરાવવા લાયક હતી અને તેમણે સંક્રમણ અટકાવવા ખૂબ જ સારા પગલાં ભરેલા હતા.

રાજેશ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલો પત્ર

કોરોના અટકાવવા ફરી નિમણૂકની માગ
ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં જગ્યા નથી. પૂરતો ઓક્સિજન નથી, દવા નથી, ઈન્જેક્શન નથી અને હાલના કમિશનર આ વધતુ જતું સંક્રમણ રોકવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. ત્યારે મારું નમ્ર નિવેદન છે કે વિજય નહેરાને અમદાવાદ મ્યુનિસિલ કમિશનર તરીકે નિમણૂક કરવી જોઈએ. જેથી તેઓ અસરકારક પગલાં લઈ અને વધતું કોરોના સંક્રમણ અટકાવી શકે. અમદાવાદમાં વકરેલા કોરોનાને કાબૂમાં લઈ શકે જેથી અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન કમિશનર તરીકે વિજય નહેરાને મૂકવા મારી નમ્ર વિનંતી છે.

શહેરમાં રેકોર્ડબ્રેક 4,200થી વધુ નવા કેસ
અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 4,258 કેસ સામે આવ્યા છે અને 814 દર્દી સાજા થયા છે. જ્યારે 23 દર્દીના મોત થયા છે. માત્ર એટલું જ નહીં. આખા રાજ્યમાં 9 એપ્રિલે જેટલા કેસ હતા એની નજીક નવા 19મી એપ્રિલે કેસ નોંધાયા છે. ત્યારે 4541 નવા કેસ નોંધાયા હતા. 18 એપ્રિલની સાંજથી 19 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 4207 અને જિલ્લામાં 51 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 751 અને જિલ્લામાં 63 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 106,465 થયો છે. જ્યારે 79,395 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,644 થયો છે.

419 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 435 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં ઈન્દ્રપુરી, ઘોડાસર, વટવા, જોધપુર, બોડકદેવ, એસજી હાઉસિંગ, રામોલ, નિકોલ, નવા વાડજ અને નવરંગપુરાના 17 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે દાણીલીમડા, વટવા, વેજલપુર, જોધપુર, ઠક્કરબાપાનગર, થલતેજ, ચાંદલોડિયા, બોડકદેવ, ઘાટલોડિયા, અસરવા, શાહીબાગ, ભાઈપુરા, નિકોલ, નવા વાડજ, નવરંગપુરા, ચાંદખેડા અને પાલડીના 33 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 419 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

( Source – Divyabhaskar )