અમેરિકાથી ભારતીયોનો કેમ થયો મોહભંગ? કેનેડા પર કેમ ઉતારી રહ્યાં છે પસંદગી? જાણો કારણ

અમેરિકાથી ભારતીયોનો કેમ થયો મોહભંગ? કેનેડા પર કેમ ઉતારી રહ્યાં છે પસંદગી? જાણો કારણ

ભારતીયોનું સપનું અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાનું હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી લોકોનો અમેરિકાથી મોહભંગ થઈ રહ્યો છે. અમેરિકામાં કરવામાં આવેલા વિઝા નિયમોમાં ફેરફારના કારણે અનેક ભારતીયો મોં ફેરવી રહ્યાં છે. અમેરિકામાં રહેતા અનેક ભારતીય પરિવારો પણ વીઝા નિયમોમાં ફેરફારથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. હવે લોકો અમેરિકાના બદલે કેનેડા તરફ નજર દોડાવી રહ્યાં છે.

અમેરિકામાં રહેતા ભારતીયો ધીમે ધીમે હવે કેનેડામાં શિફ્ટ થઈ રહ્યાં છે. લોકોનું માનવું છે કે, તેમને કેનેડામાં પણ સારી તકો મળી રહી છે. એક આંકડા પ્રમાણે લગભગ 20,000 ભારતીય પરિવાર અમેરિકાથી કેનેડા શિફ્ટ થઈ ગયા છે.

અમેરિકામાં રહેતા લોકો તો કેનેડા તરફ જઈ જ રહ્યાં છે, પણ હવે વિદેશ જવા ઈચ્છતા ભારતીયો પણ અમેરિકાના બદલે કેનેડા પર નજર દોડાવી રહ્યાં છે. હૈદરાબાદના રહેવાસી દિનેશ દાસરીએ આ મામલે કહ્યું હતું કે, મેં જ્યારથી કામ શરૂ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી 6 વાર H-1B વીઝા એક્સટેંશન લઈ ચુક્યો છું. હું ખુબ જ તણાવ અનુંભવુ છું. દાસરી હવે અમેરિકાથી કેનેડામાં શિફ્ટ થઈ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં રહી રહ્યાં હતાં પણ ગ્રીન કાર્ડ મળવામાં થઈ રહેલા વિલંબના કારણે તેમનું ભવિષ્ય ધુંધળુ બની ગયું હતું. ગ્રીન કાર્ડ ના હોવાના કારણે તેમને નોકરી બદલમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગ્રીન કાર્ડ ના હોવાના કારણે તેમને મેનેજર લેવલની નોકરી જ નહોતી મળતી. તેમનું કહેવું છે કે, લોકો તે દેશ પર વિશ્વાસ મુકે છે જ્યાં તમને સ્થાયી થવાની ગેરેંટી મળતી હોય.

અમેરિકામાં હાર્ડ સ્કિલ્ડ ઈમિગ્રેશન એક્ટ 2019 આવ્યા બાદ હજારો ભારતીય  પરિવારો માટે મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ હતી.. આ બિલ પ્રમાણે, નોકરીના આધારે ગ્રીન કાર્ડ આપવાનું બંધ કરવામાં આવશે. હજી પણ અમેરિકામાં લગભગ 9 લાખ ભારતીય રહે છે જેમની પાસે H-1B, L1 અને H4 EAD વીઝા છે. દાસરીએ કહ્યું હતું કે, મને જો કોઈ પુછે કે અમેરિકામાં રહેવું કે કેનેડામાં તો હું તેને કેનેડામાં જ રહેવાની સલાહ આપીશ. ઈમિગ્રેશન એટોર્ની રાહુલ રેડ્ડીએ કહ્યું હતું કે, લોકો માટે કેનેડામાં એંટ્રી લેવી ખુબ જ સરળ છે. ઓનલાઈન એપ્લિકેશન કર્યાના એક જ વર્ષમાં તેમને કેનેડામાં પ્રવેશ મળી જાય છે. માટે અમેરિકા કરતા કેનેડા જવુ વધારે સરળ અને સુરક્ષીત છે.

ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે વીઝા નિયમોમાં અનેક ફેરફાર કરાવ્યા હતાં. આકરા નિયમોના કારણે વર્ષોથી અમેરિકામાં વસતા વિદેશી લોકો અને અમેરિકા આવવા ઈચ્છુકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે ભારતીયો અમેરિકાના વિકલ્પમાં કેનેડા પર પસંદગી ઉતારવા લાગ્યા હોવાનું ચિત્ર ઉભુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. ( Source – Sandesh )