ટાસ્ક ફોર્સની સરકારને સલાહ : ત્રીજો વેવ આવશે, પણ જો રસીકરણ મહત્તમ થયું હશે તો તે આટલો ઘાતક નહીં હોય

ટાસ્ક ફોર્સની સરકારને સલાહ : ત્રીજો વેવ આવશે, પણ જો રસીકરણ મહત્તમ થયું હશે તો તે આટલો ઘાતક નહીં હોય

સરકારની કોરોના ટાસ્ક ફોર્સના નિષ્ણાતો કહે છે, હર્ડ ઇમ્યુનિટી માટે રસીકરણ જ ઉપાય

હાલ કોરોનાના આ નવા પિકને કારણે પૂર્ણ ભરાયેલી હોસ્પિટલો, ઓક્સિજન અને દવાઓની તંગી, સ્મશાનમાં વેઇટિંગ જેવાં દ્રશ્યો હચમચાવી મૂકે તેવાં છે. હજુ નિષ્ણાતો વિશ્વમાં અને ભારતમાં કોરોનાના ત્રીજા પિકની આગાહી કરે છે. પરંતુ ગુજરાત સરકારની કોરોના માટે બનાવાયેલી ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબો કહે છે, જો મહત્તમ રસીકરણ થઇ ગયું હશે, તો ત્રીજો પિક આવે તો પણ ઘાતક નહીં બની શકે.

ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા ઝાયડસ ગ્રૂપના ડિરેક્ટર અને તબીબ ડો. વી એન શાહે કહ્યું કે કોરોના વાઇરસ હાલ ત્રીજા વિશ્વયુદ્ધ જેવી કટોકટી દર્શાવી રહ્યો છે. હજુ કોરોનાનો એક અન્ય પિક પણ આવશે અને તે કેટલો ભયાનક હશે તે કહી શકાય નહીં. પરંતુ જો મહત્તમ લોકોમાં રસીકરણ થયેલું હશે તો આ નવા પિક સામે આપણે સારી રીતે લડી શકીશું. તેની ઘાતક અસરો માનવજાત પર રસીકરણથી જ ઓછી કરી શકાશે. કોરોના સામે લડવા માટે હર્ડ ઇમ્યુનિટી હોવી જરૂરી છે, અને હર્ડ ઇમ્યુનિટીનો સૌથી આસાન રસ્તો રસીકરણ છે. હવે દેશમાં 18થી 45 વર્ષની વયજૂથના લોકોનું રસીકરણ શરુ થવા જઇ રહ્યું છે, ત્યારે બધાં લોકોએ રસી લઇ લેવી જોઇએ જેથી નવા પિક આટલાં જોખમી ન બને.

નાણાં વિભાગના સચિવ રૂપવંત સિંઘ કોરોનાગ્રસ્ત થયા છે. સિંઘ હાલના કોરોના વેવ દરમિયાન સંક્રમિત થયેલા ત્રીજા સચિવ કક્ષાના સનદી અધિકારી છે. આ અગાઉ ગૃહ સચિવ પંકજ કુમાર તેમજ સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ડબલ મ્યુટેશન થાય તો પણ રસી કારગર નીવડી શકે
હાલ દેશમાં ડબલ મ્યુટેશનવાળો વાઇરસ ઘાતક સાબિત થતો હોવાનું જાણવા મળ્યું છે અને તેને લઇને અન્ય દેશો પણ સતર્ક થઇ ગયાં છે. પરંતુ ડબલ મ્યુટેશન ધરાવતો આ વાઇરસ રસી લીધી હોય તો ઓછો જોખમી હોઇ શકે છે તેમ શ્વસનતંત્રના રોગોના નિષ્ણાત અને ટાસ્કફોર્સના સભ્ય ડૉ. તુષાર પટેલ જણાવે છે. ડો. પટેલે કહ્યું કે ડબલ મ્યુટેશન હોવાં છતાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ જેમાં તબીબો, નર્સિંગ અને અન્ય હોસ્પિટલ સ્ટાફ આવી જાય તેમણે રસીના બન્ને ડોઝ લઇ લીધાં હોવાથી તેમના માટે તે જોખમી સાબિત થયો નથી. પહેલો વેવ આવ્યો તે વખતે ઘણાં તબીબોને પણ તેની ખરાબ અસર થઇ હતી પરંતુ તેવું આ વખતે જોવા મળ્યું નથી.

કોઇ પણ રસી હશે તે રક્ષણ આપશે
ટાસ્કફોર્સે જણાવ્યું કે ભારતમાં બનેલી કે વિદેશી કોઇપણ પ્રકારની રસી રક્ષણ આપવા સક્ષમ છે તેના વૈજ્ઞાનિક પુરાવા છે. રસી લેવાથી વ્યક્તિ સંક્રમિત થાય તો પણ ગંભીરતા ઘટી જાય છે. એટલું જ નહીં, તેના થકી બીજાને સંક્રમણ લાગે તેની શક્યતા ઘટી જાય છે.

( Source – Divyabhaskar )