રસીનું રાજકારણ : દેશમાં વેક્સિનની અછત છતા શા માટે ફાઈઝરને નથી મળ્યું એપ્રુવલ? શું બન્યું નડતરરૂપ મેક ઈન ઈન્ડિયા કે આત્મનિર્ભરતાનુ ગૌરવ

રસીનું રાજકારણ : દેશમાં વેક્સિનની અછત છતા શા માટે ફાઈઝરને નથી મળ્યું એપ્રુવલ? શું બન્યું નડતરરૂપ મેક ઈન ઈન્ડિયા કે આત્મનિર્ભરતાનુ ગૌરવ

  • દેશમાં રોજના 10 મિલિયન શોટ્સ મુકવાની જરૂરિયાત છે, ત્રણ મિલિયનથી ખુશ ન થવું જોઈએઃ બાયોટિસિયન ભ્રામર મુખર્જી
  • USની દવા અને વેક્સિન કંપની ફાઈઝરે મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને 7 કરોડ ડોલરની દવાઓ પણ દાનમાં આપી છે

હાલ જ્યારે દેશમાં વિવિધ રાજ્યોએ વેક્સિનની સર્જાયેલી તંગીના કારણે ત્રીજા તબક્કાનું વેક્સિનેશન રોકવાની ફરજ પડી છે, ત્યારે તાજેતરમાં જ અમેરિકાની વેકસિન કંપની ફાઈઝરે દેશને તેની રસીને ઝડપી મંજૂરી આપવા કરેલી વિનંતીએ ભારતની સિસ્ટમ પર પ્રશ્નાર્થ સર્જોયો છે. તેના પગલે સૌથી મોટો સવાલ એ સર્જાયો છે કે ઈઝ ઓફ ડુઈંગની વાતો કરનાર દેશે આટલા મહિનાઓ સુધી શાં માટે અમેરિકાની કંપનીની પરવાનગી પર કોઈ નિર્ણય ન લીધો અને વિલંબ કર્યો? જ્યારે બીજી તરફ સવાલ એ પણ છે કે વિશ્વના 80થી વધુ દેશોને વેક્સિનની સહાય કરનાર ભારતે મેક ઈન્ડિયાના મુદ્દે પોતાનું નાક ન કપાય તે માટે મંજૂરીને પેન્ડિંગ રાખી ? ચાલો જાણીએ રસીના રાજકારણનો સમગ્ર અહેવાલ…

CEO એલબર્ટ બોર્લોએ કરી અપીલ
અમેરિકાની દવા અને વેક્સિન કંપની ફાઈઝરે મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને 7 કરોડ ડોલર (લગભગ 517 કરોડ રૂપિયા)ની દવાઓ પણ દાન કરી છે. કંપનીના CEO એલબર્ટ બોર્લોએ આ જાણકારી આપી હતી. બોર્લોએ ભારત સરકારને એક અપીલ પણ કરી છે. બોર્લો મુજબ- ભારતને ફાઈઝર વેક્સિનને એપ્રુવલ માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવી જોઈએ. અમેરિકા સહિત દુનિયાના અનેક અમીર દેશોમાં ફાઈઝરની વેક્સિન ઉપયોગ કરવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ રસીની અછતના પગલે 1મેથી શરૂ થતા વેક્સિનેશનના ત્રીજા તબક્કાને બંધ રાખવાની ફરજ પડી હતી

કઈ રીતે ચાલી રહ્યું છે દેશનું વેક્સિનેશન ડ્રાઈવ
દેશમાં લગભગ રસીના 150 મિલિયન શોટ્સ આપવામાં આવ્યા છે. જે દેશના 1.3 બિલિયન લોકોના 11.5 ટકા છે. વિશ્વમાં વેક્સિનના સૌથી વધુ પ્રોડક્શનમાં ભારત અગ્રેસર હોવા છતા દેશમાં વેક્સિનની ઈન્ટરનલ અછત સર્જાઈ છે. તેના પગલે દેશે એસ્ટ્રાઝેનેકાના એક્સપોર્ટ પર પણ ટેમ્પરરી પ્રતિબંધ આપ્યો છે, જેથી ઘરેલુ માંગ પુરી થઈ શકે. ત્રીજા વેક્સિનેશન તબક્કા માટે 18-45 વર્ષના 13 મિલિયન લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ રસીની અછતના પગલે 1મેથી શરૂ થતા વેક્સિનેશનના ત્રીજા તબક્કાને બંધ રાખવાની ફરજ પડી હતી.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર અમેરિકન રાષ્ટ્રપતિને વેક્સિનના કાચા માલની સપ્લાઈ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. SII પાસે અત્યારે મહિનામાં 7 કરોડ વેક્સિન ડોઝ બનાવવાની ક્ષમતા છે, જેને તે વધારીને 10 કરોડ કરવા માગે છે, પરંતુ રો મટીરિયલનો સપ્લાઈ અટવાતાં પ્રોડક્શનમાં વિલંબ થઈ રહ્યો છે.

રોકાણનો અભાવ
વેક્સિન નિર્માણ ક્ષમતા વધારવા માટે મૂડીની પણ જરૂર પડે છે. ઉત્પાદનક્ષમતા ઝડપથી વધારવા માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ ભારત સરકાર પાસે 3 હજાર કરોડ રૂપિયાની માગ કરી છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ કદમ ઉઠાવાયું નથી.

ભારત સરકારની તરફથી કિંમત પર ફાઈનલ ડીલમાં વિલંબ
ભારત સરકારે સીરમની કોવિશીલ્ડ રસીની પ્રતિ ડોઝ કિંમત નક્કી કરવામાં ઘણો વિલંબ કર્યો. વેક્સિનને ભારતમાં ઈમર્જન્સી યુઝની મંજૂરી આપવાનાં લગભગ બે સપ્તાહ પછી સરકાર કિંમતને ફાઈનલાઈઝ કરી શકી. આ માટે મહિનાઓ સુધી ચર્ચા ચાલી. સીરમ ઈન્સ્ટિટ્યૂટે તો ઓક્ટોબરથી જ મોટે પાયે વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દીધું હતું. બન્યું એવું કે એક સમયે તેની પાસે વેક્સિનના 5 કરોડ ડોઝનો સ્ટોક જમા થયો હતો, એની પાસે વેક્સિન રાખવાની જગ્યા બચી નહોતી. જાન્યુઆરીમાં સીરમના સીઈઓ પૂનાવાલાએ રૉઇટર્સને જણાવ્યું હતું કે તેમણે 5 કરોડ ડોઝથી વધુ વેક્સિન થવા પર પેકિંગ રોકવા માટે કહેવું પડ્યું હતું. જો તેની પાસે વધુ પેકિંગ હોત તો તેમને વેક્સિન પોતાના ઘરમાં સ્ટોર કરવી પડી હોત. જો સરકારે એ દરમિયાન સીરમ સાથે ખરીદીનો સોદો કરી લીધો હોત તો કંપનીને ત્યારે પોતાની સમગ્ર ક્ષમતા સાથે ઉત્પાદન રોકવું ન પડ્યું હોત.

સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર અમેરિકન રાષ્ટ્રપતિને વેક્સિનના કાચા માલની સપ્લાઈ શરૂ કરવા અનુરોધ કર્યો હતો

ભારતની પ્રાથમિકતામાં ખુદની આવશ્યકતા
ભારતની વેક્સિન સ્ટ્રેટેજીથી વાકેફ એક અધિકારીના અનુસાર, હવે ઉપલબ્ધ ડોઝનો દેશમાં જ ઉપયોગ કરાશે, કેમ કે સ્થિતિ ઈમર્જન્સી જેવી છે. તેમણે કહ્યું હતું કે બીજા દેશો સાથે કોઈ કમિટમેન્ટ નથી. વિદેશ મંત્રાલયના આંકડામાં પણ એ વાત સ્પષ્ટ છે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ભારતે વેક્સિનના લગભગ 6.4 કરોડ ડોઝ એક્સપોર્ટ કર્યા હતા, પણ આ મહિનામાં અત્યારસુધીમાં માત્ર 12 લાખ ડોઝ જ એક્સપોર્ટ થયા છે.

ઓગસ્ટ સુધીમાં 40 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય
ભારતે શરૂઆતમાં ઉચ્ચ જોખમવાળી પોતાની લગભગ 30 કરોડની વસતિને ઓગસ્ટ સુધીમાં વેક્સિનેટ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ ભારતની કુલ વસતિનો લગભગ પાંચમો ભાગ જ કહેવાય, પરંતુ હવે સરકારે આ લક્ષ્ય વધારીને 40 કરોડ કર્યું છે. એને પ્રાપ્ત કરવામાં માત્ર દેશી વેક્સિનનું ઉત્પાદન જ ઝડપથી વધારવું નહીં પડે, પણ સાથે વિદેશી વેક્સિનને આયાત કરવામાં પણ ઝડપ લાવવી પડશે.

દેશમાં રોજના 10 મિલિયન શોર્ટ્સ મુકવાની જરૂરિયાતઃ બાયોટિસિયન ભ્રામર મુખર્જી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ માટે અગાઉ લોકોને વેક્સિનેશન માટે લાઈનો ન લગાવવા કહ્યું હતું. કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે હજી રાજધાનીને રસીનો ડોઝ મળ્યો નથી. વેક્સિનનો જથ્થો આવ્યા પછી લોકોને જાણ કરવામાં આવશે. ત્યાં સુધી વેક્સિન સેન્ટર્સની બહાર લોકો મોટી સંખ્યામાં એકત્રિત ન થાય. એક્સપર્ટ્સન મત મુજબ ભારતે હાઈ ટ્રન્સમિશન ધરાવતા એરિયામાં મોટા પાયે વેક્સિનેશન કરવું જોઈએ. ખાસ કરીને એ રાજ્યોમાં જ્યાં તાજેતરમાં જ ચૂંટણીઓ થઈ હતી. મિશગન યુનિવર્સિટીમાં બાયોટિસિયન ભ્રામર મુખર્જીએ જણાવ્યું હતું કે દેશમાં રોજના 10 મિલિયન શોર્ટ્સ મુકવાની જરૂરિયાત છે. ત્રણ મિલિયનથી ખુશ ન થવું જોઈએ.

( Source – Divyabhaskar )