IPL 2022માં બે નવી ટીમ સામેલ, અમદાવાદની ટીમનું પલડું રહેશે ભારે

IPL 2022માં બે નવી ટીમ સામેલ, અમદાવાદની ટીમનું પલડું રહેશે ભારે

ભારતીય ક્રિકેટ બોર્ડની અમદાવાદમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા(એજીએમ)માં  ૨૦૨૨માં રમાનારી આઇપીએલની ૧૫મી સિઝનમાં વધુ બે ટીમોને સામેલ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક દિવસથી અટકળો થઈ રહી હતી પરંતુ બોર્ડની એજીએમમાં ૨૦૨૧ માટે નહીં પરંતુ ૨૦૨૨ માટે બે ટીમોનો ઉમેરો કરવાના નિર્ણયને અંતિમ સ્વરૂપ અપાયું હતું.

બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૨ની સિઝનમાં આઠ નહીં પરંતુ ૧૦ ટીમો લીગમાં રમશે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે સ્થગિત કરાયેલી ડોમેસ્ટિક સિઝનમાં તમામ સ્તરના મેન્સ તથા વિમેન્સ ખેલાડીઓને યોગ્ય વળતર પણ આપવાનો એજીએમમાં નિર્ણય લેવાયો હતો. જાન્યુઆરીમાં સૈયદ મુસ્તાક અલી ટી૨૦ ચેમ્પિયનશિપ સાથે નવી સિઝનનો પ્રારંભ થશે અને બાકીની ટૂર્નામેન્ટનું પણ આયોજન થઇ શકે તે માટેના પ્રયાસ કરવામાં આવશે.

૨૦૨૨માં યોજાનારી આઇપીએલમાં સામેલ થનારી નવી બે ટીમોમાં અમદાવાદની ટીમ હોટફેવરિટ છે. છેલ્લા કેટલાક વર્ષથી અમદાવાદની ટીમ આઇપીએલમાં સામેલ થશે તેવી ચર્ચા થઇ રહી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પાસે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ તૈયાર છે અને આ કારણથી અમદાવાદની ટીમ મોટેરોમાં જ પોતાનો બેઝકેમ્પ નાખી શકે છે.

બીજી ટીમ માટે પૂણે, કાનપુર તથા લખનઉ પણ રેસમાં છે. અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી પણ ભૂતકાળમાં આઇપીએલમાં ટીમ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે અદાણી ગ્રૂપને સંજીવ ગોયન્કા તરફથી ટીમ ખરીદવાના મામલે પડકાર મળી શકે છે. પૂણે સુપર જાયન્ટસનો અનુભવ ગોયન્કાની તરફેણમાં જઇ શકે છે. સાઉથનો સુપરસ્ટાર મોહનલાલે પણ ટીમ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ બે બિઝનેસ જુથોએ દાખવ્યો રસ

IPLની બે નવી ટીમોના માલિક કોણ હશે એ સવાલ સૌકોઈ માટે રસપ્રદ છે. રિપોર્ટ પ્રમાણે IPLની ટીમ ખરીદવાની રેસમાં અદાણી ગ્રૂપ અને સંજીવ ગોયન્કા ગ્રપ આગળ રહેશે. જે નવી 2 ટીમનો સમાવેશ થયો છે એમાંથી એક ટીમ ગુજરાતની હશે. અગાઉ જ IPLમાં એક ટીમ અમદાવાદની હોઈ શકે છે જેને ખરીદવાની ઇચ્છા અદાણી ગ્રૂપે પહેલા જ વ્યક્ત કરી હતી. અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને ગુજરાતની ટીમ પોતાનું હોમગ્રાઉન્ડ બનાવશે.

એટલું જ નહીં, મેગા ઓક્શનને બદલે આ વખતે પણ મિની ઓક્શન જ થશે. BCCI 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે. આ મામલે બોર્ડે કહ્યું હતું કે, તેઓ 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે તૈયાર છે અને આ બાબતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને પૂરેપૂરો સહયોગ કરશે. જોકે આ પહેલાં બોર્ડ અમુક બાબતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે.

નવી ફ્રેન્ચાઇઝીને ૨૦૨૧માં કેમ એન્ટ્રી નહીં

બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નવી ફ્રેન્ચાઇઝી માટે બોર્ડે ટેન્ડર બહાર પાડવાના હતા અને બોલીની પ્રક્રિયા તૈયાર કરવાની હતી. જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં બોલીમાં જો બે ટીમોએ બાજી મારી હોત તો તેમને પ્લેયર્સની હરાજી માટે સમય આપવો પડે તેમ હતો. પ્લેયર્સની હરાજી માર્ચ મહિનામાં થતી હોય છે. આ સ્થિતિમાં નવી ફ્રેન્ચાઇઝીને પોતાની યોજના તૈયાર કરવામાં ઘણો ઓછો સમય મળ્યો હોત.

૯૪ મેચ માટે અઢી મહિનાનો સમય લાગશે  

૨૦૨૨માં ૧૦ ટીમો વચ્ચે આઇપીએલની કુલ ૯૪ મેચો રમાશે જેના માટે લગભગ અઢી મહિનાનો સમય લાગશે અને આ કારણથી ઇન્ટરનેશનલ કેલેન્ડર ઉપર સીધી અસર પડી શકે છે. કેટલાક ખેલાડીઓ પૂરેપૂરી ટૂર્નામેન્ટમાં ના રમી શકે તેવી પણ સ્થિતિ ઊભી થઈ શકે છે. તમામ વિદેશી ખેલાડીઓ આઇપીએલની પૂરી સિઝનમાં રમે તે પણ બીસીસીઆઇએ સુનિશ્ચિત કરવું પડશે.

રાજીવ શુક્લા વીપી બન્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાને બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ માહિમ વર્માનું સ્થાન લેશે જેઓ ઉત્તરાખંડના છે. સૌરવ ગાંગુલી બીસીસીઆઇના ડાયરેક્ટર તરીકે જળવાઈ રહેશે. સેક્રેટરી જય શાહ પણ પોતાના હોદ્દાએ જળવાઈ રહેશે અને તે આઇસીસીની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.