સારા સમાચાર : અમેરિકામાં હવે 12થી 15 વર્ષનાં બાળકોને પણ કોરોનાની વેક્સિન અપાશે, ફાઇઝરની વેક્સિનને મંજૂરી અપાઈ

સારા સમાચાર : અમેરિકામાં હવે 12થી 15 વર્ષનાં બાળકોને પણ કોરોનાની વેક્સિન અપાશે, ફાઇઝરની વેક્સિનને મંજૂરી અપાઈ

બે હજાર બાળકોને ટેસ્ટમાં વેક્સિન અપાઈ, એમાં એકપણ સંક્રમણનો કેસ ન નોંધાયો

અમેરિકામાં હવે કોરોનાવાયરસ સામે બાળકોને પણ વેક્સિનનું કવચ મળશે. અમેરિકાના ફૂડ અન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફાઈઝર- બાયોએનટેક (Pfizer-BioNTech)ની બાળકો માટે બનાવેલી વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. હવે 12થી 15 વર્ષનાં બાળકોને વેક્સિન આપી શકાશે. FDAએ કોરોનાવાયરસ સામે લડવાને આને મહત્ત્વનું પગલું ગણાવ્યું છે.

અમેરિકાના FDAનું કહેવું છે કે ફાઈઝર-બાયોએનટેકની COVID-19 વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. 12થી 15 વર્ષના 2000થી વધુ વોલન્ટિયર્સને વેક્સિન અપાઈ હતી. ટેસ્ટના ડેટામાં જાણવા મળ્યું છે કે વેક્સિનેશન પછી બાળકોમાં સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી.

રિવ્યુ પછી મંજૂરી મળી
FDAના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું હતું કે વેક્સિનેશનને દરેક વર્ગમાં લઈ જવાના પ્રયાસો આપણને સામાન્ય સ્થિતિમાં પહોંચવાની નજીક લાવે છે. દરેક માતા-પિતા એ બાબતે નિશ્ચિંત રહે કે અમે તમામ ડેટાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ જ આ વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે.

FDAનું કહેવું છે કે આ કોવિડ-19ની વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટેસ્ટમાં વેક્સિનેશન પછી એકપણ બાળકમાં સંક્રમણનો કેસ નોંધાયો નથી. કંપનીનો દાવો છે કે આ વેક્સિન 100 ટકા અસરકારક છે. 18 વર્ષના લોકોની સરખામણીમાં 12થી 15 વર્ષનાં જે બાળકોને વેક્સિનનો ડોઝ અપાયા છે તેઓ સંક્રમિત થયાં નથી.

વેક્સિનને મંજૂરીથી લોકો ખુશ
બાળકોની વેક્સિનને મંજૂરી મળતાં વાલીઓમાં ખુશીનો માહોલ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સાંભળીને સારું લાગ્યું કે બાળકો માટે વેક્સિન આવી ગઈ છે. પહેલાં બાળકોની વેક્સિન ન હતી તો અમને ચિંતા થતી હતી, હવે તેઓ સુરક્ષિત છે. કોરોનાની ત્રીજી લહેર અંગે કહેવાય રહ્યું છે કે બાળકો સૌથી વધારે પ્રભાવિત થશે. આ બધાની વચ્ચે આ સમાચાર રાહત આપનારા છે.

( Source – Divyabhaskar )