એક્સક્લૂઝિવ : હાર્દિક પટેલ ‘આપ’નો ચહેરો બની શકે છે, પાટીદાર સમાજનું રાજકીય વર્ચસ્વ ટકાવવા સમાજના આગેવાનો પણ હાર્દિકને ટેકો આપી શકે

એક્સક્લૂઝિવ : હાર્દિક પટેલ ‘આપ’નો ચહેરો બની શકે છે, પાટીદાર સમાજનું રાજકીય વર્ચસ્વ ટકાવવા સમાજના આગેવાનો પણ હાર્દિકને ટેકો આપી શકે

  • હાલના આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ એક સમયે પાટીદાર આંદોલનમાં હાર્દિકના સાથી હતા
  • હવે હાર્દિક અને ગોપાલ ઈટાલિયા ફરી એક બની સમાજ માટે લડવાની તૈયારીમાં

12મી જૂને કાગવડના ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારોના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું કે ગુજરાતના આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઇએ અને આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બની શકે છે. નરેશ પટેલનો આ સંકેત આપવા પાછળ 2022ની વિધાનસભા ચૂંટણીમાં નવા સમીકરણો નક્કી છે, તે માટે પાટીદાર આગેવાનો હાર્દિક પટેલને આપનો ચેહરો બનાવી પાટીદાર સમાજના મત લેવા લાંબા ગાળાની વ્યૂહરચના ઘડી રહ્યા હોવાનું જાણવા મળે છે. આમ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી સમાજની સાથ સાથે આપમાં જોડાય તો નવાઈ નહીં.

કોંગ્રેસની આંતરિક ખેંચતાણ હાર્દિક માટે ચિંતાનો વિષય
પાટીદાર આંદોલનના યુવા અને આક્રમક નેતા તરીકેની છાપ ધરાવતા હાર્દિક પટેલે કોંગ્રેસનો છેડો પકડીને રાજકારણમાં પ્રવેશ તો કરી લીધો છે.પરંતુ કોંગ્રેસની જૂથબંધી અને આંતરિક ખેંચતાણથી હાર્દિકની ઉગતી રાજકીય કારકિર્દી બગડી રહી છે. ખાસ કરીને પાટીદાર સમાજ માટે કંઈક કરી છૂટવા માટે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ નિષ્ફળ જઈ રહ્યા હતા. જે પાટીદાર સમાજ અને હાર્દિક પટેલ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. પાટીદાર સમાજના આગેવાનોમાં ભાજપ સમાજને ખાસ મહત્વ ન આપતો હોવાની લાગણી પ્રવર્તી રહી છે. તેમાં પણ ખોડલધામ ખાતે મળેલી પાટીદારોના આગેવાનોની બેઠક બાદ આ સંકેત વધુ સ્પષ્ટ થવા લાગ્યો છે.

પાટીદાર સમાજના આગેવાનોએ આપ તરફ કૂણી લાગણી બતાવી
ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, જેમાં પણ પાટીદાર સમાજની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થાય તેવી દહેશત પાટીદાર સમાજના આગેવાનોમાં ઉભી થઇ હતી. જેને લઈને પાટીદાર સમાજના આગેવાનો એક બનીને બેઠકો કરી પાટીદારોનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા મેહનત કરવા લાગ્યા છે. પાટીદાર સમાજને ભાજપ સાથે બનતું નથી તો કોંગ્રેસમાં પણ કોઈ ગણકારતું ના હોવાનો વસવસો છે. ત્યારે પાટીદારો સમાજના આગેવાનોએ આમ આદમી પાર્ટી તરફ કૂણી લાગણી બતાવી બંને પક્ષને ઈશારો કરી દીધો છે.

હાર્દિકને ચહેરો બનાવી ભાજપ-કોંગ્રેસને બતાવી દેવાની વ્યૂહ રચના
આપ પ્રત્યે પાટીદારોએ ઝુકાવ તો બતાવ્યો પણ આપમાં પાટીદારનો કોઈ ચેહરો તો જોઈએ ને, હાલ ગોપાલ ઇટાલિયા આપમાં છે, પણ એનું એટલું વજન પડી શકે તેમ નથી. બીજું કે ગોપાલને પાટીદાર સમાજના આગેવાનો કે મતદારો એટલા સ્વીકારે નહીં. તેથી પાટીદાર આગેવાનો માટે ફરી એકવાર હાર્દિક પટેલને આપનો ચેહરો બનાવી સમાજને રાજકીય સ્તરે મહત્વ આપાવવાની સાથે ભાજપ અને કોંગ્રેસને બતાવી દેવાની વ્યૂહરચના ગોઠવાઈ રહી હોવાનું જાણવા મળે છે.

આક્રમક યુવાઓને સંગઠનમાં સ્થાન આપવા માટેની રણનીતિ
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં ખૂબ સારી સફળતા મેળવીને વિપક્ષના સ્થાને આવી ગયો છે. જો કે આ અગાઉ આમ આદમી પાર્ટીએ સંગઠન બનાવીને વિધાનસભા 2017ની ચૂંટણી લડી હતી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહોતી. આ નિષ્ફળતા અંગે ‘આમ આદમી પાર્ટી’ની કોર કમિટીએ વિચાર વિમર્શ કર્યા બાદ નિષ્ફળતા પાછળ સંગઠનનું માળખું અને કેટલાક ચોક્કસ નેતાઓ જવાબદાર હોવાનું બહાર આવતા અગાઉનું ગુજરાતનું આપનું માળખું સંપૂર્ણપણે વિખેરી નાંખીને આક્રમક યુવાઓને સંગઠનમાં સ્થાન આપવા માટેની રણનીતિ ઘડી છે.

આ રણનીતિના ભાગરૂપે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. ત્યારબાદ આપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થોડી ઘણી સફળતા મળી. ખાસ કરીને ગુજરાતમાં વિવિધ સામાજિક આંદોલનો દરમિયાન નેતાગીરીની ભૂમિકા ભજવી રહેલા યુવાઓને ‘આમ આદમી પાર્ટી’માં જોડાવા માટે સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોમાં જોડાયેલા પણ યોગ્ય હોદ્દા કે સ્થાન ન મળ્યા હોય એવા નારાજ નેતાઓને પણ આપમાં જોડાવા માટે ભલામણો કરવામાં આવશે.

( Source – Divyabhaskar )