દરેક અમેરિકનને 2000 ડોલર અપાશે બાઇડેને કોરોના રાહત પેકેજની રૂપરેખા આપી

દરેક અમેરિકનને 2000 ડોલર અપાશે બાઇડેને કોરોના રાહત પેકેજની રૂપરેખા આપી

। વોશિંગ્ટન ।

અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને ગુરુવારે રાત્રે વિલ્મિંગ્ટન ખાતેથી પ્રાઇમ ટાઇમ સંબોધનમાં અમેરિકાને કોરોનાની કટોકટીમાંથી ઉગારવા ૧.૯ ટ્રિલિયન ડોલરના રાહત પેકેજનેે મંજૂરી આપવા અમેરિકી સંસદને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું અમેરિકાની જનતા માટેના રાહત પેકેજને ઝડપથી મંજૂરી અપાય તે માટે બંને પાર્ટીના સાંસદો સાથે મળીને કામ કરવા ઇચ્છુ છું. જો બાઇડેનના આ રાહત પેકેજમાં દરેક અમેરિકન નાગરિકને ૨,૦૦૦ ડોલરની સહાયનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, ૬૦૦ ડોલરની રાહત પૂરતી નથી. જો બાઇડેને દેશભરમાં લઘુતમ વેતન ૧૫ ડોલર પ્રતિ કલાકની જોગવાઈનો અમલ કરવાનો પણ સંકેત આપ્યો હતો. બાઇડેન સરકાર નાના લેન્ડલોર્ડ અને મકાન ભાડે આપનારાને વીજળી અને પાણીના બિલમાં રાહત આપવા ૩૦ અબજ ડોલરની ફાળવણી કરશે.

પ્રથમ ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ ડોઝ રસી અપાશે

બાઇડેનની ટીમને વિશ્વાસ છે કે તેઓ બાઇડેનના પ્રથમ ૧૦૦ દિવસના કાર્યકાળમાં કોરોનાની રસીના ૧૦ કરોડ ડોઝ આપવામાં સફળ રહેશે. જો બાઇડેને જણાવ્યું હતું કે, આ કામ અમારા માટે સૌથી મોટો પડકાર છે. બાઇડેન સરકાર તાત્કાલિક રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ ખરીદીને શાળાઓમાં વ્યાપક ટેસ્ટિંગ અભિયાન શરૂ કરશે. આ માટે શાળાઓને ૧૩૦ બિલિયન ડોલરની ફાળવણી કરાશે.

બેરોજગારી ભથ્થું ૪૦૦ ડોલર કરાશે

બાઇડેન સરકાર બેરોજગારી ભથ્થાંમાં ૧૦૦ ડોલર પ્રતિ સપ્તાહનો વધારો કરવા ઇચ્છે છે. હાલ અમેરિકામાં પ્રતિ સપ્તાહ ૩૦૦ ડોલરનું બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવે છે. બાઇડેન સરકાર આ ભથ્થું વધારીને ૪૦૦ ડોલર કરવા માગે છે. બાઇડેને જણાવ્યું હતું કે, કર્મચારીઓને ૧૪ સપ્તાહની પગાર સાથેની સિક અને ફેમિલી લીવની જોગવાઈ કરવામાં આવશે.

પ્રસ્તાવિત પેકેજ

૧.૪ ટ્રિલિયન ડોલરની કુલ ફાળવણી, ૨,૦૦૦ ડોલર દરેક અમેરિકનના ખાતામાં, ૪૪૦ બિલિયન ડોલર નાના બિઝનેસને સહાય, ૧૬૦ બિલિયન ડોલરનો કોરોન રસીકરણ કાર્યક્રમ, ૧૩૦ બિલિયન ડોલર શાળાઓને ફાળવણી કરાશે, ૩૦ બિલિયન ડોલર વીજળી અને પાણીના બિલમાં રાહત

( Source – Sandesh )