જ્યોતિષિને કોરોના ફળ્યો : કોરોનાકાળમાં જ્યોતિષીઓને રોજની 40-50 ઈન્કવાયરી મળે છે, આવક પણ મહિને 15 હજારથી વધી 30 હજાર થઈ

જ્યોતિષિને કોરોના ફળ્યો : કોરોનાકાળમાં જ્યોતિષીઓને રોજની 40-50 ઈન્કવાયરી મળે છે, આવક પણ મહિને 15 હજારથી વધી 30 હજાર થઈ

ઓનલાઈન કુંડળી માર્ગદર્શનમાં લોકોએ નોકરી, લગ્ન, વેપાર-ધંધા અંગે પ્રશ્નો પૂછ્યા

માર્ચ 2020થી બે મહિના સંપૂર્ણ લૉકડાઉન તેમજ કોરોનાના વાઈરસનો ચેપ ફેલાતા સમયે સમયે સરકારે લાદેલા નિયંત્રણોને કારણે અનેક વેપાર-ધંધાને માઠી અસર પહોંચી હતી. સંખ્યાબંધ લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ એક વ્યવસાયમાં તેજી જોવા મળી હતી. આ કપરા સમયમાં ઓનલાઈન કુંડળીના માર્ગદર્શન માટે અનેક જ્યોતિષીઓનો સંપર્ક કરનારાની સંખ્યા વધી ગઈ હતી.

માસિક આવક બમણી થઈ ગઈ
સામાન્ય દિવસોમાં જાણીતા જ્યોતિષ પાસે દિવસના છથી સાત લોકો આવતા હોય છે. પરંતુ આ સમય દરમિયાન રોજ 40થી 50 લોકો ઓનલાઈન સંપર્ક કરતા હતા. આને કારણે જ્યોતિષાચાર્યોની સરેરાશ માસિક આવક 15 હજારથી વધીને 30થી 35 હજાર સુધી પહોંચી ગઈ હતી. જ્યોતિષ આશિષ રાવલ, પ્રદ્યુમન ભટ્ટ, અમિતાબેન મહેતા, રેખાબેન વ્યાસના જણાવ્યા મુજબ ઓનલાઈન કન્સલ્ટિંગમાં દક્ષિણા એડવાન્સ લેવાતી હોય છે અને તે ઓફલાઈન કરતાં વધુ હોય છે. વધારામાં પ્રશ્નોના જવાબ પણ મર્યાદિત સંખ્યામાં અપાય છે.

લોકોએ પૂછ્યું, કોરોના ક્યારે જશે, વેપાર-ધંધામાં ફરી બરકત ક્યારે જોવા મળશે?

  • કોરોના વાઈરસ ક્યારે જશે?
  • અમારા પરિવારમાં કોરોનાથી કોઈનું મૃત્યુ તો નહીં થાય ને?
  • કંપની કરકસરના પગલાં લઈ રહી છે તો નોકરી ટકશે કે જશે?
  • અમારા નજીકના સગાનું કોરોનાથી મૃત્યુ થયું છે તો બચવા શું કરીએ?
  • સંપૂર્ણપણે લૉકડાઉન ક્યારે દૂર થશે, સ્થિતિ રાબેતા મુજબ ક્યારે થશે?
  • કોરોના પછી વેપાર-ધંધામાં ફરી બરકત ક્યારે જોવા મળશે?
  • હાલની સ્થિતિમાં માનસિક શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ?
  • નિયંત્રણને કારણે લગ્ન લઈ શકાયા નથી તો આવતાં વર્ષે મુહૂર્ત કેવું છે?
  • કોરોનાના કેટલીક વખત રાત્રે ડરામણાં સપનાઓ આવતા હોવાથી ઊંઘમાંથી ઝબકી જવાય છે.

ઈન્કવાયરીમાં 5થી 10 ગણો વધારો
સામાન્ય સંજોગો કરતાં હાલ ઓનલાઈન ઈન્કવાયરી 15થી 20 ગણી વધી છે. સારા જ્યોતિષીની સલાહ લેવા વેઈટિંગ જોવા મળે છે. કેટલાક જ્યોતિષીની કોરોના પહેલાંની આવક કરતાં હાલ 5થી 10 ગણો વધારો થયો છે. ઓનલાઈન કન્સલ્ટિંગથી સમયની બચત થાય છે. – સી.એન. શાહ, જ્યોતિષ

( Source – Divyabhaskar )