SII, ICMR અને WHO સામે FIRની માગ : કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ પણ એન્ટિબોડી વિકસિત થઈ નહીં, પ્લેટલેટ્સ ઘટ્યા; લખનઉના વેપારીએ કહ્યું- લોકોની સાથે છેતરપિંડી થઈ રહી

SII, ICMR અને WHO સામે FIRની માગ : કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ પણ એન્ટિબોડી વિકસિત થઈ નહીં, પ્લેટલેટ્સ ઘટ્યા; લખનઉના વેપારીએ કહ્યું- લોકોની સાથે છેતરપિંડી થઈ રહી

  • કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધા પછી પણ શરીરમાં એન્ટિબોડી ડેવલપ થઈ નહીં
  • વેપારીએ પોતાનો એન્ટિબોડી GT ટેસ્ટ કરાવ્યો એમાં જાણવા મળ્યું કે હજી સુધી એન્ટિબોડી બની જ નથી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII), જે કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરે છે અને એને મંજૂરી આપનાર ICMR અને WHO સામે લખનઉના એક વેપારીએ FIR દાખલ કરવા માટે અરજી કરી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ચલાવતા પ્રતાપ ચંદ્રનો આરોપ છે કે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધા પછી પણ એન્ટિબોડીઝ તેમના શરીરમાં વિકાસ પામી ન હતી. આ લોકો સાથે છેતરપિંડી છે, તેથી એને તૈયાર કરનારી કંપની અને એને મંજૂરી આપતી સંસ્થાઓની જવાબદારી સામે કાર્યવાહી કરવી જોઈએ. પ્રતાપે SIIના CEO અદાર પૂનાવાલા, ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવ, WHOના DG ડો. ટેડ્રોસ અધોનમ ગેબ્રેસસ, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશનના નિયામક, અપર્ણા ઉપાધ્યાય સામે આશિયાના પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ઈન્સ્પેક્ટર પુરુષોત્તમ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. સરકારી સ્તરે એની તપાસ કરવામાં આવશે.

શું છે ફરિયાદ?

  • ICMR અને WHOએ સ્પષ્ટ કહ્યું હતું કે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદથી જ એન્ટિબોડી તૈયાર થવા લાગશે, પરંતુ મારામાં બની નહીં.
  • SII એ આ વેક્સિનને બનાવી છે. ICMR, WHO અને આરોગ્ય મંત્રાલયે એને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશને એનો પ્રચાર કર્યો, માટે તે લોકો પણ દોષિત છે.
  • હું શુદ્ધ શાકાહારી છું. આ ઉપરાંત મને RNA બેસ્ડ ઈન્જેકશન લગાવાયું છે.
  • RNA બેસ્ડ ઈન્જેકશનમાં માતાના ગર્ભમાં જે બાળક થતું નથી એની કિડનીની 293 સેલ્સ સામેલ કરવામાં આવે છે. આવું સીરમ ઈન્સ્ટિટ્યૂટે પોતાની વેબસાઇટમાં લખેલું છે. એના પર સમગ્ર દુનિયામાં પ્રતિબંધ છે, પરંતુ આપણે ત્યાં આ ચાલી રહ્યું છે.
  • મારી સાથે છેતરપિંડી થઇ છે. મારો જીવ પણ જઇ શકતો હતો. આ માટે મેં હત્યાના પ્રયાસ અને છેતરપિંડીની કલમ લગાવવા માટે અરજી કરી છે.

વેક્સિન લગાવ્યા બાદ પણ એન્ટિબોડી બની નહીં, પ્લેટલેટ્સ ઘટી ગયા
પ્રતાપ ચંદનું કહેવું છે કે વેક્સિન લગાવ્યા બાદ તેમની તબિયત બગડી હતી. મારા પ્લેટલેટ્સ ઘટી ગયા. 21 મેના રોજ મે ICMR અને આરોગ્ય મંત્રાલયની પ્રેસ-કોન્ફરન્સ જોઈ હતી. એમાં ICMRના ડિરેકટર જનરલ બલરામ ભાર્ગવે સ્પષ્ટ કહ્યું હતું કે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ જ શરીરમાં સારીએવી એન્ટિબોડી તૈયાર થઈ જાય છે, જ્યારે કોવેક્સિનના બંને ડોઝ લીધા બાદ એન્ટિબોડી બને છે. એ જોયા બાદ 25 મેએ સરકારી લેબમાં તેમણે એન્ટિબોડી GT ટેસ્ટ કરાવ્યો. એમાં જાણવા મળ્યું કે તેમનામાં હજી સુધી એન્ટિબોડી બની નથી. પ્લેટલેટ્સ પણ ઘટીને ત્રણ લાખથી દોઢ લાખ સુધી પહોંચી ગયા. આ મારી સાથે છેતરપિંડી થઈ છે. મારા જીવ સાથે રમત રમવામાં આવી છે.

FIR નહીં દાખલ કરાય તો કોર્ટમાં જઈશ
પ્રતાપે કહ્યું હતું કે ‘હું એકલો જ નથી, જેમાં એન્ટિબોડી ડેવલપ થઈ નથી. મારી જેવા અનેક લોકો પણ છે. આ માટે હું 6 તારીખે કોર્ટ ખૂલવા પર અરજી દાખલ કરીશ. આ સરકારનું કામ છે કે એ તપાસ કરે કે મારી અને મારા જેવા અનેક લોકો સાથે શું થઈ રહ્યું છે? મારામાં કેમ એન્ટિબોડી ડેવલપ થઈ નથી.શું મને જે ઇન્જેકશન આપવામાં આવ્યું હતું એમાં પાણી ભરેલું હતું?

( Source – Divyabhaskar )