‘આપ’ના કાર્યક્રમમાં પાકીટ ચોરાયા : ગુજરાતમાં AAPના કાર્યાલયના ઉદઘાટન સમયે જ દિલ્હીના ધારાસભ્ય સહિત 5ના પાકિટ ચોરાયા, એકની અટકાયત

‘આપ’ના કાર્યક્રમમાં પાકીટ ચોરાયા : ગુજરાતમાં AAPના કાર્યાલયના ઉદઘાટન સમયે જ દિલ્હીના ધારાસભ્ય સહિત 5ના પાકિટ ચોરાયા, એકની અટકાયત

દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ સહિત 4 વ્યક્તિઓના પાકીટ ચોરી થયા છે

દિલ્હીના મુખ્યમંત્રી આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે મુલાકાત દરમિયાન અલગ-અલગ કાર્યક્રમમાં કેજરીવાલે ભાગ લીધો હતો. સર્કિટ હાઉસ, વલ્લભ સદન અને બાદમાં નવરંગપુરા ખાતેના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલની સાથે હાજર રહેનાર આપના દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવનું પાકીટ ચોરી થયું સાથે જ અન્ય 4 વ્યક્તિઓના પણ પાકીટ ચોરી થયા છે જે મામલે પોલીસે શકમંદોની અટકાયત કરી છે.

ઉદઘાટનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા
નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું અરવિંદ કેજરીવાલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલની સાથે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ હાજર હતા. સાથે જ અમદાવાદના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા. ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ભીડ જોવા મળી હતી અને ભીડનો ફાયદો ઉઠાવીને અજાણ્યા શખ્સે દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ અને આપના અન્ય 4 જેટલા કાર્યકરોના પાકીટ સાફ કરી દીધા.

ધારાસભ્ય સહિત 5 વ્યક્તિઓના પાકીટ ચોરી કર્યા
આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જગદીશ કલાપીએ જણાવ્યું હતું કે, ઉદઘાટન કાર્યક્રમમાં કેજરીવાલ સાથે અન્ય ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ પણ હાજર હતા. ભીડમાં કોઈ વ્યકિતએ ધારાસભ્ય સહિત 5 વ્યક્તિઓના પાકીટ ચોરી કર્યા છે. જે મામલે એક શકમંદ વ્યક્તિ દેખાતા પોલીસે તેની અટકાયત કરી છે. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. જે.ચુડાસમાએ જણાવ્યું હતું કે, પાકીટ ચોરી થયાની વાત અમારા ધ્યાન પર આવી છે જેને લઇને ફરિયાદીની ફરિયાદ નોંધાવી તજવીજ ચાલુ છે. ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ના માસ્ક ના સોશિયલ ડિસ્ટન્સ
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે જેમાં અનેક લોકો આજે આપમાં જોડાવામાં છે. એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા. કેજરીવાલ આવતા જ અનેક કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી. સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું, પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા. તમામ લોકો એકબીજાથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા.

કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર
* ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન છે
* ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે.
* 27 વર્ષ બંને પાર્ટીની મિત્રતાની છે અને કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે.
* ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે.
* બંને પાર્ટીઓએ કોરોનામાં ગુજરાતને અનાથ છોડી દીધું છે.
* દિલ્લીમાં જો વીજળી ફ્રી છે તો ગુજરાતમાં વીજળી મોંઘી કેમ છે
* 2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે
* ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે
* ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ સાથે મળી ચૂંટણી લડે છે
* ગુજરાતનું મોડલ ગુજરાતમાં જ રહેશે.ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે

( Source – Divyabhaskar )