USA - ગુજરાતી મૂળના યુવક કાર્તિક ભટ્ટે જ્યોર્જિયાના સ્ટેટ લેબર કમિશનર તરીકે ઉમેદવારી નોંધાવી, જ્યોર્જિયાને મોડેલ સ્ટેટ બનાવવાની નેમ

USA - ગુજરાતી મૂળના યુવક કાર્તિક ભટ્ટે જ્યોર્જિયાના સ્ટેટ લેબર કમિશનર તરીકે ઉમેદવારી નોંધાવી, જ્યોર્જિયાને મોડેલ સ્ટેટ બનાવવાની નેમ

સેવન સ્ટાર હોટેલ, વિશ્વનો સૌથી મોટો શોપીંગ મોલ બનાવવા અને સ્ટેટ ટેક્સ પાંચ ડોલર ઘટાડવા કટિબધ્ધ

અમેરિકાના જ્યોર્જિયાના સ્ટેટ લેબર કમિશનરની ચૂંટણીમાં ગુજરાતી મૂળના યુવક કાર્તિક ભટ્ટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકાની જીડીપી અને તેની સામે જ્યોર્જિયાની જીડીપીની સરખી તુલના થઇ શકે તે રીતે અર્થતંત્ર માળખું કરવાનું તેમનું લક્ષ્ય છે. જ્યોર્જિયાને મોડેલ સ્ટેટ બનાવવાની નેમ છે.

કોણ છે કાર્તિક ભટ્ટ?
અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન અને ગુજરાતી મૂળના કાર્તિક ભટ્ટની બે વર્ષ પહેલાં ‘જ્યોર્જિયા બોર્ડ ઓફ એક્ઝામિનર્સ’માં નિમણૂક કરવામાં આવી હતી. કાર્તિક ભટ્ટે આ અગાઉ કોબ કાઉન્ટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટી’માં એનિમલ કંટ્રોલ ઓફિસર તરીકે 10 વર્ષ સુધી સેવાઓ આપી છે. તેઓ 2020માં અમેરિકન પ્રેસિડેન્ટના મોટરકેડમાં માનદ્દ ડ્રાઈવર તરીકે સેવા આપતા હતા.

વ્યવસાયકારોને ફાયદો અપાવવો
નાના, મધ્યમ અથવા મોટા વ્યવસાયના માલિકોને કાર્તિક ભટ્ટ આર્થિક ફાયદો કરાવવા માંગે છે. કાર્તિક ભટ્ટ પોતાની વેબસાઈટ www.kartikbhattforga.com માં લખે છે કે ઘણા નાના વેપારીઓ સાથે વાત કરતા, મને જાણવા મળ્યું કે SBA લોન અને વ્યાપારી લોન પ્રક્રિયા બેન્કોને અંદાજે 60 થી 90 દિવસ લાગે છે. લેબર કમિશનર તરીકે હું બેંકો અને ધિરાણકર્તાઓ સાથે કામ કરીશ અને દસ્તાવેજો સાથે આ પ્રક્રિયા 30 થી 45 દિવસની કરીશ.

 

સ્ટેટ ટેક્સ ઘટાડવો
અમેરિકાના કોઈપણ રાજ્યમાં સ્ટેટ ટેક્સ નથી પણ જ્યોર્જિયામાં પાંચ ડોલર સ્ટેટ ટેક્સ છે. આશરે 80 થી 90 હોટલ માલિકો અને ઉદ્યોગ સાહસિકોને મળીને કાર્તિક ભટ્ટે વાત કરી. તેમાં જાણવા મળ્યું કે કોરોનાકાળ પછી આ વ્યવસાય માલિકો તેમનો વ્યવસાય ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કાર્તિક ભટ્ટ કહે છે, શ્રમ કમિશનર તરીકે હું હોટલ માલિકોને ટેકો આપીશ. અમે સાથે મળીને કામ કરીશું અને પાંચ ડોલરનો સ્ટેટ ટેક્સ ઘટાડીશું. ઓફિસમાં મારા પ્રથમ 100 દિવસો માટે આ બીજી યોજના છે. અહીં આ હેતુ માટે બનાવવામાં આવેલી વિશેષ સમિતિ હશે. મેં 6 થી 7 રાજ્યના ધારાસભ્યો સાથે વાત કરી છે.


કૃષિ ક્ષેત્રે ક્રાંતિ
કાર્તિક ભટ્ટે અંદાજે 50 થી 60 ખેડૂતો સાથે વાત કરી. તેઓએ મજૂરની અછત અને અન્ય તકલીફો જણાવી. કાર્તિક ભટ્ટ જણાવે છે કે લેબર કમિશનર તરીકે, હું ભવિષ્યમાં ખેડૂતો અને એગ્રી-બિઝનેસ લીડર્સને તાલીમ આપવા માટે જ્યોર્જિયાની ટેકનિકલ કોલેજ સિસ્ટમ દ્વારા કૃષિ કાર્યબળ વિકાસ કાર્યક્રમ બનાવીશ. હું 'જ્યોર્જિયા ગ્રીન' અભિયાનનો ભાગ બનીશ.


જ્યોર્જિયાને મોડેલ સ્ટેટ બનાવવાનું સપનું
કાર્તિક ભટ્ટનું સપનું છે કે, જો તે લેબર કમિશનર બને તો જ્યોર્જિયાને મોડેલ સ્ટેટ બનાવવું છે. જ્યોર્જિયામાં 7 સ્ટાર હોટલ, વિશ્વનો સૌથી મોટો શોપિંગ મોલ, વિશ્વની સૌથી ઊંચી ઈમારત, ગ્લોબલ બિઝનેસ હબ, આઇટી હબ, ટેક્નોલોજી હબ, વિશ્વની શ્રેષ્ઠ તબીબી કોલેજ, વિશ્વની શ્રેષ્ઠ ડેન્ટલ કોલેજ, વિશ્વની શ્રેષ્ઠ કાયદા કોલેજ, ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વની સૌથી મોટી ફૂડ કોર્ટ પણ બનાવવા. તેમને કહ્યું કે, આ માત્ર સપનું નથી, આ કામો થઇ શકે તેમ છે.

કાર્તિક ભટ્ટનો પરિવાર
કાર્તિક ભટ્ટ મૂળ ગુજરાતી છે. તેમના પરિવારમાં પત્ની ત્વિષા, પુત્રી નમસ્વી અને માતા -પિતા હરિકૃષ્ણ વી ભટ્ટ, હિર્ણાક્ષી ભટ્ટ છે. તે એકવર્થ, જ્યોર્જિયામાં લાંબો સમય રહ્યા અને 2001 થી કોબ કાઉન્ટીમાં રહે છે.