મોડર્ના અને ફાઇઝર માટે ગ્રીન કોરિડોર : કેન્દ્રએ કહ્યું- જો વેક્સિનને મોટા દેશો અને WHOનું એપ્રૂવલ છે તો અમે કંપનીઓની શરત માનવા તૈયાર

મોડર્ના અને ફાઇઝર માટે ગ્રીન કોરિડોર : કેન્દ્રએ કહ્યું- જો વેક્સિનને મોટા દેશો અને WHOનું એપ્રૂવલ છે તો અમે કંપનીઓની શરત માનવા તૈયાર

સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ વેક્સિન ડ્રાઇવમાં કરાઈ રહ્યો છે

મોડર્ના અને ફાઈઝરની કોરોના વેક્સિનને ઝડપથી દેશમાં ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર તેમની શરત માનવા માટે તૈયાર થઈ ગઈ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DGCI)એ કહ્યું હતું કે જો આ કંપનીઓની વેક્સિનને મોટા દેશો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) પાસેથી ઈમર્જન્સી યુઝની મંજૂરી મળી છે તો ભારતમાં એના લોન્ચિંગ પછી બ્રિજ ટ્રાયલની જરૂરિયાત નથી.

જવાબદારી અંગે ઝડપથી નિર્ણય લેવાશે
મોડર્ના અને ફાઈઝર એ કંપનીઓમાં સામેલ છે, જેમણે ભારત સરકારને અપીલ કરી હતી કે તે ઈમર્જન્સી યુઝની પરવાનગી આપ્યા પછી થનારી લોકલ ટ્રાયલ્સની અનિવાર્યતાને સમાપ્ત કરે. સરકારે હાલ વેક્સિનના ઉપયોગ પછી થનારી સાઈડ ઈફેક્ટને લઈને બનતી જવાબદારી જેવી શરત અંગે નિર્ણય લીધો નથી. આ શરતની ખૂબ મોટી અસર પડશે, જોકે આ અંગે પણ નિર્ણય ઝડપથી લેવામાં આવી શકે છે.

વેક્સિનની હાલની જરૂરિયાતને ધ્યાને લઈને નિર્ણય
DGCIના ચીફ વીજી સોમાનીએ કહ્યું હતું કે WHO જેવા સ્વાસ્થ્ય સંગઠન અને મોટા દેશોમાં મંજૂરી મળ્યા પછી ભારતમાં આ વેક્સિનની ક્વોલિટી અને સ્ટેબિલિટીને લઈને ટેસ્ટ કરવામાં આવશે નહિ. કોરોનાની બીજી લહેરમાં મોટા પ્રમાણમાં કેસ આવી રહ્યા છે. એવામાં દેશમાં વેક્સિનની મોટા પ્રમાણમાં જરૂરિયાત છે. આ કારણે ઝડપથી વિદેશી વેક્સિનને આયાત કરવાની જરૂરિયાત છે. આ નિર્ણય આ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

NEGVACએ કર્યું હતું રિકમન્ડેશન
નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિનેશન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19, એટલે કે NEGVACએ કહ્યું હતું કે અમેરિકા, બ્રિટન, જાપાન, યુરોપ અને WHOએ જે વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી છે એ પહેલેથી કરોડો લોકોને લાગી ચૂકી છે. એને ભારતમાં એપ્રુૂવલ મળ્યા પછી ટેસ્ટ અને દરેક બેન્ચની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીમાં તપાસની આવશ્યકતા નથી. જોકે આ માટે જે દેશમાંથી વેક્સિન આવી રહી છે ત્યાંની એજન્સીમાંથી બેન્ચને સર્ટિફાઈડ કરવામાં આવે એ જરૂરી છે.

ભારતમાં હાલ 3 વેક્સિન અને એક પાઉડર
સીરમ ઈન્સ્ટિટ્યૂટટ કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ વેક્સિન ડ્રાઈવમાં કરાઈ રહ્યો છે. રશિયાની સ્પુતનિક-વીને પણ ભારતમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય DRDOએ કોવિડને ફેલાતો અટકાવવા માટે 2-DG દવા બનાવી છે. એના ઈમર્જન્સી ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે. આ એક પાઉડર હોય છે, જેને પાણીમાં મિક્સ કરીને આપવામાં આવે છે.

ડિસેમ્બર 2021 સુધીમાં વેક્સિનેશન પૂરું થવાનો દાવો
આ પહેલાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2021 સુધી ભારતના દરેક નાગરિકને કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે. આ માટે સરકારે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. તેમણે કહ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં દેશની પાસે વેક્સિનના 216 કરોડ ડોઝ હશે. એનો અર્થ એ છે કે આપણે 108 કરોડ લોકોને વેક્સિન આપી શકીશું.

( Source – Divyabhaskar )