વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨થી ૨૭મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨થી ૨૭મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે જશે

મોદી યુએનની વાર્ષિક જનરલ એસેમ્બલીને સંબોધન કરશે

જો બાઈડેન પ્રમુખ બન્યા પછી મોદીનો પહેલો અમેરિકા પ્રવાસઃ બંને નેતાઓ અફઘાનિસ્તાન અને ચીનના મુદ્દે ચર્ચા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસના છેલ્લાં સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલોમાં દાવો થયો એ પ્રમાણે પીએમ મોદી ૨૨થી ૨૭મી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૨થી ૨૭મી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે જશે. એ દરમિયાન પીએમ મોદી યુએનની વાર્ષિક જનરલ એસેમ્બલીને સંબોધન કરશે. સંભવતઃ એ સંબોધન ૨૫મી સપ્ટેમ્બરે યોજાશે. વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસ દરમિયાન વૉશિંગ્ટન અને ન્યૂયોર્કમાં થનારા રાજકીય કાર્યક્રમોમાં હાજર રહેશે.
અધિકારીઓને ક્વોટ કરીને અહેવાલોમાં દાવો કરાયો હતો એ પ્રમાણે અમેરિકા-ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયાના ક્વાડ સંગઠનની શિખર મંત્રણા વૉશિંગ્ટનમાં મોદીના પ્રવાસ દરમિયાન યોજાશે. આ સંમેલનમાં ચારેય દેશોના નેતાઓ મળીને અત્યારની વૈશ્વિક સ્થિતિ બાબતે ચર્ચા કરશે અને પ્રશાંત મહાસાગરમાં ચારેય મિત્ર દેશોના હિતોની રખેવાળી કરવાની રૃપરેખા ઘડાશે. પ્રશાંત મહાસાગરમાં ચીનનો વધતો પ્રભાવ ખાળવા માટે આ બેઠક મહત્વની બની રહેશે.
જો બાઈડેન અમરિકાના પ્રમુખ બન્યા તે પછી વડાપ્રધાન મોદીની આ પહેલી અમેરિકા યાત્રા છે. આ પ્રવાસ દરમિયાન મોદી-બાઈડેન ચીન અને અફઘાનિસ્તાનના મુદ્દે ચર્ચા કરશે. જો બાઈડેન પ્રમુખ બન્યા તે પછી મોદી-બાઈડેન ત્રણ વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે, પરંતુ કોરોના મહામારીના કારણે બંને દેશોના નેતાઓ વચ્ચે હજુ સુધી મુલાકાત થઈ નથી.
અગાઉ ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. તે વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા. ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. એ પછી ૨૦૨૦માં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ કોરોના મહામારીના કારણે દુનિયાભરના નેતાઓના વિદેશ પ્રવાસો બંધ થયા હતા અને તેના બદલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ થતો હતો. છેલ્લાં અમેરિકા પ્રવાસના બરાબર બે વર્ષ પછી ફરીથી મોદી અમેરિકાની યાત્રાએ જશે.