કોર્ટ ખફા:ત્રીજી લહેર વીતી ગયા પછી વળતરની ગાઇડલાઇન બનાવશો?: સુપ્રીમ કોર્ટ

કોર્ટ ખફા:ત્રીજી લહેર વીતી ગયા પછી વળતરની ગાઇડલાઇન બનાવશો?: સુપ્રીમ કોર્ટ

કોરોના મૃતકોના પરિવારજનોને વળતર મુદ્દે કેન્દ્ર સરકાર પર સુપ્રીમ કોર્ટ ખફા

 

કોરોનાથી જીવ ગુમાવનારાઓને ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા મુદ્દે કેન્દ્ર સરકારે હજુ સુધી ગાઇડલાઇન જારી કરી નથી. આ મુદ્દે શુક્રવારે સુપ્રીમકોર્ટે સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમકોર્ટે આ મુદ્દે 11 સપ્ટેમ્બર સુધીમાં વિસ્તૃત અહેવાલ રજૂ કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચે જણાવ્યું હતું કે (ગાઇડલાઇન જારી કરવા મુદ્દે) અમે ઘણા સમય પહેલા આદેશ આપી ચૂક્યા છીએ. અમે એક વખત મુદ્દતમાં વધારો પણ કર્યો છે. જ્યાં સુધી તમે ગાઇડલાઇન બનાવશો ત્યાં સુધીમાં ત્રીજી લહેર પણ વીતી ગઈ હશે. સુનાવણીમાં કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે આ બાબત કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ છે.

કોરોનાના મૃતકોના પરિવારજનોને વ‌ળતર આપવા માટે મૃતકને કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું પ્રમાણપત્ર મળે એ જરૂરી છે. આ પ્રમાણપત્ર ઇસ્યુ કરવા મુદ્દે તથા વળતરની રકમ, વહેંચણી સહિતની બાબતો નિર્ધારીત કરવા માટે નેશનલ ડિઝસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (એનડીએમએ)ને નિર્દેશ અપાયા છે. આ માટેની ગાઇડલાઇન નિર્ધારીત કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ત્રણ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. પણ શુક્રવારે જ્યારે સુનાવણી થઈ ત્યારે કેન્દ્ર સરકારે વધુ એક સપ્તાહની મુદ્દત માગી હતી. આ મુદ્દે જસ્ટિસ એમઆર શાહે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે અગાઉ પણ સમય આપી ચૂક્યા છીએ.

આજે તમે ફરી સમય માગી રહ્યા છો, અમને શંકા છે કે જ્યાં સુધી તમે ગાઇડલાઇન ઇસ્યુ કરશો ત્યાં સુધીમાં કોરોનાની ત્રીજી લહેર પણ વીતી ગઈ હશે. આ રીતે વિલંબ કરવો યોગ્ય નથી. જવાબમાં મહેતાએ જણાવ્યું હતું કે ગાઇડલાઇન જારી કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ આગામી 11 સપ્ટેમ્બરે વધુ સુનાવણી કરશે.

કોરોના મૃતકોના પરિવારજનોને વળતરની માગણી
કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને વળતર આપવા માટે સુપ્રીમકોર્ટમાં અરજી થઈ હતી. મૃતકના પરિવારજનોને 4 લાખ વળતર ચૂકવવાની માગણી કરી છે. સુપ્રીમે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કોરોના મૃતકોને વળતર માટે અમે એનડીએમએને નિર્દેશ આપ્યો છે.

મૃત્યુ કોરોનાથી થયું છે એવું પ્રમાણપત્ર કેન્દ્ર-રાજ્ય આપે
કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો હતો કે જે લોકોના મૃત્યુ કોરોનાથી થયા હોય તેમને મૃત્યુનું કારણ જણાવતા પ્રમાણપત્ર પણ ઇસ્યુ કરે તેઓ વળતર મેળવી શકે.

કોર્ટે ગાઇડલાઇન બનાવવાનો નિર્દેશ 30 જૂને આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે 30 જૂને કેન્દ્રને ગાઇડલાઇન તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કોરોના મૃતકો માટે વળતર નક્કી કરવા અને મૃત્યુનું પ્રમાણપત્રની પ્રક્રિયા સરળ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના નિર્દેશ છતાં હજુ ગાઇડલાઇન બની નથી.