અનામતનો વિવાદ : ગુજરાતના પાટીદારોનો OBCમાં સમાવેશ થઈ શકે નહીં, અલગ અનામત મળવી જોઈએ,

અનામતનો વિવાદ : ગુજરાતના પાટીદારોનો OBCમાં સમાવેશ થઈ શકે નહીં, અલગ અનામત મળવી જોઈએ,

સમગ્ર દેશમાં 1 લાખ ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યા છે

સમાન નાગરિક ધારો લાવવાની જરૂર છે, આ બાબતે વડાપ્રધાન સાથે વાત કરીશ

 

કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાટીદારોને અનામત મળવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. રામદાસ આઠવલેએ કહ્યું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને અનામત મળવી જોઈએ. તેમનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં.

8 લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારોને અનામત આપવી જોઈએ
કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું કે, સમગ્ર દેશમાં જાતિ વ્યવસ્થા છે. કાયદામાં નાબૂદ થઈ ગઈ છે. અમે બધાને ન્યાય આપવાની કામગીરી કરી રહ્યા છીએ. સમગ્ર દેશમાં 1 લાખ ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ રહ્યા છે. કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે, ઘોડા પર બેસે તો સારું લાગતું નથી. અમારી પહેલેથી માગ રહી છે કે મહારાષ્ટ્રના મરાઠા, ગુજરાતના પાટીદાર કે જેઓ 8 લાખથી ઓછી આવક ધરાવે છે તેમને અનામત આપવી જોઈએ. મહારાષ્ટ્ર સરકાર કેટલા દિવસ ચાલશે એ ખબર નથી, ખૂબ વહેલા આ સરકાર જતી રહશે. કોઈ હિન્દુની સંખ્યા ઓછી થવાનો સવાલ નથી. વન ફેમિલિ વન ચાઈલ્ડનો કાયદો લાવવો જોઈએ એવો અમારી પાર્ટીનો આગ્રહ છે.

બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો સારો વિકાસ થયો છે
રામદાસ આઠવલેએ વધુમાં ઉમેર્યું કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો સારો વિકાસ થયો છે. નરેન્દ્ર મોદી વિચારીને કામ કરે છે, રાહુલ ગાંધી અને મોદીની તુલના ના થઇ શકે. મોદી સરકાર મિલકતો વેચવા નું કામ કરે છે તે બોલવું યોગ્ય નથી. રાજીવ ગાંધીના પંદર પૈસા જનતા સુધી પહોંચતા હતા, આજે જનતા પાસે પુરા પૈસા પહોંચે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ રાજ્ય સરકારોએ પણ જનતાને રાહત મળે તે માટે કામ કરવું જોઈએ. સમાન નાગરિક ધારો લાવવાની જરૂર છે. આ બાબતે વડાપ્રધાન સાથે વાત કરીશ.

2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીનું 350 બેઠક જીતવાનું પ્લાનિંગ
2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી 350 અને એનડીએનું 400થી વધુ સીટો જીતવાનું પ્લાનિંગ છે. નરેન્દ્ર મોદી સરકારે 7 વર્ષમાં અનેક મહત્વના કામ કર્યા છે. મોદી સરકારમાં 100 ટકા નાણાં લાભાર્થીઓને પહોંચડવાનું સ્વપ્ન છે. ખાનગીકરણની શરૂઆત કોંગ્રેસે કરી હતી. પરંતુ હવે કોંગ્રેસ તે મામલે રાજનીતિ કરે છે. દેશમાં રસીકરણનું કામ ખુબ સારું થયું છે હું પણ મોદી સરકારનો આભાર માનું છું. જનધન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના,પ્રધાનમંત્રી ઉજવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષમાન ભારત યોજનાના લાભ તમામ વર્ગોને મળ્યા છે.

ગુજરાતમાં અમારી પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન
જ્યારે તાજેતરમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામેલા બિગબોસ વિનર સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેઓ ખૂબ સારા અભિનેતા હતા. 2013માં બિગ બોસ જીત્યા હતા. 40 વર્ષની ઉંમરે એટેક આવ્યો એ ખૂબ દુઃખની વાત છે. હું રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા અને મોદી સરકાર તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. સમગ્ર દેશમાં હાથથી ગટર સફાઈ કરનાર 60 હજાર સફાઈ કર્મી છે. જેમાંથી લોકોને બહાર લાવવા માટે યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં પણ અમારી પાર્ટી ભાજપને સમર્થન આપશે. આવનારા ચાર રાજ્યોની ચૂંટણીમાં પણ અમારી પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે.