ભાવિના પટેલનો ફાઈનલમાં પ્રવેશ આજે ગોલ્ડ મેડલ જીતવાની તક

ભાવિના પટેલનો ફાઈનલમાં પ્રવેશ આજે ગોલ્ડ મેડલ જીતવાની તક

પેરાલિમ્પિક : ભાવિનાએ ચીનની વર્લ્ડ નંબર થ્રી ખેલાડી ઝાંગને હરાવી

આજે સવારે 7.15 વાગ્યાથી ભાવિના ગોલ્ડ મેડલ મેચમાં ચીનની વર્લ્ડ નંબર વન ઝોઉ યીંગ સામે ટકરાશે

ટોક્યો : ગુજરાતની આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં વધુ એક સીમાચિહ્ન સર કરતાં ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે તે પેરાલિમ્પિક ટેબલ ટેનિસના ઇતિહાસમાં ફાઈનલમાં પહોંચનારી ભારતની સૌ પ્રથમ ખેલાડી બની હતી.

સેમિ ફાઈનલમાં ભાવિનાએ ચીનની વર્લ્ડ નંબર થ્રી ખેલાડી ઝાંગ મિઓને 3-2થી હરાવીને ગોલ્ડ મેડલ મુકાબલા માટે ક્વોલિફાઈ કરી લીધું છે. હવે આવતીકાલે ભારતના હોકી લેજન્ડ મેજર ધ્યાન ચંદનો જન્મ દિવસે નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી થવાની છે, ત્યારે ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા સાથે ચીનની વર્લ્ડ નંબર વન ઝોઉ યીંગ સામે ફાઈનલમાં ટકરાશે. 

34 વર્ષીય ભાવિના પટેલે કેટેગરી 4ની વિમેન્સ સિંગલ્સની ઈવેન્ટમાં શાનદાર દેખાવ જારી રાખતાં માત્ર 34 મિનિટમાં જ સેમિ ફાઈનલ જીતી લીધી હતી. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ ભાવિનાએ જોરદાર કમબેક કરતાં બીજી અને ત્રીજી ગેમ જીતી લીધી હતી. ચોથી ગેમમાં મિઓએ વિજય મેળવતા બંને ખેલાડીઓ 2-2થી બરોબરી પર આવી ગઈ હતી.

આખરે પાંચમી અને નિર્ણાયક ગેમની સાથે ભાવિનાએ કુલ 7-11, 11-7, 11-4, 9-11, 11-8ના સ્કોરથી ચીની ખેલાડીને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. ફાઈનલમાં તેમનો મુકાબલો એ જ ખેલાડી સામે થવાનો છે, જેની સામે તે પ્રથમ લીગ મેચમાં હાર્યા હતા.

જોકે, ટોક્યો પેરાલિમ્પિકમાં તેમણે જે પ્રકારે શાનદાર દેખાવ સાથે આત્મવિશ્વાસ બતાવ્યો છે, તે જોતા તેઓ ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર મનાય છે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ઝાંગ મિઓ સામેની 12મી મેચમાં ભાવિનાનો આ સૌપ્રથમ વિજય છે.

ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રથમ ગૂ્રપ મેચમાં ઝોઉ યીંગ સામેની હાર બાદ ભાવિનાએ ગ્રેટ બ્રિટનની શાકલટનને હરાવી હતી. જે પછી તેણે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલની ડી ઓલીવેઇરાને હરાવી હતી. ક્વાર્ટર ફાઈનલમાં પણ તેણે રિયો પેરાલિમ્પિકની ગોલ્ડમેડલીસ્ટ સર્બિયાની રાન્કોવિચ સામે 3-0થી આસાન જીત સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.