ઘટસ્ફોટ:અમદાવાદમાં EWS આવાસ યોજનાના 10 હજાર મકાનોમાં એક હજારથી વધુ લોકો ભાડેથી રહે છે, દલાલો મકાનો અપાવવામાં સક્રિય

ઘટસ્ફોટ:અમદાવાદમાં EWS આવાસ યોજનાના 10 હજાર મકાનોમાં એક હજારથી વધુ લોકો ભાડેથી રહે છે, દલાલો મકાનો અપાવવામાં સક્રિય

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવ્યા છે. શહેરના ચાંદખેડા, મોટેરા, ગોતા, બોડકદેવ, નિકોલ, વસ્ત્રાલ, વટવા, ઓઢવ, સહિતના વિસ્તારોમાં આવેલા EWS આવાસ યોજનાના 10 હજારથી વધુ મકાનોમાં લોકો રહે છે. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS મકાનોમાં કેટલાક મકાન માલિકો પોતાના મકાનો ભાડા પર આપી દેતા હોય છે. જ્યારે આવા મકાનો ભાડે આપવા માટે ઠેર ઠેર દલાલો સક્રિય થઈ ગયાં છે.

મકાનોમાં અવારનવાર ચેકિંગ કરવાની માંગ કરાઈ હતી
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ મકાનોમાં ભાડે રહેતા લોકોની કોઈ જ પ્રકારની તપાસ ન થતી હોવાનું બહાર આવ્યું છે. જેને લઇ હાઉસિંગ એન્ડ EWS આવાસ યોજના કમિટિના સભ્યોએ આ મામલે કમિટીમાં સવાલ ઉભા કર્યા હતાં. આવાસ યોજનાના મકાનોમાં અવારનવાર ચેકિંગ કરવાની માંગ પણ કરી હતી.

4369 આવાસો લાભાર્થીઓને આપી દેવામાં આવ્યા છે
હાઉસિંગ એન્ડ EWS આવાસ યોજના કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યું કે EWS આવાસ યોજના ફેઝ 2 અંતર્ગત 4369 આવાસો લાભાર્થીઓને આપી દેવામાં આવ્યા છે. ફેઝ-3 અન્વયે તૈયાર થયેલા 3472 મકાનો પૈકી 2016 લોકોને પઝેશન આપવામાં આવ્યા છે જ્યારે 1456 જેટલા આવાસ બનીને તૈયાર છે. જેનું આગામી દિવસોમાં લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવશે. ફેઝ-4 અન્વયે 2849 મકાનો પૈકી 750થી વધુ લોકોને પઝેશન મળી ચૂક્યા છે. બાકીના મકાનોનું કામ ઝડપથી પુર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

ફ્રી સીટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં કુલ 43 જેટલા પ્રોજેકટ
તૈયાર આવાસ યોજનાના મકાનોનો 15 સપ્ટેમ્બર પહેલા ડ્રો કરવામાં આવશે. બીજી તરફ સ્લમ ફ્રી સીટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં કુલ 43 જેટલા પ્રોજેકટ ચાલે છે. જેમાં ગરીબ ઝુંપડા ધરાવતા લોકો માટે મકાનો બનાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શહેરના EWS આવાસ યોજનાના મકાનોમાં કમિટિના ચેરમેન, સભ્યો અને અધિકારીઓ મોટા પોલીસ ફોર્સ સાથે મકાનોમાં ચેકિંગ હાથ ધરશે. જે પણ લોકો ભાડે રહે છે તેમને મકાન ખાલી કરવા જાણ કરવામાં આવશે અને જો તેઓ મકાન ખાલી નહિ કરે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. શહેરમાં એક હજારથી વધુ મકાનોમાં ગેરકાયદેસર રીતે ભાડે લોકો રહેતા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. આવાસ યોજનાના મકાનોમાં ભાડે મકાન અપાવવા માટે કેટલાક મકાનના દલાલો ખુદ ઓછા ભાડે મકાન અપાવતાં હોય છે.