ભારતના અફઘાની રેફયુજીઓ ચિંતામાં:ભારતમાં રહી શકાશે નહીં, અફઘાનિસ્તાન જઈ શકાશે નહીં, દિલ્હીમાં UNHCR સામે પ્રદર્શન, રેફયુજી કાર્ડની પ્રબળ માંગણી

ભારતના અફઘાની રેફયુજીઓ ચિંતામાં:ભારતમાં રહી શકાશે નહીં, અફઘાનિસ્તાન જઈ શકાશે નહીં, દિલ્હીમાં UNHCR સામે પ્રદર્શન, રેફયુજી કાર્ડની પ્રબળ માંગણી

ભારતમાં રહેતા અફઘાનોએ દિલ્હીમાં UNHCRની ઓફિસ સામે પ્રદર્શન કર્યું

 

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ ભારતમાં રહેતા અફઘાનો ચિંતિત છે. છેલ્લા એક સપ્તાહથી તેઓ જુદી જુદી કચેરીઓ અને દૂતાવાસોના ચક્કર લગાવી રહ્યા છે. તેમની સામે બમણા પડકારો છે. એક તરફ અફઘાનિસ્તાનની સ્થિતિ ઘણી ખરાબ છે, તેમના માટે ત્યાં જવું યોગ્ય નથી. બીજી બાજુ, ભારતમાં તેઓ નાગરિકતા કાયદા એટલે કે CAAનો ડર સતાવી રહ્યો છે. જો CAA લાગુ થાય છે તો તેમને નાગરિકતા નહીં મળી શકે. આવી સ્થિતિમાં અહીં રહેતા 21 હજારથી વધુ અફઘાની રેફ્યુજીઓ સામે સંકટ ઊભું થશે.

સોમવારે મોટી સંખ્યામાં અફઘાનોએ દિલ્હીમાં યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ની ઓફિસ સામે પ્રદર્શન કર્યું અને રેફ્યુજી કાર્ડની માગણી કરી, જેથી તેઓ અન્ય દેશોની નાગરિકતા મેળવી શકે.

અફઘાનિસ્તાન પરત ફરવાની તમામ આશાઓ સમાપ્ત થઈ ગઈ
અફઘાનિસ્તાનના કાબુલના રહેવાસી બેહિશ્તા છેલ્લાં 5 વર્ષથી ભારતમાં રહે છે. માત્ર 7 વર્ષની ઉંમરે તેને પોતાનો દેશ છોડીને માતા અને પિતા સાથે ભારત આવવું પડ્યું હતું. અત્યારે તે દિલ્હીની અફઘાન બસ્તીમાં રહે છે. તેના પિતાની ભંગારની દુકાન છે. UNHCR ઓફિસની સામે બેહિશ્તા અફઘાનિસ્તાનનો ધ્વજ લઈને સૂત્રોચ્ચાર કરી રહી છે - 'વી વોન્ટ ફ્યુચર, વી વોન્ટ લાઈફ.' બેહિશ્તા કહે છે કે તે શાળામાં પ્રવેશ મેળવી શકતી નથી, કારણ કે તેની પાસે રિફ્યુજી કાર્ડ નથી. અમે આ અંગે UNHCRને ઘણા મેલ કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

અફઘાનિસ્તાન પરત ફરવાના પ્રશ્ન પર તે કહે છે, ત્યાંની સ્થિતિ ઘણી ખરાબ છે. છોકરીઓ પર ઘણો દમન કરવામાં આવ્યો છે, પરંતુ અમને ભારત પાસે આશા છે. હું મોટી થઈને ડોક્ટર-એન્જિનિયર બનવા માગું છું. હું ખરેખર આશા રાખું છું કે હું આ કરી શકીશ, પણ અમને મદદની જરૂર છે. જો અમને અહીં રેફ્યુજી કાર્ડ ન મળી શકે તો પછી બીજા કોઈ દેશમાં સેટલમેન્ટ કરી આપવું જોઈએ. અમે ત્રણ મહિનાથી ભાડું ચૂકવી શક્યા નથી, ખાવા-પીવા માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે.

સાંજે શું ખાઇશું એની ચિંતા સતાવે છે
9 વર્ષીય મોહમ્મદ ખાલિદ ભીડભર્યા પ્રદર્શનની વચ્ચે ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યો છે. તે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે, જેમ તેમ શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો છે. તે કહે છે કે તેમના પિતા પાસે કોઈ કામ ન હોવાથી તેઓ ઘણા મહિનાઓથી ઘરે બેઠા છે. દરરોજ અમારી સામે સવાલ હોય છે કે અમે સાંજે શું ખાઈશું? અમારી માગણી છે કે આપણને રિફ્યુજી કાર્ડ આપવામાં આવે અને અમારું કોઈપણ વધુ સારા દેશમાં સેટલમેન્ટ કરાવી દેવામાં આવે.

30 વર્ષના એન્જિનિયર અબ્દુલ્લા નવરોઝને અફઘાનિસ્તાનમાં તેમના જીવનને ખતરો હોવાને કારણે 2017માં ભારત આવવું પડ્યું હતું. તેઓ કહે છે, હવે અફઘાનિસ્તાન પરત ફરવાની તમામ આશાઓ સમાપ્ત થઈ ગઈ છે. UNHCR પાસે અમારી ત્રણ માગણી છે- પ્રથમ - રેફ્યુજી કાર્ડ જારી કરવાના બંધ કેસો ફરીથી ખોલવામાં આવે. બીજું- રેફ્યુજીઓને UNHCRનું ઓળખ કાર્ડ આપવું જોઈએ, ત્રીજું- અમારું ત્રીજા દેશમાં રિસેટલમેન્ટ કરાવવામાં આવે.

માત્ર 7 હજાર લોકો UNHCR કાર્ડધારક છે
અફઘાન રેફ્યુજી ઓર્ગેનાઈઝેશનના ભારતના વડા અહમદ જિયા ગની કહે છે, અહીં લગભગ 21 હજાર અફઘાની રેફ્યુજીઓ રહે છે. તેમાંથી મોટા ભાગના લોકો દિલ્હીમાં જ રહે છે. દિલ્હી, હૈદરાબાદ ઉપરાંત પુણેમાં પણ તેમની સંખ્યા સારીએવી છે. આ 21 હજાર શરણાર્થીઓમાંથી માત્ર 7 હજાર લોકો UNHCR કાર્ડધારક છે. બાકીના લોકો પાસે માત્ર બ્લૂ કાર્ડ છે, જેનું કોઈ જ મહત્ત્વનું નથી.

તેઓ કહે છે, 'અત્યારે અમારી પ્રથમ જરૂરિયાત એ છે કે ભારત સરકારે અમને સ્ટે વિઝા આપવા જોઈએ અને એની સમયમર્યાદા વધારવી જોઈએ. CAA આવ્યા પહેલાં, અમે આશા રાખી હતી કે સમયની સાથે ભારતમાં સ્થાયી થઈ જઈશું, પરંતુ હવે અમારી આશા પણ તૂટી ગઈ છે. ઘણા દેશો રેફ્યુજીઓને તેમની નાગરિકતા આપે છે, પરંતુ એના માટે UNHCR તરફથી સમર્થન પત્રની જરૂર છે, જેની અમે માગ કરી રહ્યા છીએ.'

ખરાબ રીતે ફસાયેલા છે અફઘાની રેફ્યુજી
માનવતાવાદી અને આંતરરાષ્ટ્રીય વિભાગના વડા સુધાંશુ શેખર સિંહ કહે છે, તમામ અફઘાની રેફ્યુજીઓને UNHCR કાર્ડ મળ્યું નથી, જેમને કાર્ડ મળ્યું છે તેમને પણ રેફ્યુજી તરીકે વધુ સુવિધાઓ મળતી નથી. ઘણા અફઘાની રેફ્યુજીઓને નોકરી, કામ કરવાની મંજૂરી નથી. તેથી જ જોબ માર્કેટમાં તેમનું શોષણ થાય છે. મહિલાઓને વેશ્યાવૃત્તિમાં પ્રવેશવા માટેનું દબાણ કરવામાં આવે છે.

જો CAA લાગુ કરવામાં આવે તો બિનમુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા મળશે, પરંતુ મુસ્લિમ રેફ્યુજીઓની સમસ્યા યથાવત્ રહેશે. મોટા ભાગના રેફ્યુજીઓ અહીં રહેવા માગતા નથી. તેઓ ઈચ્છે છે કે UNHCR તેમનું ત્રીજા દેશમાં સેટલમેન્ટ કરાવે. યુરોપે પોતાને ત્યાં અફઘાની રેફ્યુજીઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. વિશ્વના ઘણા મોટા દેશો પણ આશ્રય આપવાનું ટાળી રહ્યા છે. તો આ અફઘાનોનું ત્રીજા દેશમાં સેટલમેન્ટ થવું એ મોટો પડકાર છે.

સુધાંશુ શેખર કહે છે, આવી સ્થિતિમાં અફઘાની રેફ્યુજીઓનું ત્રીજા દેશમાં સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી સિવિલ સોસાયટી અને સરકારને સમજવાની જરૂર છે કે આ લોકો માનવી છે. તેમને જીવન જીવવા માટે કેટલીક પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ.

 

રેફ્યુજીઓના મુદ્દે ભારતનું વલણ શું છે?
એક અંદાજ મુજબ, હાલમાં ભારતમાં આશરે 3 લાખ રેફ્યુજીઓ રહે છે, પરંતુ ભારત 1951ના UN કન્વેન્શન અને 1967 રેફ્યુજી પ્રોટોકોલનો ભાગ નથી. ભારતમાં રેફ્યુજીઓ વિશે તેની પોતાની કોઈ નીતિ પણ નથી અને એનાથી સંબંધિત કોઈ કાયદો પણ નથી. ભારત સરકાર કોઈપણ સમયે રેફ્યુજીઓને ગેરકાયદે પ્રવાસી જાહેર કરી શકે છે. રોહિંગ્યા મુદ્દા પર UNHCRની ચકાસણી હોવા છતાં સરકારે પહેલેથી જ આવું કર્યું છે. સરકાર આવા લોકો સામે ફોરેનર્સ એક્ટ અથવા ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે અને તેમને અતિક્રમણ કરનાર કહી શકે છે.

રેફ્યુજીઓના મુદ્દા પર હાલમાં જ ભારત સરકારે CAA કાયદો બનાવ્યો હતો, જેને હજુ સુધી નોટિફાઈ કરવામાં આવ્યો નથી, પરંતુ આ કાયદામાં નાગરિકતા આપવામાં ધર્મને આધાર બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનથી આવતા બિન-મુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા મળે તેવી અપેક્ષા છે, પરંતુ મુસ્લિમ રેફ્યુજીઓને આશા નથી.