IIT કાનપુરના વૈજ્ઞાનિઓનો દાવો:ત્રીજી લહેર નહીં, ઓક્ટોબર સુધી ઘણાં રાજ્ય કોરોનામુક્ત થશે: IIT

IIT કાનપુરના વૈજ્ઞાનિઓનો દાવો:ત્રીજી લહેર નહીં, ઓક્ટોબર સુધી ઘણાં રાજ્ય કોરોનામુક્ત થશે: IIT

રસીકરણે ત્રીજી લહેરની આશંકાને ખતમ કરી દીધી છે

દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આ સ્થિતિમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મહામારીની ત્રીજી લહેરની આશંકા પર સવાલ ઊઠવા લાગ્યા છે. આ દરમિયાન કોરોનાની બીજી લહેરનું પૂર્વાનુમાન કરનારી સંસ્થા આઈઆઈટી-કાનપુરે દાવો કર્યો છે કે, હવે દેશમાં ત્રીજી લહેર આવવાની શંકા ના બરાબર છે.

આઈઆઈટી-કાનપુરના પ્રો. મહેન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે, અમારી ગાણિતિક ફોર્મ્યુલા પ્રમાણે રસીકરણે ત્રીજી લહેરની આશંકા લગભગ ખતમ કરી દીધી છે. જોકે, આઈસીએમઆર અને એનટાગી સાથે જોડાયેલા વિજ્ઞાનીઓનું માનવું છે કે, ત્રીજી લહેરની આશંકા ત્યારે જ ખતમ થશે, જ્યારે આપણે કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરીશું. એટલે કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને ભીડ ભેગી ના કરવી.

ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે કે નહીં એ મુદ્દે આ વિજ્ઞાનીઓનો મત છે કે, મોટી ઉંમરના લોકોમાં જેટલું ઝડપથી સંક્રમણ થાય છે, તેવું બાળકોમાં ના થઈ શકે. આ ઉપરાંત તે સંક્રમણ ખતરનાક પણ નહીં હોય.

આઈઆઈટી-કાનપુરના પ્રો. અગ્રવાલનું કહેવું છે કે, દેશમાં રસીકરણનો વ્યાપ વધવાથી સંક્રમણ નિયંત્રિત થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી જેવા રાજ્ય તો સંપૂર્ણ સંક્રમણમુક્ત થવાની તૈયારીમાં છે. જોકે, ઓક્ટોબર સુધી દેશમાં દૈનિક કેસની સંખ્યા 15 હજારની આસપાસ રહેશે. તેનું કારણ ઈશાન રાજ્યો તેમજ તમિલનાડુ, તેલંગાણા અને કેરળમાં વધતું સંક્રમણ છે.