‘આપ’નો ઉત્સાહ : સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પાટીદાર આંદોલન જેવો માહોલ, ત્રણ કિલોમીટર લાંબો રોડ શોમાં જંગી જનમેદની ઉમટી

‘આપ’નો ઉત્સાહ : સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પાટીદાર આંદોલન જેવો માહોલ, ત્રણ કિલોમીટર લાંબો રોડ શોમાં જંગી જનમેદની ઉમટી

  • 2015 બાદ વરાછામાં જંગી રેલી નીકળતા તમામ રસ્તાઓ જામ
  • કોંગ્રેસથી વિમુખ થયેલા પાટીદારોનો હાથ આમ આદમીની સાથે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરીને આમ આદમી પાર્ટીને 27 સીટો મેળવવામાં સફળતા મળી છે. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદારોના મતથી કોંગ્રેસ જીતેલી પરંતુ આ વખતે પાટીદારોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને પાટીદારોએ આપને ટેકો આપતાં આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા મળી છે. પાટીદારોના મતોથી મળેથી વિજયથી થયેલા આપની ઉજવણીમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ જોડાયા છે. કેજરીવાલનો વરાછામાં યોજાયેલા રોડ શોમાં જંગી મેદની ઉમટી પડી છે. જેથી વરાછામાં પાટીદાર આંદોલન સમયનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ2015ના 17મી ઓગસ્ટના રોજ હાર્દિક પટેલની આગેવાનીમાં સુરતમાં ભવ્ય રોડ શો નીકળ્યો હતો. ત્યારબાદ આપના વિજય બાદ કેજરીવાલના ભવ્ય રોડ શોએ લોકોને પાટીદાર અનામત આંદોલનની યાદ અપાવી દીધી હતી.

હાર્દિક પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો 17 ઓગસ્ટ 2015માં રેલી નીકળી હતી.

પાટીદારો રોડ શોમાં ઉમટ્યાં
કેજરીવાલનો રોડ શો કિરણ ચોકથી આગળ વધીને યોગી ચોક વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાંપાટીદાર આંદોલન વખતે જે પ્રકારે હાર્દિક પટેલને આ વિસ્તારમાંથી જનસમર્થન મળ્યું હતું. તેવું જ જનસમર્થન અરવિંદ કેજરીવાલને પણ મળી રહ્યું છે. દોઢ બેથી ત્રણ કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો રોડ-શો ની અંદર જોડાયા છે. ચારે તરફથી અરવિંદ કેજરીવાલને જોવા માટે પાટીદારો રસ્તા ઉપર ઉમટી રહ્યા હતાં. યોગી ચોક વિસ્તારમાં સૌથી વધારે અસર પાટીદાર આંદોલનની જોવા મળી હતી. જે પ્રકારે કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલનો રોડ શો નીકળ્યો હતો. એવું જ સમર્થન અરવિંદ કેજરીવાલને પણ મળતું દેખાયું હતું.

પાસની સુરતમાં સૌપ્રથમ 2015માં વિશાળ રેલી અનામતની માંગ સાથે નીકળી હતી.

આંદોલનના નારા રોડ શોમાં લાગ્યા
પાટીદાર અનામત આંદોલન વખતે પાસ સમિતી દ્વારા ખાસ નારા બનાવવામાં આવ્યાં હતાં. જેમાં મુખ્ય નારો હતો ‘સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે’ આવા નારા તે રેલીમાં લાગ્યા હતાં. આ જ નારો આજે કેજરીવાલની રેલીમાં પણ લાગ્યા હતા. પાટીદાર યુવકો અને લોકો જાણે પાસની રેલીમાં હોય તે રીતે નારેબાજી અનેઉત્સાહથી જોડાયા હતાં. સ્વયંભૂ રેલીમાં આપના કાર્યકરોની સાથે પાસના ઘણા કાર્યકરો પણ જોવા મળ્યાં હતાં.

પાસને આમંત્રણ આપવામાં આવ્યું હતું
પાસના કન્વિનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે, આપ દ્વારા અમને રેલીમાં અને સભામાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વ્યક્તિગત મુલાકાત માટે પણ કહેવામાં આવ્યું હતું. જો કે, હાલ અલ્પેશ કથિરીયા પર ચાલતા કેસને લઈને મળવાનું બંધ રાખ્યું છે. સાથે જ રેલીમાં કે સભામાં પણ ગયા નથી. પાસના ઘણા કાર્યકરો તેની વ્યક્તિગત ઈચ્છા પ્રમાણે ગયા હશે.

( Source – Divyabhaskar )