વિરાટ પાસેથી કેપ્ટનશિપ છીનવાઈ શકે છે:કેપ્ટન તરીકે કોહલીના ડબ્બા ડૂલ; IPLની ટીમને પણ ટ્રોફી જીતાડી શક્યો નથી, ટીમ ઈન્ડિયાને ધોનીની કમી વર્તાઈ

વિરાટ પાસેથી કેપ્ટનશિપ છીનવાઈ શકે છે:કેપ્ટન તરીકે કોહલીના ડબ્બા ડૂલ; IPLની ટીમને પણ ટ્રોફી જીતાડી શક્યો નથી, ટીમ ઈન્ડિયાને ધોનીની કમી વર્તાઈ

રોહિત શર્માએ કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાને એશિયા કપ અને નિદાહાસ ટ્રોફી પણ જીતાડી છે

ટેસ્ટ ક્રિકેટની રેડ ચેરી પણ વિરાટ કોહલીને રાસ ન આવી. સતત 2 વર્ષના પરિશ્રમ બાદ પણ કોહલી સેના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતી શકી નહતી. આ હારની સાથે કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજી વાર ICC ટૂર્નામેન્ટની નિર્ણાયક મેચ ગુમાવી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અત્યારે ક્રિકેટ ફેન્સ ઈન્ડિયન ટીમના કેપ્ટન અને કોચને બદલવાની માગ કરી રહ્યા છે. તેવામાં રોહિત શર્માનું નામ પહેલા સામે આવી રહ્યું છે, શર્માએ કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાને એશિયા કપ (2018) અને નિદાહાસ ટ્રોફી પણ જીતાડી છે. જોકે 1 ટૂર્નામેન્ટ હારી જવાથી આપણે કોઈ ખેલાડીની યોગ્યતા પર પ્રશ્ન ના ઉઠાવી શકીએ. તેમ છતાં આપણે વિરાટ કોહલીની કેપ્ટનશિપના કેટલાક એવા સ્ટેટ્સની માહિતી મેળવીએ જેનાથી એવો આભાસ થાય છે કે બેસ્ટ બેટ્સમેન ઘણીવાર બેસ્ટ કેપ્ટન બની શકતો નથી.....

દશેરાના દિવસે જ ઘોડો ના દોડે...આવી સ્થિતિ અત્યારે ટીમ ઈન્ડિયાની છે. મહેનત કરીને ટીમ નૉકઆઉટ સ્ટેજમાં તો આવી જાય છે પરંતુ ત્યાંથી તો પછી સીધી ઘર ભેગી જ થઈ જાય છે. ભારતીય ટીમના કેપ્ટન તરીકે વિરાટે પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં જરૂર લખ્યું હશે, પરંતુ જ્યારે ICC ટૂર્નામેન્ટને જીતવાની વાત આવે ત્યારે કોહલીને નામ એક પણ ટ્રોફી નથી. છેલ્લા 4 વર્ષોમાં ટીમ ઈન્ડિયા 3 મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટના નૉકઆઉટ સ્ટેજમાં હારી ગઈ છે. હવે ટીમને ભવિષ્યમાં જો ટૂર્નામેન્ટ જીતવી હોય તો પોતાના સમીકરણો બદલવાની જરૂર છે. ટીમની હારનું કારણ કેઝ્યુઅલ અપ્રોચ પણ હોઈ શકે છે.

કોહલીના વળતા પાણી!
વિરાટ કોહલીના માથે કેપ્ટનશિપનો ભાર એટલો વધી ગયો છે કે એની બેટિંગમાં પણ પહેલા જેવી ધાર રહી નથી. છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ કોહલીનું પ્રદર્શન પહેલા જેવું જોવા મળ્યું નથી. કોહલીએ દોઢ વર્ષથી એકપણ સદી નોંધાવી નથી. એણે 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધની ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સદી નોંધાવી હતી. ત્યારે એણે કોલકાતામાં શાનદાર 136 રન બનાવ્યા હતા. વનડેમાં વિરાટ કોહલીએ 14 ઓગસ્ટ 2019ના રોજ સદી મારી હતી. આ સદી એણે વેસ્ટઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં નોંધાવી હતી.

કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ
ક્રમ વર્ષ ICC ટૂર્નામેન્ટ વિરૂદ્ધ પરિણામ
1 2017 ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન હાર
2 2019 વનડે વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડ હાર
3 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ન્યૂઝીલેન્ડ હાર

વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાને 180 રનથી હરાવ્યું હતું. ત્યારપછી 2019 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું અને હવે ફરી એકવાર કોહલી સેના ટૂર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની મેચ હાર્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ કેટલાક સમય પહેલા રોહિત શર્માને કેપ્ટન બનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ભારતીય ટીમને હરાવી 2017માં પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફી
આ મેચ 18 જૂન 2017ના રોજ ઈંગ્લેન્ડના ધ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટના નુકસાને 338 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોહલી સેના 30.3 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને આ મેચ 180 રનથી જીતીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી પોતાને નામ કરી હતી.

 

ભારતની 39 વર્ષના ઇતિહાસની સૌથી મોટી હાર
1978થી ભારત-પાકિસ્તાન વનડે રમી રહ્યા છે. વનડેમાં 39 વર્ષમાં આ ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ સૌથી મોટી હાર હતી. આ મેચમાં ભારત-પાકિસ્તાન કોઇપણ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં 10 વર્ષ પછી સામ-સામે હતા. આની પહેલા 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 2019 વનડે વર્લ્ડ કપ
ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર 9 જુલાઈ 2019 વર્લ્ડ કપના સેમી-ફાઇનલમાં થઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નહતી. આ મેચમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 240 રનનો લક્ષ્યાંક હતો. જેના જવાબમાં બીજીવાર બેટિંગ કરતા સમયે ટીમ ઇન્ડિયાએ 24 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેના પરિણામે ટીમ ઇન્ડિયાને 18 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચમાં ભારતીય બેટ્સમેન ઓવર કોન્ફિડન્ટ હતા
આ મેચ પછી લોકી ફર્ગ્યુસને જણાવ્યું હતું કે વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાનું પલડું ભારે હતું. વિરાટ કોહલીની ટીમ ઓવર કોન્ફિડન્સમાં રહી હતી, એમની બોડી લેન્ગ્વેજ પરથી જોવા મળ્યું હતું કે તેઓ 240 રનનો સ્કોર સરળતાથી ચેઝ કરી લેશે. અમે આનો જ ફાયદો ઉઠાવીને ટીમની 4 વિકેટ 24 રનમાં લઈ લીધી હતી અને ટીમ ઈન્ડિયા પર પ્રેશર બનાવી લીધું હતું. આજ કારણોસર ભારતીય ટીમ નિર્ણાયક મેચમાં હારી ગઈ હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ
ન્યૂઝીલેન્ડ વિશ્વનું પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ ઈનિંગના રિઝર્વ ડેમાં કિવી ટીમે શાનદાર દેખાવ કરતાં ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. આ પરિણામ આવ્યા પછી એ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ટીમ ઈન્ડિયાએ ફાઈનલ માટે પ્લેઈંગ-11ના સિલેક્શનમાં ભૂલ કરી હતી? આની સાથે જ ભારતીય ટીમની બેટિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

2 સ્પિનર અને 3 ફાસ્ટ બોલર હોવાથી ભારતીય ટીમના પ્લેઈંગ-11 અને સિલેક્શન પર સવાલો ઊઠી રહ્યા છે. કેટલાક ક્રિકેટ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ભારતીય ટીમે 4 ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઊતરવાની જરૂર હતી. એવામાં જો કોઇ એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હોત તો વધુ સારું રહ્યું હોત.

કોહલીનું IPLની ટીમ RCBમાં કેપ્ટન તરીકે પ્રદર્શન
વિરાટ કોહલી 2013થી રોયલ ચેલેન્જર બેંગ્લોરનો કેપ્ટન છે. એણે એક પ્લેયર તરીકે અત્યારસુધી કુલ 132 IPL મેચ રમી છે, જેમાંથી એની ટીમે 60 મેચ જીતી છે, તો 65 મેચ હારી છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરની વાત કરીએ તો તેમા 2011થી 2021સુધી દિગ્ગજ ખેલાડીઓ સામેલ હતા. ટીમની હિસ્ટ્રી જોઇએ તો કે.એલ. રાહુલ, ક્રિસ ગેઈલ, એબી ડિવિલિયર્સ, એરોન ફિંચ વગેરે ટીમમાં સામેલ હતા. તેમ છતાં કોહલી સેનાએ આજ સુધી IPLની એક પણ ટ્રોફી જીતી નથી. હવે ભલે વિરાટ કોહલી, એક બેટ્સમેન તરીકે પરફેક્ટ હોય, પરંતુ કેપ્ટન તરીકે એના સ્ટેટ્સ ખાસ કરીને ટૂર્નામેન્ટની નિર્ણાયક મેચમાં ભારતને ટ્રોફી જીતાડી શકે તેવા નથી.

મહેન્દ્ર સિંહ ધોનીએ 3 ટ્રોફી ભારતને જીતાડી
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે કુલ 4 ICC ટૂર્નામેન્ટની ટાઇટલ મેચ રમી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી પહેલા 2007માં T20 વર્લ્ડ કપને જીત્યો હતો. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે કુલ 3 ટ્રોફી પોતાના નામે કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 2011 વર્લ્ડ કપને જીત્યા પછી ટીમ ઇન્ડિયાને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતાડી હતી.

ભારતીય ટીમનો કેપ્ટન બદલાઈ શકે છે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો વર્કલોડ ઓછો કરવા માટે અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટન બદલવાની વાત પણ ઘણા દિગ્ગજ નિષ્ણાતો કરી ચૂક્યા છે. ભારતીય ટીમના વ્યસ્ત માળખાને કારણે ટીમ અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટનનો કાર્યભાર પણ એક જ ખેલાડી પર આવે એમ નહીં થવા દે. આ અંગે હજુ વિચારણા આગળ વધી શકે છે- કિરણ મોરે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિરાટ કોહલી એક ચોક્કસ સમયગાળા બાદ સામેથી રોહિત શર્માને કેપ્ટનશિપ આપી શકે છે.

રોહિત શર્મા પણ અનુભવી કેપ્ટન
રોહિત શર્મા પાસે પણ કેપ્ટનશિપનો સારો એવો અનુભવ છે. રોહિત IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન છે અને તે ચેમ્પિયનશિપ ટાઇટલ પણ જીત્યો છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે 10 વનડે અને 10 T-20 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે. રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 8 વનડે અને 14 T-20 મેચ જીતી છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ અને નિદાહાસ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બનાવી છે. ભારતે હવે ઓક્ટોબર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપ રમશે. આવી સ્થિતિમાં ચાહકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ તો જીતે.

( Source - Divyabhaskar )