જમ્મુ-કાશ્મીર:તાલિબાન સાથે વાતચીત થઈ શકે તો પાક. સાથે કેમ નહીં?: મહેબૂબા

જમ્મુ-કાશ્મીર:તાલિબાન સાથે વાતચીત થઈ શકે તો પાક. સાથે કેમ નહીં?: મહેબૂબા

  • કેન્દ્રની સાથે બેઠક પહેલાં મહેબૂબાનો પાકિસ્તાની રાગ
  • ગુપકાર ગઠબંધનના ત્રણ નેતા PM મોદીની બેઠકમાં સામેલ થશે
  • કલમ-370 અને 35-એ ફરી લાગુ કરવાની માગ પર અડગ
  • જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર તરફથી બોલાવાયેલી બેઠકમાં પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિકલેરેશનના ત્રણ નેતા સામેલ થશે. આ બેઠક ગુરુવારે વડાપ્રધાન નિવાસસ્થાને યોજાશે. તેમાં સામેલ થવાનો નિર્ણય શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાને યોજાયેલી પીએજીડીની બેઠકમાં લેવાયો હતો.

    જોકે એ પહેલા પીડીપીના વડાં મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાની રાગ આલાપી દીધો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તાલિબાન સાથે વાત કરી શકતી હોય તો પાકિસ્તાન સાથે કેમ નહીં? પીએજીડીના વડા અબ્દુલ્લાએ કહ્યું કે મહેબૂબા મુફ્તી, મહોમ્મદ યુસુફ અને હું વડાપ્રધાન દ્વારા બોલાવાયેલી બેઠકમાં સામેલ થઈશું. અમને આશા છે કે અમે અમારો એજન્ડા વડાપ્રધાન અને ગૃહમંત્રી સમક્ષ રજૂ કરીશું. પીએજીડીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 અને 35-એ ફરી લાગુ કરવાની માંગ કરી છે.

    અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ 5 ઓગસ્ટ 2019 પહેલાંની રાજ્યની સ્થિતિ બહાલ કરવાની વાત પર જોર આપશે. બીજીબાજુ મહેબૂબાએ કહ્યું કે કેન્દ્ર સરકાર તાલિબાન સાથે દોહા ખાતે વાત કરી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં દરેક સાથે વાત કરે છે એવામાં કાશ્મીર મુદ્દે સમાધાન માટે પાકિસ્તાન સાથે વાતચીત કેમ થઈ શકે નહીં? ગુપકારના સભ્ય મુઝ્ઝફર શાહે પણ કહ્યું કે કલમ-370 અને 35-એ અંગે કોઈ સમજૂતી થશે નહીં. જમ્મુ-કાશ્મીર ભાજપ પ્રમુખ રવીન્દર રૈનાએ બેઠકમાં સામેલ થવાના પીએજીડીના નેતાઓના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

    પીએજીડીમાં હાલમાં 6 પક્ષ, પણ 3ને p આમંત્રણ
    પેએજીડીમાં હાલમાં 6 પક્ષ છે. તેમાંથી ત્રણ-નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને સીપીઆઈએમના નેતાઓને કેન્દ્રએ બેઠક માટે બોલાવ્યા છે. પીએજીડીના ભૂતપૂર્વ સભ્ય પીપલ્સ કોન્ફરન્સને પણ આમંત્રણ અપાયું છે. આ પક્ષના સજ્જાદ લોન પણ બેઠકમાં ભાગ લેવા તૈયાર છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલતાફ બુખારી અને પેન્થર્સ પાર્ટીના પ્રો. ભીમસિંહ પણ બેઠકમાં હાજર રહેશે. કોંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.

    સર્વપક્ષીય બેઠકનો એજન્ડા
    ​​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી સર્વપક્ષીય એજન્ડા અંગે અનિશ્ચિતતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકીય ગતિરોધ ખતમ કરવા અને પછી રાજકીયનો દરજ્જો બહાલ કરી વિધાનસભા ચૂંટણી યોજવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ઢીલો પડી ગયો છે અને રાજકીય ગતિવિધિ અંગે તમામ પક્ષો ભેગા થઈ રહ્યા છે. કોંગ્રેસ કાશ્મીરને સંપૂર્ણ દરજ્જો અપાવવા માંગે છે. ડૉ. અબ્દુલ્લા અને મહેબૂબા 370મી અને 35(A) કલમ અંગે અડગ છે.

  • ( Source - Divyabhaskar )