ઉત્તરપ્રદેશ છે કેન્દ્રમાં જવાનો માર્ગ, શું યોગી આદિત્યનાથ મોદી-શાહને પડકારીને આ માર્ગે આગળ વધી રહ્યા છે?

ઉત્તરપ્રદેશ છે કેન્દ્રમાં જવાનો માર્ગ, શું યોગી આદિત્યનાથ મોદી-શાહને પડકારીને આ માર્ગે આગળ વધી રહ્યા છે?

ઉત્તરપ્રદેશમાં છેલ્લા બે સપ્તાહથી જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપાના કેન્દ્રીય નેતાઓની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ તેનાથી રાજ્યની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. સરકાર અને સંગઠનમાં ફેરફારની સંભાવના વચ્ચે બંને સ્તરે નેતૃત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે જાણકારો આ મામલે જુદું કહે છે અને આવા કોઈ ફેરફારનો ઈનકાર કરે છે.

વર્ષ 2022માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. અહીં ભાજપા માટે મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવવાની શક્યતા છે. કહેવાય છે કે કેન્દ્ર સુધી જવા માટે ખાસ તો યુપી સર કરવું જરૂરી છે. એવામાં આ ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ યુપીથી કેન્દ્ર સુધીની સફર કરવા માગતા હોય એવા સંકેતો જોવા મળી રહ્યા છે. દરમિયાન યુપીની રાજનીતિમાં એક મહત્વનું નામ ફરી ચર્ચામાં આવતા રાજનીતિમાં હલચલ જોવા મળી રહી છે. એ વ્યક્તિ છે અરવિંદ કુમાર શર્મા.

કોણ છે અરવિંદ કુમાર શર્મા?

અરવિંદ શર્માને મંત્રી પરિષદમાં સ્થાન નથી અપાયું કે ન તો કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ.
અરવિંદ શર્માને મંત્રી પરિષદમાં સ્થાન નથી અપાયું કે ન તો કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ.

અરવિંદ કુમાર શર્મા પૂર્વ અમલદાર છે અને આ જ વર્ષે જાન્યુઆરીમાં પોતાના રિટાયરમેન્ટના થોડા જ દિવસો અગાઉ તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપામાં જોડાઈ ગયા. ત્યારબાદ જોતજોતામાં તેમને ભાજપાએ વિધાન પરિષદ દ્વારા ગૃહમાં પણ મોકલી આપ્યા છે. આ જ કારણથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ કે રાજ્ય સરકારમાં કોઈ મોટું ‘પરિવર્તન’ થવા જઈ રહ્યું છે. રાજકીય નિષ્ણાતો ત્યાં સુધી પણ કહેવા લાગ્યા કે અરવિંદ કુમાર શર્માને મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે.

જો કે તેઓ નાયબ મુખ્યમંત્રી કે પછી ગૃહ જેવા મહત્વપૂર્ણ વિભાગોની સાથે કેબિનેટ મંત્રી બને એવી ચર્ચાઓ વધુ આત્મવિશ્વાસ સાથે કરવામાં આવી હતી. અને આ હાલ કાલ્પનિક એવા પરિવર્તનનું કારણ સીધેસીધું એવું દર્શાવાયું કે આમ કરવાનો મકસદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રભાવને ઘટાડવાનો કે પછી તેમની કથિત મનમાનીપૂર્ણ કાર્યપદ્ધતિને અટકાવવાનો છે. પરંતુ હકીકત એ છે કે ચાર મહિના વીત્યા પછી પણ અરવિંદ શર્માને મંત્રી પરિષદમાં સ્થાન નથી અપાયું કે ન તો કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ.

યોગી શું સીધો જ પીએમ મોદી-શાહને પડકાર ફેંકી રહ્યા છે?
યુપીમાં ભાજપાના જ એક વરિષ્ઠ નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યું, ‘મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું છે કે અરવિંદ શર્માને કોઈ મહત્વનો વિભાગ તો છોડો, કેબિનેટ મંત્રી બનાવવા પણ મુશ્કેલ છે. રાજ્યમંત્રીથી વધુ તેમને કંઈપણ આપવા તૈયાર નથી.’

યોગી આદિત્યનાથની સાથે સંઘ છે. તમામ વિરોધો પછી સંઘના કારણે જ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને અત્યારે પણ તેઓ આરએસએસની પસંદ છે.
યોગી આદિત્યનાથની સાથે સંઘ છે. તમામ વિરોધો પછી સંઘના કારણે જ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને અત્યારે પણ તેઓ આરએસએસની પસંદ છે.

સીએમ યોગી આદિત્યનાથના આ કદમને સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની અવગણના અને તેમને પડકાર આપવા તરીકે જોવામાં આવે છે. દિલ્હીમાં ભાજપાના એક વરિષ્ઠ નેતા કહે છે, “પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ યોગી આદિત્યનાથને અવારનવાર યાદ અપાવે છે કે તેઓ મુખ્યમંત્રી કોના કારણે બન્યા છે અને મોકો મળે ત્યારે યોગી આદિત્યનાથ પણ એ દર્શાવવામાં કસર છોડતા નથી કે નરેન્દ્ર મોદી પછી ભાજપામાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેનો વિકલ્પ તેઓ જ છે.”

ખુદ ભાજપાના નેતાઓ એ સ્વીકારે છે કે અવારનવાર કેટલાક લોકો દ્વારા યોગી આદિત્યનાથને મોદીના વિકલ્પ તરીકે રજૂ કરવા કે પછી કોઈ સંગઠન અને લોકોની તરફથી સોશિયલ મીડિયા કે અન્ય સ્થળોએ ‘પીએમ કૈસા હો, યોગીજી જૈસા હો’ જેવા અભિયાન ચલાવવા પાછળ યોગી આદિત્યનાથના નજીકના લોકોનો પણ હાથ રહે છે.

યોગીની તાકાતમાં આરએસએસ વધારો કરે છે?
કેટલાક વરિષ્ઠ પત્રકારો યોગીની તાકાત પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું સમર્થન હોવાનું જણાવે છે. તેઓ કહે છે, ‘યુપી વિશાળ રાજ્ય છે. અહીંના મુખ્યમંત્રી ખુદને આગામી વડાપ્રધાન તરીકે જોવા જ લાગે છે. પછી ભલે તે પ્રાદેશિક દળોનાં નેતા હોય કે પછી ભાજપાના. યોગી આદિત્યનાથની સાથે સંઘ છે. તમામ વિરોધો પછી સંઘના કારણે જ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને અત્યારે પણ તેઓ આરએસએસની પસંદ છે. અરવિંદ શર્માને જે રીતે પેરેશૂટની જેમ અહીં મોકલવામાં આવ્યા તેને આરએસએસ યોગ્ય માનતો નથી.

જ્યારે હકીકત એ પણ છે કે ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપા સરકાર પોતાનો કાર્યકાળ લગભગ પૂરો કરવામાં છે ત્યારે રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની બળવત્તર આશંકાઓ અગાઉ ક્યારેય જોવા મળી નથી એટલી હાલ જોવા મળે છે. આરએસએસ અને ભાજપા સંગઠનની બેઠકોમાં છેલ્લા ચાર વર્ષમાં એવું પ્રથમવાર બની રહ્યું છે કે જેમાં કેટલાક મંત્રીઓને એકલા-એકલા બોલાવીને ફીડબેક લેવામાં આવતો હોય.

ભાજપા માટે 2024ની લોકસભા ચૂંટણી માટે 2022ની યુપીની ચૂંટણી લિટમસ ટેસ્ટ સાબિત થશે
યોગી મુખ્યમંત્રી બન્યા એ અગાઉ એક રીતે કોઈ ઉપલબ્ધિ મેળવી ચૂકેલા રાજનેતા નહોતા. તેઓ પાર્ટીના કોઈ પદાધિકારી પણ નહોતા. તેથી કહેવાય છે કે તેઓ કેન્દ્રીય નેતૃત્વને સીધો પડકાર ન ફેંકી શકે પરંતુ કેન્દ્રીય નેતૃત્વ સામે સંકટ એ છે કે જો 2022માં યુપીની વિધાન પરિષદ ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડે તો તેની સીધી અસર વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર પણ પડશે અને એ રીતે યુપીની વિધાનસભા ચૂંટણી ભાજપા માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. એવામાં હાલમાં જ પશ્ચિમ બંગાળમાં હાર મેળવ્યા પછી આ ડર વધી ગયો છે. આથી, કેન્દ્રીય નેતૃત્વ યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોઈ જોખમ લઈ શકે તેમ નથી.