જાણો ડોમિનિકા વિશે : મેહુલ ચોકસી હાલ જે દેશની જેલમાં બંધ છે તે કેરેબિયન દ્વીપ શા માટે છે ટૂરીસ્ટોની પહેલી પસંદ

જાણો ડોમિનિકા વિશે : મેહુલ ચોકસી હાલ જે દેશની જેલમાં બંધ છે તે કેરેબિયન દ્વીપ શા માટે છે ટૂરીસ્ટોની પહેલી પસંદ

કેરેબિયન સાગરના પૂર્વ કિનારે વસેલો દેશ ડોમિનિકા… આજકાલ ભારતીય મીડિયામાં છવાય ગયો છે. હકિકતમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર ભારતીય ભાગેડુ વેપારી મેહુલ ચોકસી હાલ ડોમિનિકાની જેલમાં બંધ છે. ત્યારે આવો જાણીએ ડોમિનિકા અંગે કેટલીક રસપ્રદ વાતો…

કેરેબિયન સમુદ્રમાં લેઝર એન્ટિલેસનો એક દ્વીપ દેશ ડોમિનિક કે જે ફ્રેંચ દ્વીપ ગ્વાડેલૂપ અને મેરી ગલાંતેની વચ્ચે આવેલો છે. આ ટાપુ લગભગ 47 કિલોમીટર લાંબો અને 26 કિલોમીટર પહોળો છે. ડોમિનિકાની રાજધાની રોઝ્યું છે, જ્યાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. આ ટાપુ ન તો ફક્ત રમણીય દરિયાઈ કાંઠો ધરાવે છે પરંતુ તે પહાડોથી પણ ઘેરાયેલો પ્રદેશ છે. વર્ષ 1978માં આઝાદી બાદથી આ દેશ કોમનવેલ્થનું સભ્ય છે. વર્લ્ડબેંકના ડેટા મુજબ 2019માં ડોમિનિકાની વસ્તી 71 હજાર 808 હતી. અહીં જનસંખ્યા વધવાનો દર 0.07 ટકા છે. ડોમિનિકાને સક્રિય જવાળામુખી માટે પણ ઓળખવામાં આવે છે. જો કે સારી વાત છે કે સદીઓથી આ જવાળામુખી ફાટ્યા નથી.

ડોમિનિકા ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે અહીં પર્યટન પર વધુ જોર આપવામાં આવે છે.

અર્થવ્યવસ્થાને ટકાવવા ટૂરીસ્ટ પર વધુ જોર
ડોમિનિકા ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે અહીં પર્યટન પર વધુ જોર આપવામાં આવે છે. 20મી સદીના અંત ભાગ સુધીમાં આ ટાપુ ઘણો જ લોકપ્રિય થઈ ગયો હતો. ડોમિનિકા પર તે ટૂરીસ્ટ વધુ સંખ્યામાં આવે છે જેમને નેચરના તમામ રંગ જેમકે સમુદ્ર, પહાડ જોવાનું અને એડવેન્ચર માણવાનું પસંદ છે. બ્રિટાનિકાની વેબસાઈટ મુજબ ઓછી સુવિધાઓ હોવા છતાં અહીં દર વર્ષે 80 હજાર જેટલાં ટૂરીસ્ટ આવે છે જેઓ દિવસોને દિવસો સુધી પડ્યા રહે છે. આ ઉપરાંત 3 લાખથી વધુ એવા લોકો પણ આવે છે જેઓ એક દિવસ વિતાવીને ચાલ્યા જાય છે. આ ટૂરીસ્ટ મોટા ભાગે આજુબાજુના દ્વીપમાંથી આવતા હોય છે.

સક્રિય જવાળામુખીવાળા ડોમિનિકામાં ગરમ પાણીના અનેક કુંડ પણ આવેલા છે.

ડોમિનિકામાં વસે છે મોટી સંખ્યામાં ભારતીયો
પ્રાકૃતિક સોંદર્યથી ભરેલા આ દ્વીપની મોટા ભાગની વસ્તી આફ્રિકિ મૂળના લોકોની છે, પરંતુ અહીં યુરોપિયન, ભારતીયો અને કેરિબ લોકો પણ મોટી સંખ્યામાં વસે છે. ખાસ વાત એ છે કે આ એક માત્ર એવો દ્વીપ છે જ્યાં કેરિબ ભારતીયોની સંખ્યા મોટી સંખ્યામાં છે. અહીં વસતા ભારતીય તે છે જેઓ કેરેબિયન ટાપુમાં દશકાઓ પહેલાં વસી ગયા હતા. ડોમિનિકાની સત્તાવાર ભાષા તો અંગ્રેજી છે પરંતુ ફ્રેંચ દ્વીપથી ઘેરાયેલો હોવાને કારણે આ દેશમાં ફ્રેન્ચ ભાષા પણ બોલવામાં આવે છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં ટૂરીસ્ટ આવતા હોવાથી અન્ય બોલીઓ પણ સાંભળવા મળે છે. અહીની આબાદીમાં સૌથી વધુ લોકો રોમન કેથેલિક છે.

જવાળામુખીઓનું ઘર છે ડોમિનિકા
બ્રિટાનિકા મુજબ ડોમિનિકામાં અનેક સક્રિય જવાળામુખી છે પરંતુ આ જવાળામુખી ફાટ્યા હોય તે ઘણું જ દુલર્ભ છે. ડોમિનિકાનું હવામાન ઘણું જ અનુુકુળ રહે છે. ડિસેમ્બરથી માર્ચ વચ્ચે અહીં ઠંડી જોવા મળે છે. જ્યારે ગરમીમાં સરેરાશ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તો જૂનથી ઓક્ટબર વચ્ચે વરસાદી વાતાવરણ જોવા મળે છે. આ દરમિયાન અનેક વાવાઝોડાં આવવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

ડોમિનિકાનું સોદર્ય અહીં આવતા લોકોને આકર્ષે છે. રમણિય દરિયો તેમજ ચારેબાજુથી પહાડોથી ઘેરાયેલું છે ડોમિનિકા.

ગરીબ દેશોમાંથી એક
બ્રિટાનિકાના રિપોર્ટ મુજબ ડોમિનિકા કેરેબિયન દેશના સૌથી ગરીબ દેશમાંથી એક છે. અહીંની અર્થવ્યવસ્થા ખેતી પર નિર્ભર છે, જે અનેક વખતે વાવાઝોડાના ભોગથી ધોવાય જાય છે. જો કે વધતા પર્યટનને કારણે ડોમિનિકાની ઈકોનોમીમાં થોડો સુધારો થયો છે. ડોમિનિકાની મુદ્રા કેરેબિયન ડોલર છે.

કુદરતી સોંદર્યથી ભરપુર ડોમિનિકા
ડોમિનિકાનું સોંદર્ય અહીં આવતા લોકોને આકર્ષે છે. ડોમિનિકાને નેચર આઈલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં આવેલું વોટેવ વેવન નામનું એક નાનકડું ગામ છે, જ્યાં અનેક જગ્યાએ ગરમ પાણીના કુંડ છે, જે રાત્રે પણ ખુલ્લા રહે છે કે જેથી ટૂરીસ્ટ ગમે ત્યારે તેનો આનંદ માણી શકે. ડોમિનિકા ગાઢ જંગલો માટે પણ જાણીતું છે. દ્વીપનો એક તૃતિયાંશ ભાગ જંગલોથી ઘેરાયેલો છે. અહીં ઝાડ-પાન તેમજ જીવ જંતુઓ અને ખાસ કરીને પક્ષીઓની અનેક જાત જોવા મળે છે. અહીં ઘણાં પક્ષીઓ એવા છે જે દુનિયામાં ક્યાંય જોવા નથી મળતા.

2018થી એન્ટીગુઆ-બારબુડામાં રહેતો હતો ચોકસી
પંજાબ નેશનલ બેંકમાંથી ફુલેકુ ફેરવ્યા બાદ મેહુલ ચોકસી દેશ છોડીને કેરેબિયન દ્વીપ એન્ટીગુઆ પહોંચ્યો હતો. વર્ષ 2017માં નાગરિકતા લીધા બાદથી તે 2018થી એન્ટીગુઆ અને બારબુડામાં રહેતો હતો. જો કે કથિત ગર્લફ્રેન્ડની સાથે મોજ મસ્તી કરવા એન્ટીગુઆ-બારબુડાથી 188 કિલોમીટર દૂર ડોમિનિકા પહોંચ્યો હતો, જ્યાં ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી યલો નોટિસને કારણે તે પકડાય ગયો હતો.

એન્ટીગુઆના PMએ કહ્યું ચોકસીને સીધો ભારત મોકલવામાં આવે
એન્ટીગુઆના PM ગેસ્ટન બ્રાઉનીએ ડોમિનિકન સરકારને કહ્યું છે કે ચોક્સીને એન્ટીગુઆના બદલે ભારત મોકલવો જોઈએ. ગેસ્ટનનું કહેવું છે કે ચોક્સીને એન્ટિગા મોકલવામાં આવશે તો તેને દેશના નાગરિક તરીકે કાયદાકીય સંરક્ષણનો લાભ મેળશે. એન્ટીગુઆના વડાપ્રધાન બ્રાઉનીએ સંકેત આપ્યા હતા કે મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડામાં જે કાયદાકીય સંરક્ષણ ધરાવતો હતો તેવું સરક્ષણ તેને ડોમિનિકામાં નહીં મળે. આથી ડોમિનિકાની સરકારે ચોક્સીને ત્યાંથી સીધા જ ભારત પ્રત્યાર્પણ કરવા પર વિચાર કરવો જોઈએ.

ડોમિનિકામાં પકડાયા બાદ ભાગેડુ મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર

ખોટા એલઓયુ મારફત PNB સાથે કૌભાંડ
હીરા વેપારી મેહુલ ચોક્સી અને તેના ભાણેજ નીરવ મોદીએ PNB બેંક સાથે 13,000 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. નીરવ મોદી અને મેહુલ ચોક્સીની ત્રણ કંપનીઓ ડાયમંડ્સ આર એસ, સોલાર એક્સોપર્ટ્સ અને સ્ટેલર ડાયમંડ્સે PNB બેંકની મુંબઈ ખાતેની ફોર્ટમાં આવેલી બ્રાડી હાઉસ બ્રાન્ચના બે કર્મચારીઓ સાથે મળીને ખોટા એલઓયુ મારફત ભારતીય બેન્કોની વિદેશી બ્રાન્ચમાંથી નાણાં ઉપાડયા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવતાં PNBએ ૨૯મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે CBIમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ પહેલાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડી ભાગી છૂટયા હતા. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે જ્યારે મેહુલ ચોક્સી ૨૦૧૮થી એન્ટીગામાં રહેતો હતો.

( Source – Divyabhaskar )