અમેરિકાએ મે-2019માં મેક્સિકો સરહદેથી 1,44,000 ઘૂસણખોરોની અટકાયત કરી

અમેરિકાએ મે-2019માં મેક્સિકો સરહદેથી 1,44,000 ઘૂસણખોરોની અટકાયત કરી

– એક માસમાં ઘૂસણખોરોની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો

– ઘૂસણખોરી કરતા પકડાયેલા વિદેશી નાગરિકોમાં 57,718 બાળકોનો પણ સમાવેશ

2019માં 6.77 લાખ ઘૂસણખોરો ઝડપાયા

વૉશિંગ્ટન, તા. 6 જૂન, 2019, ગુરૂવાર

અમેરિકામાં મે-૨૦૧૯ દરમિયાન મેક્સિકોની સરહદેથી ઘૂસણખોરી કરતા ૧,૪૪,૦૦૦ વિદેશી નાગરિકો ઝડપાયા હતા. સરકારી અહેવાલમાં કહેવાયું હતું કે એક જ માસમાં ઘૂસણખોરોની સંખ્યામાં ૩૨ ટકાનો ચિંતાજનક વધારો થયો હતો.

અમેરિકાના કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ફોર્સના અહેવાલમાં દાવો કરાયો હતો કે મેક્સિકોની સરહદેથી મે-૨૦૧૯માં ૧.૪૪ લાખ વિદેશી નાગરિકો ઘૂસણખોરી કરતા ઝડપાયા હતા. બોર્ડર પ્રોટેક્શન ફોર્સે તેની અટકાયત કરી હતી. ઘૂસણખોરી કરતા ઝડપાયેલા વિદેશી નાગરિકોમાં ૫૭,૭૧૮ બાળકોનો પણ સમાવેશ થતો હતો.

એપ્રિલ-૨૦૧૯ની તુલનાએ ઘૂસણખોરોની સંખ્યામાં ચિંતાજનક ૩૨ ટકાનો વધારો થયો હતો. આ વિદેશી નાગરિકોમાં ગુઆટેમાલા, હોન્ડુરાશ અને અલ-સાલ્વાડોરના પરિવારો મોટી સંખ્યામાં હતા. છેલ્લાં મહિનાઓમાં જેટલા ગેરકાયદે ઘૂસણખોરી કરતા વિદેશી નાગરિકો ઝડપાયા હતા એટલા તો છેલ્લાં એક વર્ષમાં પણ નોંધાયા ન હતા.

અમેરિકન સરકારના અધિકારીઓના કહેવા પ્રમાણે ૨૦૧૯ના પાંચ વર્ષમાં ૬.૭૭ લાખ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી હતી. ૨૦૦૬ પછી પહેલી વખત આ વર્ષે ઘૂસણખોરોની આટલી માતબર સંખ્યા સરહદે જોવા મળી હોવાનું અધિકારીએ અહેવાલમાં કહ્યું હતું.

મેક્સિકોની સરહદેથી ઘૂસણખોરી થતી હોવાથી અમેરિકા અને મેક્સિકોના સંબંધોમાં પણ ઉતારચઢાવ આવી રહ્યા છે. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ સાથે મેક્સિકોના ઉચ્ચ અધિકારીઓ બેઠક કરવાના હતા એ પહેલાં જ અમેરિકાની સરકારે આ આંકડા જાહેર કર્યા હતા.

માઈક પેન્સ અને મેક્સિકન અધિકારી વચ્ચે ગેરકાયદે મેક્સિકોની સરહદેથી ઘૂસતા વિદેશી નાગરિકોનો મુખ્ય મુદ્દો હતો. અમેરિકાએ અગાઉ પણ મેક્સિકોને ટેરિફમાં છૂટછાટ આપવાના બદલામાં સરહદેથી થતી ઘૂસણખોરી અટકાવવામાં અમેરિકાને મદદરૂપ થવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.