PM મોદી અને ભારતનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પનું મોટું નિવેદન, ‘અમે બેવકૂફ નથી’

PM મોદી અને ભારતનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પનું મોટું નિવેદન, ‘અમે બેવકૂફ નથી’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારતે ભલે અમેરિકન બાઇક પર આયાત ટેરિફ 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દીધી, પરંતુ હજુ વધારે જ છે અને તે અસ્વીકાર્ય છે. ટ્રમ્પે કહ્યું કે તેમના નેતૃત્વમાં અમેરિકાને હવે વધુ ‘બેવકૂફ’ બનાવી શકશે નહીં. ટ્રમ્પે કહ્યું કે અમે બેવકૂફ દેશ નથી કે અમને બનાવી દેવામાં આવે. તમે ભારતને જુઓ જે અમારો સારો મિત્ર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શું કર્યું, બાઇક પર 100 ટકા ટેક્સ, અમે તેમની પાસેથી કોઇ ચાર્જ લીધો નથી આ વાત ટ્રમ્પે સીબીએસ ન્યૂઝના ઇન્ટરવ્યુમાં કરી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારતમાં અમેરિકન બાઇક હાર્લે ડેવિડસન પર લગાવમાં આવતા આયાત ટેક્સની તરફ ઇશારો કર્યો હતો. ટ્રમ્પ માટે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે અને તેઓ ઇચ્છે છે કે ભારત તેના પર લગાવામાં આવેલા તમામ ટેરિફને ખત્મ કરી દે.

ટ્રમ્પે કહ્યું કે જ્યારે અમે અહીંથી બાઇક મોકલીએ છીએ તો 100 ટકા ટેક્સ લાગે છે પંરતુ જ્યારે તેઓ પોતાના દેશમાંથી અહીં બાઇક મોકલે છે તો કોઇ પણ ટેક્સ લાગતો નથી. તેમણે કહ્યું કે આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને કહ્યું કે આ એકદમ અસ્વીકાર્ય છે. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીએ એક ફોન કોલ પર ટેક્સ 50 ટકા કરી દીધો છે. પરંતુ હજુ પણ વધુ છે અને તે સ્વીકાર્ય નથી.

ટ્રમ્પે કહ્યું કે બંને દેશ આ મુદ્દાને ઉકેલવા પર કામ કરી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં અમેરિકન રાષ્ટ્રપતિ એ કહ્યું કે અમે એવી બેન્ક બની ગયા છીએ જેને દરેક લોકો લૂંટે છે અને તે ઘણા સમયથી કરી રહ્યા છે. અમારી વેપાર ખાધ 800 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઇ છે. તમે જ જણાવો આવા કરારો કોણે કર્યા.