રાજ્ય સરકારની ‘વ્હાલી દિકરી યોજના’ થકી દિકરીઓને મળશે 1 લાખ રૂપિયા!

રાજ્ય સરકારની ‘વ્હાલી દિકરી યોજના’ થકી દિકરીઓને મળશે 1 લાખ રૂપિયા!

દિકરીઓના જન્મદરમાં વધારો કરવા અને સ્ત્રી ભ્રુણ હત્યાને નાથવાના પ્રયાસમાં ગુજરાત સરકારે બજેટમાં ‘વ્હાલી દિકરી યોજના’ લોન્ચ કરી છે. નાણામંત્રી નીતિન પટેલે આ યોજના હેઠળ દિકરી 18 વર્ષની વય વટાવે ત્યારે સરકાર તેને રૂપિયા એક લાખ આપશે એમ વિધાનસભામાં જાહેર કર્યુ હતુ.

રાજ્યમાં પહેલાથી જ કન્યા કેળવણી મફત છે. દિકરીઓની આર્થિક, સમાજિક સ્થિતિ મજબૂત કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના હેતુથી વ્હાલી દિકરી યોજના અમલમાં મુકવાની જાહેરાત કરી રહ્યો છું. એમ કહેતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, આ યોજનામાં કુટુંબના પહેલા બે બાળકો પૈકીની દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. દિકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4000, નવમાં ધોરણમાં આવે ત્યારે બીજા રૂ.6000 તેમજ તે દિકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂપિયા એક લાખ આપવામાં આવશે. દિકરી પુખ્તવયની થતા ઉચ્ચ શિક્ષણ અને લગ્ન પ્રસંગ માટે મોટી રકમ મળશે. આ યોજનાનો લાભ વાર્ષિક રૂપિયા બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારને મળશે. તેના માટે રૂ .133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ઉપરોક્ત યોજના સંદર્ભે પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, આ યોજના અંગે સરકાર બેંકો અને એલઆઈસી જેવા નાણાકિય સંસ્થાનો સાથે પરામર્શ કરી રહી છે. જે ઊંચુ વ્યાજ આપશે તેમાં સરકાર મુડીરોકાણ કરશે. જેના વ્યાજમાંથી આ યોજના ચાલશે.

25 લાખ મહિલાઓને રૂ.700 કરોડ મળશે!

ગુજરાતમાં હાલમાં દોઢ લાખ સખી મંડળો સક્રિય છે. જેમાં ૨૦ લાખ બહેનો જોડાયેલા છે. આ સખી મંડળોને અત્યાર સુધીમાં રૂ.1,900 કરોડનું બેંક ધિરાણ મળ્યુ છે. જેમાં પાંચથી આઠ ટકા વ્યાજ સહાય અને અન્ય નાણાકિય સહાય સરકાર આપી રહી છે. બજેટમાં ત્રણ વર્ષમાં નવા 70 હજાર સખીમંડળો રચવામાં આવશે. જેમા ૨૫ લાખ બહેનોને રૂ .700 કરોડનું ધિરાણ ઉપલબ્ધ કરાવી સ્વરોજગારની તકો ઉભી કરવાનુ બજેટમાં જણાવાયુ છે.