સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જીવતા દર્દીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર ફેંકી દેવાયો

સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જીવતા દર્દીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર ફેંકી દેવાયો

નવી સિવિલ હોસ્પિટલના ખાડે ગયેલા વહીવટનો વધુ એક બોલતો પુરાવો મંગળવારે સામે આવ્યો હતો. તત્કાલ વિભાગમાંથી સીએમઓએ દર્દીને વોર્ડમાં રિફર કરાયા બાદ સર્વન્ટ તે દર્દીને પોસ્ટમોર્ટમ રૂમની બહાર છોડી આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ અજાણ્યો દર્દી કાપડિયા હેલ્થ ક્લબ પાસેથી મળી આવતા 108ની ટીમે તેને સારવારાર્થે સિવિલમાં ખસેડયો હતો. સમગ્ર મામલો તબીબી અધિક્ષકના ધ્યાને આવતા તેમણે તપાસ કરવાની હૈયાધરપત આપી હતી.

નવી સિવિલ હોસ્પિટલના એક પછી એક બહાર આવતા વિવાદોએ હોસ્પિટલની આબરૂના લીરેલીરે ઉડાડી દીધા છે. એક તો પહેલાથી હોસ્પિટલના વોર્ડ એટલે ભૂલભૂલૈયાની રમત, ઉપરથી હોસ્પિટલના ડોક્ટર્સ અને કર્મચારીઓનું સરકારી વર્તન દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છે. ત્યારે નવી સિવિલના સર્વન્ટ તો બધાંથી સવાયા હોવાનું મંગળવારની ઘટના બાદ જણાય રહ્યું છે. મંગળવારે સિવિલનો સર્વન્ટ કાપડિયા હેલ્થ ક્લબ પાસેથી મળેલા અજાણ્યા દર્દીને વોર્ડમાં મૂકવા જવાને બદલે પોસ્ટમોર્ટમ રૂમ પાસે છોડીને ચાલ્યો હતો.

બન્યું એવું કે, 108મી ટીમે કાપડિયા હેલ્થ ક્લબ પાસેથી અજાણ્યા દર્દીને સારવારાર્થે સિવિલમાં ખસેડયો હતો. જેને તાત્કાલિક સારવાર વિભાગમાં હાજર તબીબે મેડિસિન વોર્ડમાં ખસેડયો હતો. પરંતુ થોડા સમય બાદ આ દર્દી પોસ્ટમોર્ટમ રૂમની બહારથી મળી આવ્યો હતો. જેને ફરીથી તાત્કાલિક વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના બાબતે તબીબી અધિક્ષક ગણેશ ગોવેકરને જાણ થતાં તેમણે વાસ્તવિકતા જાણવા માટે તપાસ કરાવી હતી. પરંતુ દર્દી પોસ્ટમોર્ટમ રૂમ પાસે પહોંચી જતાં સિવિલમાં ચર્ચાનો વિષય બન્યો હતો.