આને કહેવાય શોખ! ફાઇનલ મેચ જોવા ભારતીય પરિવારે કર્યું એવું પરાક્રમ કે દુનિયા જોતી રહી ગઇ

આને કહેવાય શોખ! ફાઇનલ મેચ જોવા ભારતીય પરિવારે કર્યું એવું પરાક્રમ કે દુનિયા જોતી રહી ગઇ

ક્રિકેટ વિશ્વનો રોમાંચ હાલમાં તેની ચરમસીમાએ છે. સમગ્ર વિશ્વ હાલમાં ક્રિકેટની દીવાનગીમાં ઝૂમી રહ્યું છે. સિંગાપુરમાં રહેતો એક ભારતીય પરિવાર ક્રિકેટની વર્લ્ડ કપ ફાઇનલ મેચ નિહાળવા કારમાં ૨૫ હજાર કિ.મી.નું અંતર કાપીને લંડન પહોંચ્યો હતો.

૫૦ દિવસની કાર સફર, ૧૭ દેશોની સીમા પાર કરીને પરિવાર પાંચ જુલાઈના રોજ લંડન પહોંચ્યો છે. છ જુલાઈના રોજ લીડ્સ ખાતે આ પરિવારે ભારત-શ્રીલંકા મેચ નિહાળી હતી. ક્રિકેટ અને ડ્રાઇવિંગ સાથે આ પરિવાર ત્રણ પેઢીથી સંબંધ ધરાવે છે. સિગાપુરનો માથુર પરિવાર હાલમાં લંડનમાં છે.

પરિવારના છ સભ્યો માત્ર ઇન્ડિયા ટીમને ચીયર કરવા માટે ૧૭ દેશોની સરહદો પાર કરતાં સાત સીટર કારમાં ૨૨,૬૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડયો છે.

સિંગાપુરથી લંડન સુધીની આ રોડ ટ્રીપમાં પરિવારના ત્રણ વર્ષથી ૬૭ વર્ષના સભ્યો એમ ત્રણ પેઢી સામેલ છે. વિષવવૃત્ત રેખા પસાર કરીને આર્કટિક થઈને પરિવાર લંડન પહોંચ્યો છે. પરિવાર હવે ભારતની સેમિફાઇનલ મેચનો આનંદ ઉઠાવવા તૈયાર છે.

માન્ચેસ્ટરમાં ૯ જુલાઈના રોજ ન્યૂઝીલેન્ડ સામે આ સેમિફાઇનલ મેચ રમાવાની છે.  અનપમ માથુરને ડ્રાઇવિંગનો શોખ છે. ૧૦ વર્ષના હતા ત્યારે તેમણે વાંચ્યું હતું કે એક દંપતીએ કારમાં વિશ્વસફર કરી હતી. બસ ત્યારથી તેમને ડ્રાઇવિંગ સારું લાગે છે. ખાવાની વ્યવસ્થા પડકારરૂપ હોવાથી નવ બેગમાં રેડી ટુ ઇટ ફૂડ સહિતની ખાદ્યસામગ્રી ઇલેક્ટ્રિક સ્ટવ સાથે રાખ્યા હતા.

સિંગાપુર ખાતેના ભારતીય રાજદૂતે આપી હતી લીલી ઝંડી

આ અનોખી યાત્રાને ૧૭ મેના રોજ સિંગાપુર ખાતેના ભારતીય રાજદૂત જાવેદ અશરફે લીલી ઝંડી આપીને રવાના કરી હતી. પાંચ જુલાઈના રોજ આ પરિવાર બ્રિટનના લીડ્સ શહેર પહોંચ્યો હતો. હવે આ પરિવારને સેમિફાઇનલ અને ૧૪ જુલાઈના રોજ રમાનારી ફાઇનલ મેચની પ્રતીક્ષા છે.

આ છે યાત્રાપથ

અનુપમ માથુર અને તેમનો પરિવારે સિંગાપુરથી કાર સફર શરૂ કરી હતી. મલેશિયા, લાઓસ. થાઇલેન્ડ, ભારત, ચીન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશિયા, ફિનલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ અને સ્વિડન પસાર કરીને પરિવાર બ્રિટન પહોંચ્યો હતો. તેઓ ૬૦ દિવસમાં ૨૫,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પ્રવાસ દરમિયાન તેઓ ૨૧ દેશ દેખી ચૂક્યા છે.