અમેરિકા: 24 કલાકમાં બીજીવાર અંધાધૂંધ ગોળીબાર, પહેલા 20 હવે 9 લોકોના મોત

અમેરિકા: 24 કલાકમાં બીજીવાર અંધાધૂંધ ગોળીબાર, પહેલા 20 હવે 9 લોકોના મોત

અમેરિકામાં 24 કલાક દરમિયાન ગોળીબારની બીજી ઘટના સામે આવી છે. અમેરિકાના ઓહિયો ખાતે આવેલ ડેટોન શહેરમાં ગોળીબાર થયો હોવાના સમાચાર છે. જેમાં અંદાજે 9 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકોને ગંભીર ઈજા થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ડેટોન પોલીસે ટ્વીટ કરી માહિતી આપી છે કે 16 લોકોને હોસ્પિટલ જઈ જવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાના ટેક્સાસમાં વોલમાર્ટ સ્ટોરની અંદર થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 20 લોકોના મોતની આશંકા વ્યકત કરાઇ હતી. જ્યારે 26થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર હતા. ટેક્સાસનો આ વોલમાર્ટ સ્ટોર અમેરિકા-મેક્સિકો સરહદથી થોડું દૂર છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે 21 વર્ષના એક શંકાસ્પદ શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

ધરપકડ થયેલ 21 વર્ષના શંકાસ્પદ શખ્સ એકલો બંદૂકધારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરનાર પોલીસ અધિકારીના વખાણ કર્યા છે. અલ પાસોની 6,80,000 વસ્તી છે જેમાં 83 ટકા લોકો હિસ્પેનિક મૂળના છે. જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ મેનુએલ લોપેઝ ઓબ્રેડોરે કહ્યું કે આ ગોળીબારમાં મરનારાઓમાંથી 3 નાગરિક મેક્સિકોના છે. પરંતુ તેમની પુષ્ટિ કરવામાં આવી રહી છે.

અલ પાસોના પોલીસ પ્રમુખ ગ્રેગ એલેને કહ્યું કે જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે કે ડલાસ ક્ષેત્રનો રહેવાસી છે. જે અલપાસોથી લગભગ 1,046 કિમી પૂર્વમાં છે. તેમને કહ્યું કે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.