સોનું રૂપિયા ૪૦,૨૦૦ની ઐતિહાસિક સપાટી પર, ચાંદી રૂપિયા ૪૫,૭૦૦

સોનું રૂપિયા ૪૦,૨૦૦ની ઐતિહાસિક સપાટી પર, ચાંદી રૂપિયા ૪૫,૭૦૦

અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વેપાર તણાવને કારણે વૈશ્વિક મંદીના ભયથી વૈશ્વિક બજારોમાં સોમવારે સોનાની કિંમત નવી ઊંચાઈ પર પહોંચી હતી. ભારતમાં સોમવારે સોના અને ચાંદીની કિંમત નવી વિક્રમજનક સપાટી પર પહોંચી હતી. અમદાવાદમાં પણ સોનાની કિંમત રૂપિયા ૧,૨૦૦ના ઉછાળા સાથે રૂપિયા ૪૦,૨૦૦ની ઐતિહાસિક સપાટીને સ્પર્શી હતી. ચાંદી પણ રૂપિયા ૧,૨૦૦ના ઉછાળા સાથે રૂપિયા ૪૫,૭૦૦ પ્રતિ કિલો જોવા મળી હતી. ચાંદીનો ૧૫ વર્ષ પહેલાં પ્રતિ કિલોગ્રામનો ભાવ ૭૫ હજારની સપાટી સુધી પહાંેચ્યો હતો. મુંબઈમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ની ઐતિહાસિક સપાટી પર પહોંચી હતી. ઓક્ટોબર ગોલ્ડ ફ્યૂચરમાં સોમવારે મજબૂતાઈ જોવા મળતાં એમસીએક્સ પર સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ રૂપિયા ૩૯,૩૪૦ને સ્પર્શી ગઈ હતી. સપ્ટેમ્બર ફ્યૂચર માટે એમસીએક્સ પર ચાંદીની કિંમત પણ રૂપિયા ૪૫,૩૪૨ પ્રતિ કિલોની સપાટી જોવા મળી હતી.

વૈશ્વિક બજારોમાં સ્પોટ ગોલ્ડની કિંમત ૧ ટકા જેટલી વધીને પ્રતિ ઔંસ ૧,૫૪૪.૨૩ અમેરિકન ડોલર નોંધાઈ હતી. ભારતમાં ડોલરની સામે રૂપિયાની નબળાઈના કારણે પણ સોના અને ચાંદીની કિંમતો ભડકી હતી.

આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડા અને વેપાર યુદ્ધના કારણે ઘટતા જતા વ્યાજદરના સંદર્ભમાં ગોલ્ડ બુલ્સ માટે સારી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૪ વર્ષથી સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવાયો હતો. નિષ્ણાતોના મતે વર્ષના અંત સુધી સોનાની કિંમતો વધતી રહેશે.

સોમવારે ભારતીય રૂપિયાનું ડોલર સામે ભારે ધોવાણ થયું હતું. એક સમયે રૂપિયો ડોલર સામે ૫૯ ટકા ગગડીને ૭૨.૨૫ની ચાલુ વર્ષની સૌથી નીચી સપાટી પર ચાલ્યો ગયો હતો. સોમવારે બજાર ખૂલતાની સાથે શુક્રવારના બંધ એક ડોલરના રૂપિયા ૭૧.૬૬થી ગગડીને રૂપિયો ૭૧.૯૭ પર ખુલ્યો હતો. ઇન્ટ્રા- ડે કારોબારમાં રૂપિયો ડોલર સામે તૂટીને એક સમયે ૭૨.૨૫ની સપાટી પર ચાલ્યો ગયો હતો. બપોર બાદ રૂપિયામાં થોડી મજબૂતાઈ આવી હતી અને કારોબારના અંતે ૩૬ પૈસાના ઉછાળા સાથે ૭૨.૦૨ની સપાટી પર બંધ આવ્યો હતો. ચાલુ વર્ષે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ૩.૫ ટકાનું ધોવાણ થઈ ચૂક્યું છે.

સોનાનો ભાવ રૂપિયા ૪૦,૨૦૦ કેવી રીતે થાય?

૧૦ ગ્રામ ગોલ્ડનો ભાવ ૩૯,૦૦૦ છે. તેના પર ૩ ટકા જીએસટી નાંખવામાં આવે એટલે તેની કિમંત ૧,૨૦૦ મળીને ભાવ રૂ.૪૦,૨૦૦ થયો છે. જીએસટી વગર ગાલ્ડ વેચી શકાતુ નથી. ગ્રાહક બિલ ન લે તો પણ વેપારીએ ખરીદ કરેલા ગોલ્ડ પર વેચાણ કરતી વખતે ૩ ટકા જીએસટી ચૂકવવો પડે છે. કેન્દ્ર સરકારે ગોલ્ડની ઇમ્પોર્ટ ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૩૦ ટકા કરી દેતાં ગોલ્ડના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૦,૨૦૦ પહોંચ્યો છે. ૩ ટકા જીએસટી હોવાના કારણે ૧૫.૩૦ ટકા કુલ ટેક્સ ભરવાનો થવાથી ગોલ્ડના ભાવ વધ્યા છે.

સોનાની કિંમતોમાં વધારાનાં કારણો

  • અમેરિકા અને ચીન વચ્ચે ઉગ્ર બનેલું વેપાર યુદ્ધ
  • રોકાણકારોનો સેફ હેવન સંપત્તિ એવા સોના તરફ ધસારો
  • ડોલર સામે ભારતીય રૂપિયામાં પ્રવર્તી રહેલી નબળાઈ
  • આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો અને નીચા જતા વ્યાજદર

રૂપિયામાં ધોવાણના કારણો

  • અમેરિકા અને ચીને એકબીજા પર જકાત ઝીંકતા રૂપિયા સહિતના એશિયન ચલણોમાં કડાકો
  • બોન્ડની આવકમાં ઘટાડો અને સોનામાં આગઝરતી તેજી
  • ભારતીય શેરબજારોમાં જોવા મળેલી પ્રારંભિક અંધાધૂંધી
  • રોકાણકારોનો સેફ હેવન તરફ ધસારો