‘ઢબુડી મા’ જશે જેલના સળિયા પાછળ? ગાંધીનગરમાં ઢોંગી ધનજી સામે પોલીસમાં કરી અરજી

‘ઢબુડી મા’ જશે જેલના સળિયા પાછળ? ગાંધીનગરમાં ઢોંગી ધનજી સામે પોલીસમાં કરી અરજી

ઢબુડી માના નામે લોકો સાથે ધતિંગ કરીને ઠગાઈ કરનાર ધનજી ઓડ સામે ગાંધીનગરના પેથાપુરમાં અરજી કરવામાં આવી છે. ધનજી સામે એક લાચાર પિતાએ પોલીસમાં અરજી કરી છે. કેન્સરની બીમારી દૂર કરવાનો દાવો કરીને ધનજીએ પિતાને ખોટી આશા આપી હતી. પેથાપુર પોલીસ સ્ટેશનમાં ધનજી સામે ખોટો ભ્રમ ઉભો કરવા બદલ અરજી કરાઈ છે.

ઢબુડી મા, રૂપાલની જોગણી સહિતનાં દાવાઓ સાથે લોકોની શ્રદ્ધા સાથે રમતાં ધનજી ઓડ સામે કેન્સરગ્રસ્ત બાળકનાં પિતા ભીખાભાઈએ અરજી કરી છે. પિતાએ આરોપ લગાવ્યો કે, 22 વર્ષીય પુત્રને કેન્સરની બીમારી મટાડવા માટે તેઓ માતાજીની શરણમાં ગયા હતા. અને જે બાદ પુત્રએ કેન્સરની દવા ખાવાનું બંધ કર્યું હતું. દવા બંધ કરવાને કારણે પુત્રનું મોત નિપજ્યું હતું.

પુત્રને ગુમાવી દીધા બાદ અને ઢોંગી ધનજીનો પર્દાફાશ થતાં પિતાએ ઢબુડી મા સામે અરજી કરવાનું નક્કી કર્યું હતું. આ સમયે વિજ્ઞાનજાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા પણ તેમની સાથે હતા. હવે ધનજી સામે અરજી કરાતાં પોલીસ ધનજી સામે પુરાવા એકત્ર કરશે. પણ બીજી બાજું જોવાનું એ રહેશે કે, ધનજીની શરણમાં ધારાસભ્ય, નેતાઓ સહિત પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ શીશ ઝૂકાવતાં હતા. તો શું પોલીસ આ મામલે ધનજી સામે કડક સજા થઈ શકે તેવાં પુરાવા એકત્ર કરી શકશે કે કેમ…