હવે મેચ ‘ખાલી’ સ્ટેડિયમમાં : ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T-20 દર્શકો વિના રમાશે, દર્શકોને રિફંડ મળશે

હવે મેચ ‘ખાલી’ સ્ટેડિયમમાં : ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T-20 દર્શકો વિના રમાશે, દર્શકોને રિફંડ મળશે

  • 16,18 અને 20 માર્ચની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય
  • દેવામાં દબાયેલા GCAએ પૈસા કમાવવા લોકોના જીવ જોખમમાં મુકી હજારોની ભીડ એકઠી કરી હતી

અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોરોના માતેલા સાંઢની જેમ આગળ વધી રહ્યો છે. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં દરરોજે 700થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. પોલીસ તથા સત્તાવાળાઓએ ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દે સામાન્ય પ્રજા માથે પસ્તાળ પાડી છે. પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની કાર્યવાહીનું કડકપણું ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું (GCA) નામ પડતાં જ ગાયબ થઈ જાય છે. જેને પગલે લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો. આ રોષને લઈ આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20 દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય લીધો છે.

આ પહેલા 14 માર્ચે જીસીએએ પૈસા કમાવાની લાલચમાં પ્રજાના સ્વાસ્થ્યના ભોગે હજારો દર્શકોની ભીડ કરી હતી. પરંતુ હવે જીસીએને બુદ્ધિ આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને GCAએ તિજોરી ભરવી હતી
અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની લ્હાયમાં GCA દેવાના ડુંગર તળે દબાઈ ગયું છે. આવામાં પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર કરવા GCA લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પોતાની તિજોરી ભરવા માગતું હોવાની પણ ચર્ચા ઉઠી હતી. GCA આવું કરે તો કરે, પરંતુ રાજ્ય સરકાર પણ અમદાવાદની જનતામાં કોરોના વિસ્ફોટ થવા દેવાના જોખમે GCAની આ વૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યું હતું.

બાકીની ત્રણ મેચો બંધ બારણે રમાશેઃ GCA
આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને 10 વાગ્યે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.

12 માર્ચે અડધું સ્ટેડિયમ ખાલી રાખવાની જાહેરાત કરી હતી
આ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશને 12 માર્ચે જાહેરાત કરી હતી કે, સ્ટેડિયમ અડધું ખાલી રખાશે અને કોવિડની ગાઈડલાઈનનું પાલન થશે. પરંતુ રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટી-20માં મેચમાં મોટી સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. બે પ્રેક્ષકો વચ્ચે એક સીટ ખાલી રાખવાની હતી પરંતુ લોકોએ ભારે ધસારો કરી હૈયેહૈયું દળાય તેવી ભીડ કરી હતી. સ્ટેડિયમની આજુબાજુના રસ્તાઓ પર મેચ પહેલાં અને પછીય કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. લગ્નમાં 200ની મંજૂરી આપનાર સરકાર આ ભીડ સામે આંખ આડા કાન કરી રહી હતી.

બીજાં શહેરોમાં નાઇટ કર્ફ્યૂની સમયમર્યાદા વધવાની શક્યતા
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રાત્રે 10 પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય એ સંકેત છે કે આગામી દિવસોમાં કેસ વધશે તો અન્ય શહેરોમાં પણ નાઇટ કરર્ફ્યૂનો સમય વધી શકે એમ છે.

65 હજાર ટિકિટનું વિતરણ કરાયું હતું
અત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 ક્રિકેટ સિરિઝ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. કહેવા ખાતર તો GCA દ્વારા 1.30 લાખની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં 50% લેખે 65 હજાર ટિકિટનું વિતરણ કરાયું છે. પરંતુ રવિવારની મેચના દૃશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે સ્ટેડિયમ ખીચો-ખીચ ભરેલું હતું અને જૂજ દર્શકે માસ્ક પહેરેલું હતું. સ્ટેડિયમમાં ભીડ તો એટલી હતી કે જાણે એકબીજાના ખોળામાં બેસવાનું જ બાકી રહ્યું હતું.

8 વિસ્તારોમાં 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ સહિત તમામ એકમો બંધ
અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે આજે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

શહેરમાં કોરોનાના નવા કેસો 200ને પાર
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને કોર્પોરેશનની ચૂંટણી બાદ તો નવા કેસોમાં તોતિંગ ઉછાળો આવી રહ્યો છે. જેને પગલે કોર્પોરેશન દ્વારા શહેરના 8 વિસ્તારોમાં રાતના 10 વાગ્યા પછી ધંધાકીય એકમો બંધ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 209 નવા કેસ અને 150 દર્દી સાજા થયા છે. જ્યારે એકપણ દર્દીનું મોત થયું નથી. જેને પગલે મૃત્યુઆંક 2,324 પર યથાવત રહ્યો છે.

14 માર્ચની સાંજથી 15 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 205 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 148 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 64,845 થયો છે. જ્યારે 61,613 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

( Source – Divyabhaskar )