આઇ એમ ‘VIRAT’

આઇ એમ ‘VIRAT’

। પૂણે ।

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે શુક્રવારે સુકાની વિરાટ કોહલીએ પોતાના જ દેશના બે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગના ભારતીય રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે ટેસ્ટ ક્રિકેટમાં હાઇએસ્ટ બેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સાતમી બેવડી સદી ફટકારી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૭,૦૦૦ રન પણ પૂરા કર્યા હતા.

સચિન-સેહવાગને પાછળ રાખી દીધા 

કોહલીએ પોતાની ૮૧મી ટેસ્ટ મેચની ૧૩૮મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ પહેલાં સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટની ૩૨૯ ઇનિંગ્સ અને સેહવાગે ૧૦૪ ટેસ્ટની ૧૮૦ ઇનિંગ્સમાં ૬-૬ બેવડી સદી ફટકારી હતી.

બેવડી સદીના મામલે બ્રેડમેન નંબર-૧ 

ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક બેવડી સદી નોંધાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને ૫૨ ટેસ્ટ મેચોમાં ૧૨ બેવડી સદી ફટકારી હતી. શ્રીલંકાના કુમાર સંગાકારાએ ૧૧ તથા બ્રાયન લારાએ નવ બેવડી સદી નોંધાવી છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર વોલી હેમન્ડે ૮૫ ટેસ્ટમાં સાત તથા શ્રીલંકાના મહેલા જયવર્દનેએ ૧૪૯ ટેસ્ટમાં સાત બેવડી સદી નોંધાવી હતી.

ટેસ્ટમાં કોહલીના ૭,૦૦૦ રન પૂરા થયા 

કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૭,૦૦૦ રનનો માઇલસ્ટોન પણ પાર કર્યો હતો. તેણે ૧૩૮ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. તે સૌથી ઓછી મેચોમાં આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય બેટ્સમેન છે. ભારત તરફથી સેહવાગે ૧૩૪ તથા તેંડુલકરે ૧૩૬ ઇનિંગ્સમાં સાત હજાર રનનો આંકડો પાર કર્યો હતો.

દ. આફ્રિકા સામે ફાસ્ટેસ્ટ ૧,૦૦૦ રન 

કોહલી સૌથી ઓછી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા સામે ૧,૦૦૦ ટેસ્ટ રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે પોતાની ૧૯મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે સેહવાગનો રેકોર્ડ તોડયો હતો જેણે ૨૦ ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા સામે ૧,૦૦૦ રન પૂરા કર્યા હતા. સચિન તેંડુલકરે ૨૯ તથા રાહુલ દ્રવિડે ૩૦ ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા સામે એક હજાર રન પૂરા કર્યા હતા.

સુકાની તરીકે નવમી વખત ૧૫૦+ સ્કોર, બ્રેડમેનને પાછળ રાખ્યા

કોહલીએ સુકાની તરીકે ટેસ્ટ ક્રિકેટમાં નવમી વખત ૧૫૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ડોન બ્રેડમેને આઠ વખત સુકાની તરીકે ૧૫૦ પ્લસનો આંકડો પાર કર્યો હતો. આ સાથે કોહલીએ બ્રેડમેનને (૬૯૯૬ રન) ટેસ્ટ ક્રિકેટમાં કુલ રનના મામલે પાછળ રાખી દીધા હતા. સુકાની તરીકે બ્રાયન લારા, મહેલા જયવર્દને, ગ્રીમ સ્મિથ તથા માઇકલ ક્લાર્ક સાત વખત ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૦ પ્લસનો સ્કોર નોંધાવી ચૂક્યા હતા.

૧૦ ઇનિંગ્સ બાદ સદી

કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે ૧૨મી તથા કુલ ૨૬મી સદી નોંધાવી હતી. કોહલીએ છેલ્લે ૨૦૧૮ના ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે પર્થ ખાતે ૧૨૩ રનની ઇનિંગ્સ રમી હતી. આમ કોહલીએ ૧૦ ઇનિંગ્સ બાદ સદી નોંધાવી છે.  ટેસ્ટમાં સૌથી વધારે સદી નોંધાવનાર ભારતીય ખેલાડીઓના મામલે સચિન તેંડુલકર (૫૧), રાહુલ દ્રવિડ (૩૬) થતા સુનીલ ગાવસ્કર (૩૪) બાદ કોહલી ચોથા ક્રમે છે.

કોહલીએ પોતાનો જ હાઇએસ્ટ રનનો રેકોર્ડ તોડયો

ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ પોતાનો હાઇએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો છે. અગાઉ તેણે ૨૦૧૭-૧૮માં દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે શ્રીલંકા સામે ૨૪૩ રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો હતો. તેણે પ્રથમ દાવમાં અણનમ ૨૫૪ રન ફટકાર્યા હતા જે કોઇ પણ ભારતીય સુકાની દ્વારા નોંધાવવામાં આવેલો હાઇએસ્ટ સ્કોર છે. કોહલીએ મુંબઇ ખાતે ઇંગ્લેન્ડ સામે ૨૩૫ રનની ઇનિંગ્સ પણ રમી હતી. ત્યારબાદ એમએસ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે ૨૦૧૨-૧૩માં ચેન્નઇ ખાતે ૨૨૪ તથા સચિન તેંડુલકરે અમદાવાદ ખાતે ૧૯૯૯-૦૦માં ઇંગ્લેન્ડ સામે ૨૧૭ રનની સુકાની તરીકેની હાઇએસ્ટ ઇનિંગ્સ રમી હતી.

નો-બોલમાં કોહલીને મળ્યું હતું જીવતદાન 

કોહલીએ પોતાની બેવડી સદી પૂરી થઈ ત્યાં સુધી એક પણ સિક્સર ફટકારી નહોતી. ત્યારબાદ તેણે ઇનિંગ્સનો પ્રથમ છગ્ગો ફટકાર્યો હતો. કોહલી જ્યારે ૨૦૮ રનના સ્કોરે હતો ત્યારે તેને જીવતદાન મળ્યું હતું. મુથુસામીની બોલિંગમાં તે કેચઆઉટ થયો હતો પરંતુ તે નો-બોલ હતો.

સુકાની તરીકે સર્વાધિક સદીના મામલે બીજા ક્રમે

કોહલીએ સુકાની તરીકે ૧૯મી સદી નોંધાવી છે. આ મામલે સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ બાદ કોહલી અને રિકી પોન્ટિંગ સંયુક્ત રીતે બીજા ક્રમે છે. સુકાની તરીકે સ્મિથે ૨૫ ટેસ્ટ સદી ફટકારી હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એલન બોર્ડર, સ્ટિવ વો તથા સ્ટિવ સ્મિથને પાછળ રાખી દીધા છે. આ ત્રણેય ઓસ્ટ્રેલિયન સુકાનીએ ૧૫-૧૫ ટેસ્ટ સદી ફટકારી હતી.

ખેલાડી                 દેશ             સદી

ગ્રીમ સ્મિથ             સા. આફ્રિકા     ૨૫

રિકી પોન્ટિંગ           ઓસ્ટ્રેલિયા      ૧૯

વિરાટ કોહલી           ભારત          ૧૯

બોર્ડર, સ્ટિવ વો, સ્મિથ   ઓસ્ટ્રેલિયા      ૧૫

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ બેવડી સદી નોંધાઇ

આઇસીસી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બેવડી સદી નોંધાવનાર કોહલી વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ ઉપરાંત બેવડી સદી નોંધાવનાર તે પ્રથમ સુકાની પણ બન્યો છે.

સૌથી ઓછી ઇનિંગ્સમાં ૨૬ સદી, ચોથા ક્રમે

સર ડોન બ્રેડમેન        (ઓસ્ટ્રેલિયા, ૬૯ ઇનિંગ્સ)

સ્ટિવ સ્મિથ             (ઓસ્ટ્રેલિયા, ૧૨૧ ઇનિંગ્સ)

સચિન તેંડુલકર         (ભારત, ૧૩૬ ઇનિંગ્સ)

વિરાટ કોહલી           (ભારત, ૧૩૮ ઇનિંગ્સ)

સુનીલ ગાવસ્કર                (ભારત, ૧૪૪ ઇનિંગ્સ)

મેથ્યુ હેડન             (ઓસ્ટ્રેલિયા, ૧૪૫ ઇનિંગ્સ)

છ દેશો સામે કોહલીની બેવડી સદી નોંધાઈ

કોહલીએ છ દેશો સામે બેવડી સદી નોંધાવી છે. જેમાં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા તથા વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ થાય છે. અન્ય ક્રિકેટર્સમાં માત્ર કુમાર સંગાકારા તથા પાકિસ્તાનનો યુનુસખાન વિવિધ છ દેશ સામે બેવડી સદી નોંધાવી શક્યા હતા. ઓસ્ટ્રેલિયા જ એક માત્ર એવી ટીમ છે જેની સામે કોહલી બેવડી સદી ફટકારી શક્યો નથી.

રન     વિરુદ્ધ                   ગ્રાઉન્ડ                 સિઝન

૨૫૪*  સાઉથ આફ્રિકા          પૂણે                    ૨૦૧૯-૨૦

૨૪૩   શ્રીલંકા                 નવી દિલ્હી             ૨૦૧૭-૧૮

૨૩૫   ઇંગ્લેન્ડ                 મુંબઇ (વાનખેડે)        ૨૦૧૬-૧૭

૨૧૩   શ્રીલંકા                 નાગપુર                        ૨૦૧૭-૧૮

૨૧૧   ન્યૂઝીલેન્ડ              ઇન્દોર                  ૨૦૧૬-૧૭

૨૦૪   બાંગ્લાદેશ              હૈદરાબાદ              ૨૦૧૬-૧૭

૨૦૦   વેસ્ટ ઇન્ડિઝ            નોર્થ સાઉન્ડ            ૨૦૧૬