આજથી ઈડન ગાર્ડનમાં ભારતની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ: બાંગ્લાદેશ સામે ટક્કર

આજથી ઈડન ગાર્ડનમાં ભારતની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ: બાંગ્લાદેશ સામે ટક્કર

પિંક બોલથી રમાનારી ટેસ્ટ જીતવા માટે ભારત ફેવરિટ

ભારતીય ક્રિકેટના દિગ્ગજોની સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના સ્ટેડિયમમાં હાજરી આપશે

કોલકાતા, તા. 21 નવેમ્બર 2019, ગુરૂવાર

કોલકાતાના વિખ્યાત ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતીય ટીમ આવતીકાલે તેના ટેસ્ટ ઈતિહાસની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે બાંગ્લાદેશ સામે ઉતરશે. પિંક બોલથી ફલ્ડ લાઈટ્સમાં રમાનારી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચ અંગે ભારતીય ક્રિકેટરોમાં અને ચાહકોમાં ભારે આકર્ષણ અને ઉત્સુકતા જોવા મળી રહ્યા છે. કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી સરસાઈ ધરાવે છે અને આવતીકાલથી શરૂ થનારી ડે-નાઈટ ટેસ્ટ શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટ બની રહેશે, જે જીતવા માટે પણ ભારત હોટફેવરિટ છે.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આવતીકાલે બપોરે ૧.૦૦ વાગ્યાથી ડે-નાઈટ ટેસ્ટનો પ્રારંભ થશે. બીસીસીઆઇના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ ભારતીય ટેસ્ટ ઈતિહાસની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટને યાદગાર બનાવવા માટે દિગ્ગજ ક્રિકેટરોને ખાસ આમંત્રણ આપ્યું છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ ખાસ ડે-નાઈટ ટેસ્ટ મેચ જોવા કોલકાતા પહોંચશે. ભારતની જેમ બાંગ્લાદેશ પણ તેના ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલી વખત ડે-નાઈટ ટેસ્ટ રમી રહ્યું છે.

પશ્ચિમ બંગાળના વડાપ્રધાન મમતા બેનર્જી પણ ડે-નાઈટ ટેસ્ટમાં ઉપસ્થિત રહેશે તેમ મનાય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઈતિહાસની ૧૨મી ડે-નાઈટ ટેસ્ટ બનશે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એડીલેડમાં નવેમ્બર-૨૦૧૫માં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા સૌથી વધુ પાંચ ડે-નાઈટ ટેસ્ટ રમ્યું છે અને પાંચેયમાં વિજેતા બન્યું છે. ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી સફળ એશિયન દેશ શ્રીલંકા છે, જે ત્રણમાંથી બે ડે-નાઈટ ટેસ્ટમાં વિજેતા બન્યો  છે.