2,27,000 ભારતીયોનું ભાવી ડૉનાલ્ડ ટ્રમ્પના હાથમાં, એક જ નિર્ણયે મળી શકે છે મોટી રાહત

2,27,000 ભારતીયોનું ભાવી ડૉનાલ્ડ ટ્રમ્પના હાથમાં, એક જ નિર્ણયે મળી શકે છે મોટી રાહત

અમેરિકામાં ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડનાં વેઇટિંગ લિસ્ટમાં ભારતનાં 2,27,000લોકોનો સમાવેશ થાય છે. તેઓ અમેરિકામાં કાયદેસર રીતે કાયમી વસવાટની મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યા છે. યુએસની ટ્રમ્પ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી હતી. હાલ આ વેઇટિંગ લિસ્ટમાં કુલ 40 લાખ લોકો ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે. જેમાં મેક્સિકોનાં સૌથી વધુ 15 લાખ લોકો છે. બીજા નંબરે ભારતનાં 2,27,000લોકો અને ત્રીજા નંબરે ચીનનાં 1,80,000લોકોનો સમાવેશ થાય છે. અમેરિકાની સંસદે દર વર્ષે ફક્ત 2,26,000ગ્રીનકાર્ડ આપવા મંજૂરી આપી છે.

અમેરિકન નાગરિકો સ્પોન્સર્ડ કરી શકે

ફેમિલી ગ્રીનકાર્ડ મેળવવા ઇચ્છા ધરાવતા સૌથી વધુ લોકોમાં અમેરિકાનાં નાગરિકોનાં ભાઈ-બહેન છે. અમેરિકાનાં હાલનાં કાયદા મુજબ અમેરિકન નાગરિકો ગ્રીનકાર્ડ કે કાયમી નિવાસ માટે તેમનાં પરિવારનાં સભ્યો તેમજ લોહીનો સંબંધ ધરાવનારાઓને સ્પોન્સર્ડ કરી શકે છે.

ટ્રમ્પ દ્વારા ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડ સિસ્ટમનો ભારે વિરોધ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડ સિસ્ટમનો ભારે વિરોધ કરી રહ્યા છે. તેઓ આને સિલસિલાબંધ ચલાવવામાં આવતું ઇમિગ્રેશન કૌભાંડ ગણે છે. તેઓ આ સિસ્ટમ બંધ કરવા માગે છે. જોકે, ડેમોક્રેટિક પાર્ટી આ પ્રકારનાં ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડની સિસ્ટમ બંધ કરવાનો ભારે વિરોધ કરી રહી છે. ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડ માટે 40 લાખ અરજદારો ઉપરાંત અન્ય 8,27,000 લોકો કાયમી કાનૂની નિવાસ માટેનાં વેઇટિંગ લિસ્ટમાં છે. જેમાં પણ ભારતીયો મોટી સંખ્યામાં સામેલ છે.

વેઇટિંગ લિસ્ટમાં 1,81,000અમેરિકન નાગરિકોનાં ભાઈ- બહેનો

રોજગારી કે નોકરી આધારિત ગ્રીનકાર્ડમાં મોટાભાગનાં કુશળ આઈટી પ્રોફેશનલ્સ છે. જેઓ એક દાયકા કરતા વધુ સમયથી અમેરિકાનું ગ્રીનકાર્ડ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સિક્યુરિટીના જણાવ્યા મુજબ ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડનાં વેઇટિંગ લિસ્ટમાં મોટાભાગનાં અમેરિકન નાગરિકોનાં ભાઈ- બહેનો છે. જેની સંખ્યા 1,81,000જેટલી છે. આ પછી 42,000અમેરિકન નાગરિકોનાં પરિણીત સંતાનો છે અને 2500થી વધુ કાયમી નિવાસ ધરાવતા લોકોનાં જીવનસાથી કે સગીર સંતાનો છે.

ગ્રીનકાર્ડનો ફાયદો શું?

ગ્રીનકાર્ડ ધારકોને અમેરિકામાં કાયમી વસવાટનો દરજ્જો મળે છે. તેઓ અમેરિકામાં નોકરી કે રોજગારી મેળવી શકે છે. નાગરિકતા મેળવવાનું આ પહેલું પગલું છે. અમેરિકા દર વર્ષે 2,26,000લોકોને ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડ આપે છે.

ટ્રમ્પ યોગ્યતાને આધારે ગ્રીનકાર્ડ અને વિઝા આપવાનાં પક્ષમાં

અમેરિકામાં દર વર્ષે આશરે 11 લાખ વિદેશીઓને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. આવા લોકોને અમેરિકામાં કાયમી વસવાટની છૂટ અપાય છે. હલ 66 ટકા ગ્રીનકાર્ડ ફેમિલી સ્પોન્સર્ડ હોય છે જ્યારે 12 ટકાને યોગ્યતાનાં આધારે કાર્ડ અપાય છે. ટ્રમ્પ સરકાર યોગ્યતાને આધારે અપાતા વિઝા 12 ટકાથી વધારીને ૫૭ ટકા કરવા માગે છે.