700 કરોડનો ખર્ચે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અ’વાદમાં તૈયાર, ગમે તેવો ભૂકંપ એક ઈંટ પણ ખેરવી ના શકે…

700 કરોડનો ખર્ચે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અ’વાદમાં તૈયાર, ગમે તેવો ભૂકંપ એક ઈંટ પણ ખેરવી ના શકે…

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું બાંધકામ લગભગ પૂરું થઇ જવા આવ્યું છે અને બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીના અનુસાર માર્ચ 2020માં એશિયા ઇલેવન તથા વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ સાથે તેનું ભવ્ય ઉદ્ઘાટન થાય તેવી પૂરી સંભાવના છે. સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરાના નિર્માણ માટે 700 કરોડનો જંગી ખર્ચ થયો છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોની કેપેસિટી એક લાખ 10 હજારની છે. હાલમાં ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન (એમસીજી) વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જેમાં એક લાખ લોકો મેચનો આનંદ માણી શકે છે.

બીસીસીઆઇના વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) બાદ ગાંગુલીએ સરદાર પટેલ સ્ટેડિયમ અંગેની માહિતી આપી હતી અને તેના અનુસાર 2020ના માર્ચમાં તેનું ઉદ્ઘાટન થઇ શકે છે. જોકે એશિયા ઇલેવન તથા વર્લ્ડ ઇલેવન વચ્ચે રમાનારી મેચ માટે આઇસીસીની મંજૂરી લેવી પડશે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના હસ્તે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થઇ શકે છે.

મોટેરા સ્ટેડિયમની રસપ્રદ બાબત
મોટેરામાં તૈયાર થયેલું સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. તેમાં લેટેસ્ટ ટેક્નોલોજીવાળા 50 કેમેરા, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ તથા 75 કોર્પોરેટ બોક્સ રહેશે. ભારતની સૌથી પહેલી ઇન્ડોર એકેડેમી પણ આ સ્ટેડિયમનું મુખ્ય આકર્ષણ રહેશે. જાન્યુઆરી 2017માં મોટેરા સ્ટેડિયમને ઝીરો લેવલ કરીને નવેસરથી નવી ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેડિયમથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન છે. ગ્રાઉન્ડમાં અગાઉ સામાન્ય ફ્લડ લાઇટ્સ હતી પરંતુ હવે તેના બદલે એલઇડી લાઇટ્સ લગાવવામાં આવી છે. નવા સ્ટેડિયમને ભૂકંપની કોઇ અસર થશે નહીં.

4 હજાર કાર તથા 10 હજાર ટુ-વ્હીલરનું પાર્કિંગ
સ્ટેડિયમમાં કાર તથા ટુ-વ્હિલરના પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચાર હજાર કાર તથા 10 હજાર ટુ-વ્હિલર વાહનોનું પાર્કિંગ થઇ શકશે. સ્ટેડિયમમાં પ્રવેશ અને બહાર જવાની પણ અલગ વ્યવસ્થા કરાઇ છે.
-સ્ટેડિયમનું સ્ટ્રક્ચર એવું છે કે જ્યારે કોઇ ખેલાડી બાઉન્ડ્રી મારે તો સ્ટેડિયમમાં બેઠેલો પ્રત્યેક સમર્થક બાઉન્ડ્રીને આસાનીથી નિહાળી શકશે.

મોટેરા રેકોર્ડ બુક
– સ્ટેડિયમમાં ઘણી ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક મેચો રમાઇ ચૂકી છે અને કેટલાક રેકોર્ડ પણ સર્જાયા છે.
– 1982માં જૂના સ્ટેડિયમમાં સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા.
– કપિલે દેવે આ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના સર રિચાર્ડ હેડલીની સર્વાધિક ટેસ્ટ વિકેટોનો રેકોર્ડ તોડયો હતો.
– સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીની પ્રથમ બેવડી સદી નોધાવી હતી.
– 2011ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો.