RBIએ સામાન્ય માણસને રાહત આપી : હવે રજાના દિવસે પણ તમારો પગાર ખાતામાં જમા થશે; SIP-વીમાના હપ્તાની પણ ચૂકવણી કરી શકાશે, 1 ઓગસ્ટથી નવી સુવિધા શરૂ થશે

RBIએ સામાન્ય માણસને રાહત આપી : હવે રજાના દિવસે પણ તમારો પગાર ખાતામાં જમા થશે; SIP-વીમાના હપ્તાની પણ ચૂકવણી કરી શકાશે, 1 ઓગસ્ટથી નવી સુવિધા શરૂ થશે

  • ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT કોઈપણ દિવસે થઈ શકશે
  • ટેલિફોન, ગેસ, વીજળીના બિલની ચૂકવણી સમયસર કરી શકાશે

રિઝર્વ બેંક (RBI)એ સામાન્ય માણસને મોટી રાહત આપી છે. RBIએ નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ (NACH) સિસ્ટમને બધા દિવસે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમાં રવિવાર અને બેંકોની તમામ રજાઓ સામેલ છે. આ નવી સુવિધા 1 ઓગસ્ટ 2021થી લાગુ થશે. મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં શુક્રવારે નિર્ણયની જાણકારી આપતા RBIના ગર્વનર શક્તિકાંતે આ વાત જણાવી છે.

રજાના દિવસે પણ તમારો પગાર ખાતામાં જમા થશે
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, આ નવી સુવિધા શરૂ થયા બાદ રવિવાર અથવા રજાના દિવસે પણ કર્મચારીઓના બેંક ખાતામાં સેલરી જમા થઈ શકશે. તે સિવાય તમારા ખાતામાંથી આપમેળે કરવામાં આવતી તમામ પ્રકારની ચૂકવણી રવિવાર અથવા રજાના દિવસે થઈ શકશે. તેમાં મ્યુચ્યુઅલ ફંડ SIP, ઘર-કાર અથવા પર્સનલ લોનના માસિક હપ્તા (EMI), ટેલિફોન, ગેસ અને વીજળી જેવા બિલની ચૂકવણી પણ સામેલ છે. અત્યાર સુધી રવિવારે અથવા રજાના દિવસે સેલરી ખાતામાં જમા નથી થતી. તે ઉપરાંત ખાતામાંથી આપમેળે થતી ચૂકવણી પણ નહોતી થતી. કારણ કે મોટાભાગની કંપનીઓ સેલરી અને અન્ય પ્રકારની ચૂકવણી માટે NACHનો ઉપયોગ કરે છે. રવિવારે અથવા બેંકની રજાના દિવસે આ સુવિધા ઉપલબ્ધ નથી હોતી.

દંડથી બચવા માટે બેંકમાં પૂરતું બેલેન્સ રાખવું
જો તમે તમારા બેંક અકાઉન્ટમાંથી કોઈપણ પ્રકારના EMI અથવા બિલની આપમેળે ચૂકવણીની સુવિધા લીધી છે તો 1 ઓગસ્ટથી ખાતામાં પૂરતું બેલેન્સ રાખવું પડશે. જો તમે આવું નહીં કરો તો બેલેન્સ ઓછું હોવાને કારણે ચૂકવણી નિષ્ફળ જવા પર દંડ ભરવો પડી શકે છે. વર્તમાન સિસ્ટમ અંતર્ગત રવિવારે પૂરતું બેલેન્સ ન હોવાથી અને સોમવારે પૈસા જમા થવા પર હપ્તા અથવા બિલની ચૂકવણી સોમવારે થાય છે. તેનાથી ચૂકવણી નિષ્ફળ પણ નથી થતી અને ગ્રાહક પર દંડ નથી લાગતો. પરંતુ ઓગસ્ટ બાદ આવું નહીં થાય અને રવિવાર અથવા રજાના દિવસે ચૂકવણીના સમયે પૂરતું બેલેન્સ ન રાખવા બદલ દંડ પણ થઈ શકે છે.

શું છે NACH?
NACH મોટાપાયે ચૂકવણી કરવા માટેની સિસ્ટમ છે. તેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની તરફથી કરવામાં આવે છે. આ સિસ્ટમ ડિવિડન્ડ, વ્યાજ, સેલરી, પેન્શન જેવા પેમેન્ટને એક સાથે ઘણા ખાતામાં ટ્રાન્સફર કરવાની સુવિધા પ્રદાન કરે છે. તે ઉપરાંત તે વીજળી, ટેલિફોન, ગેસ, પાણી સાથે સંબંધિત ચૂકવણી અને લોન, મ્યુચ્યુઅલ ફંડ, ઈન્શ્યોરન્સ પ્રીમિયમનું કલેક્શન કરવાની સુવિધા પણ આપે છે. ઉદાહરણ તરીકે- બેંકને ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સ સર્વિસ (ECS)ની સંમતિ આપ્યા પછી NACH સુવિધા દ્વારા ગ્રાહકના ખાતામાંથી પૈસા આપોઆપ કટ થઈ જાય છે.

DBT માટે ઘણી પોપ્યુલર થઈ છે NACH
RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, NACH મોટાપાયે લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)માટે એક પોપ્યુલર અને મુખ્ય ડિજિટસ મોડ તરીકે ઉભરી આવ્યું છે. તે કોવિડ-19 દરમિયાન સમયસર અને પારદર્શકતાની સાથે સરકારી સબ્સિડી ટ્રાન્સફર કરવામાં ઘણી મદદ કરી રહી છે.

( Source – Divyabhaskar )