ક્રિકેટ / વિદેશ પ્રવાસ પર પત્ની-ગર્લફ્રેન્ડને લઇ જવાની પરવાનગી હવે BCCI આપશે, કેપ્ટન અને કોચ નિર્ણય લેશે નહીં

ક્રિકેટ / વિદેશ પ્રવાસ પર પત્ની-ગર્લફ્રેન્ડને લઇ જવાની પરવાનગી હવે BCCI આપશે, કેપ્ટન અને કોચ નિર્ણય લેશે નહીં

  • કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સે ગયા વર્ષે કેપ્ટન અને કોચને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો
  • BCCI અનુસાર, કેપ્ટન અને કોચનું ફોકસ માત્ર ક્રિકેટ પર હોવું જોઈએ, મેનેજરિયલ વસ્તુઓ પર નહીં

સ્પોર્ટ્સ ડેસ્ક: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ કહ્યું કે, ‘હવેથી વિદેશ પ્રવાસ પર ખેલાડીઓને પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે લઇ જવાની પરવાનગી અમે આપીશું.’ ગયા વર્ષે મે મહિનામાં વિનોદ રાયના નેતૃત્વવાળી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)એ કેપ્ટન અને કોચને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો. હવે ગાંગુલીની હેઠળ BCCIએ ફરીથી આ નિર્ણય પોતે લેશે. કહેવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડ કપ 2019ના દરમિયાન ખેલાડીઓ મર્યાદિત સમય કરતા વધુ સમય પરિવાર સાથે રહ્યા હતા.

પહેલા કેપ્ટન અને કોચ નિર્ણય લેતા હતા
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, COAના નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, “પત્ની અથવા ગર્લફ્રેન્ડને ટૂર પર લઇ જવાનો નિર્ણય BCCI લેશે. આ બધા માટે સારું છે.” અગાઉ COAએ 21 મે 2019ના રોજ આ નિર્ણય લીધો હતો કે, પત્ની અને ગર્લફ્રેન્ડને વિદેશ ટૂરમાં સાથે લઈ જવાની પરવાનગી કેપ્ટન અને કોચ આપશે. કમિટીના આ નિર્ણયથી ઘણા ખેલાડીઓ નાખુશ થયા હતા.

ભારત આ મહિનાના અંતે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાનું છે. તેવામાં જોવાનું રહેશે કે હંમેશાની જેમ ખેલાડીઓના પરિવારને બેથી ત્રણ અઠવાડિયાની સાથે રહેવાની પરવાનગી મળે છે કે નહીં.