કડક વલણ / 2019માં અમેરિકાએ H-1Bની દર ચારમાંથી 1 અરજી નકારી

કડક વલણ / 2019માં અમેરિકાએ H-1Bની દર ચારમાંથી 1 અરજી નકારી

મોદી ટ્રમ્પના મિત્ર ખરા, પણ H-1B વિઝા તો US કંપનીઓને જ 2019માં TCS અને ઈન્ફોસીસની અરજી ફગાવવાની ટકાવારી અનુક્રમે 31% અને 35%

વૉશિંગ્ટન: અમેરિકાએ 2019માં H-1B વિઝા માટે આવેલી દર ચારમાંથી એક અરજી નકારી દીધી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ કડક વલણની સૌથી વધુ અસર ભારતની ટીસીએસ અને ઈન્ફોસીસ જેવી આઈટી કંપનીઓ પર થઈ છે. જોકે, આ કડકાઈ પછી પણ H-1B વિઝાની અરજી નકારવાની ટકાવારી પાછલા વર્ષ કરતા ઘટી છે.
વિપ્રોની 47% અને ટેક મહિન્દ્રાની 37% અરજી ફગાવી દેવાઈ

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના અભ્યાસ પ્રમાણે, 2018માં H-1B વિઝા અરજી નકારવાની ટકાવારી 24% હતી, જે 2019માં થોડો ઘટીને 21% થયો છે. પરંતુ આ લાભ ભારતની કંપનીઓને નહીં, અમેરિકન કંપનીઓને મળ્યો છે, જ્યારે એમેઝોન અને ગૂગલ જેવી અમેરિકન કંપનીઓ પર તેની ઓછી અસર થઈ છે. જેમ કે, 2019માં ટીસીએસ અને ઈન્ફોસીસની અરજી ફગાવવાની ટકાવારી અનુક્રમે 31% અને 35% છે, જ્યારે વિપ્રોની 47% અને ટેક મહિન્દ્રાની 37% અરજી ફગાવી દેવાઈ છે. આ ભારતીય કંપનીઓની સરખામણીમાં 2019માં એમેઝોન અને ગૂગલની ફક્ત 4% અરજી નકારાઈ છે. આ ઉપરાંત માઈક્રોસોફ્ટની ફક્ત 6% અને ફેસબુક-વૉલમાર્ટ બંનેની 3-3% H-1B અરજી ફગાવાઈ છે. 2015થી 2019 વચ્ચે અમેરિકાએ ભારતની ટોપ 7 કંપનીના 64% પ્રોફેશનલની H-1B અરજી ફગાવી દીધી છે. અમેરિકા દર વર્ષે 85 હજાર વિદેશી પ્રોફેશનલને H-1B વિઝા આપે છે, પરંતુ 2019માં ભારતની સાત કંપનીના ફક્ત 5,428 પ્રોફેશનલની અરજી માન્ય રખાઈ છે. આ આંકડો અમેરિકાની લેબર ફોર્સના માંડ 0.03% છે.
આ અઠવાડિયે જાહેર કરેલા પોલિસી રિપોર્ટમાં જણાવ્યાનુસાર, 2020માં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1Bને લગતા નવા નિયમો જાહેર કરે એવી શક્યતા છે. નવી પોલિસીના અમલ પછી હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ માટે પણ અમેરિકા આવવું અઘરું થઈ જશે.

2019માં વિવિધ કંપનીઓની ફગાવેલી અરજીઓ

ભારતઅમેરિકા
ટીસીએસ 31%એમેઝોન 4%
ઈન્ફોસીસ 35%ગૂગલ 4%
વિપ્રો 47%માઈક્રોસોફ્ટ 6%
ટેક મહિન્દ્રા 37%ફેસબુક 3%
વૉલમાર્ટ 3%