IPL બાદ હવે ઓસ્ટ્રેલિયા ખાતેના ટી૨૦ વર્લ્ડ કપ ઉપર સંકટનાં વાદળો છવાયાં

IPL બાદ હવે ઓસ્ટ્રેલિયા ખાતેના ટી૨૦ વર્લ્ડ કપ ઉપર સંકટનાં વાદળો છવાયાં

। નવી દિલ્હી ।

કોરોના વાઇરસના કારણે વિશ્વભરના રમત આયોજનો રફેદફે થઈ ગયા છે. એક તરફ બીસીસીઆઇની ટી૨૦ લીગ આઇપીએલ અંગે અનિશ્ચિતતા છવાયેલી છે તો હવે ચાલુ વર્ષના ઓક્ટોબર તથા નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા આઇસીસી ટ્વેન્ટી૨૦ મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના આયોજન ઉપર સંકટના વાદળો છવાયેલા છે. ટી૨૦ વર્લ્ડ કપની સાતમી એડિસન ૧૮મી ઓક્ટોબરથી શરૂ થશે પરંતુ કોરાના ઔવાઇરસના કારણે તેના આયોજન ઉપર પણ પ્રશ્નાર્થ થયો છે. કોરોના વાઇરસે જે દેશોમાં સૌથી વધારે તબાહી મચાવી છે તેમાં ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થયો છે. ઓસ્ટ્રેલિયામાં બે હજાર કરતાં વધારે લોકો કોરોનાના સકંજામાં આવી ચૂક્યા છે.

આઇસીસીએ હવે ટી૨૦ વર્લ્ડ કપના આયોજન અંગે સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે. આ કારણથી ક્રિકેટની વિશ્વ સંચાલક સંસ્થા આઇસીસી ટૂર્નામેન્ટના આયોજન અંગે ૨૯મી માર્ચે નિર્ણય લે તેવી સંભાવના છે. આઇસીસીના અધિકારીઓ આ મામલે વિવિધ દેશના ક્રિકેટ બોર્ડના પ્રમુખ સાથે ટેલિકોન્ફરન્સથી વાટાઘાટ કરશે. આ ચર્ચામાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે હજુ નિશ્ચિત થયું નથી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ આઇસીસી ચીફ એક્ઝિક્યુટિવ સમિતિનો સભ્ય છે પરંતુ અહેવાલ અનુસાર બોર્ડનો પ્રમુખ સૌરવ ગાંગુલી પોતે આ બેઠકમાં ભાગ લે તેવી પૂરી સંભાવના છે.

ઓસ્ટ્રેલિયાએ બોર્ડર સીલ કરી છે 

કોરોનાની વધી રહેલી અસરના કારણે ઓસ્ટ્રેલિયાએ પોતાની બોર્ડરને સીલ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ લોકડાઉન આગામી છ મહિના સુધી વધારવામાં આવે તેવી પૂરી સંભાવના છે અને જો આ સ્થિતિ યથાવત્ રહી તો ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન પણ ખોરંભે ચઢી જશે. આઇસીસી આ મામલે તમામ ૧૮ સભ્ય બોર્ડ સાથે પ્રારંભિક ચર્ચા વિચારણા કરશે.

૨૦૨૧નો વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે 

આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને આગામી વર્ષ સુધી સ્થગિત કરી દે તો તે આગામી વર્ષે યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ સાથે ટકરાશે. આઠમો ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ના વર્ષમાં ભારતની યજમાની હેઠળ રમાવાનો છે જેમાં વિશ્વની ૧૬ ટીમો ભાગ લેશે.