અમેરિકામાં H-1B વિઝા ધારકોની સૌથી મોટી માંગ, નોકરી ગુમાવ્યા બાદ અમને 180 USમાં રહેવા દો…

અમેરિકામાં H-1B વિઝા ધારકોની સૌથી મોટી માંગ, નોકરી ગુમાવ્યા બાદ અમને 180 USમાં રહેવા દો…

કોરોનાએ અમેરિકામાં તબાહી મચાવી છે. કોરોનાનાં પ્રકોપને કારણે ત્યાં ૩૦૦૦થી વધુનાં મોત થયા છે અને દોઢ લાખ જેટલા લોકોને સંક્રમણ થયું છે. અમેરિકાની ઈકોનોમીને જોરદાર ફટકો પડયો છે ત્યારે યુએસ કંપનીઓ દ્વારા મોટાપાયે છટણી શરૂ કરવામાં આવશે તેવા ભયથી H-૧B વિઝા ધારકોએ નોકરી ગુમાવ્યા પછીનાં તબક્કામાં અમેરિકામાં વધુ ૧૮૦ દિવસ રહેવાની છૂટ આપવા માગણી કરી છે.

અમેરિકામાં મોટાભાગનાં H-૧B વિઝા ધારકો ભારતીયો છે તેમનાં પર બેકારી અને છટણીની તલવાર તોળાઈ રહી છે. હાલ ત્યાં માન્યતાપાત્ર જોબ લોસ સ્ટે એટલે કે નોકરી છૂટી ગયા પછી રહેવાની મુદત ફક્ત ૬૦ દિવસ કે બે મહિનાની છે તે લંબાવીને ૧૮૦ દિવસની કરવા ટ્રમ્પ સરકારને અરજ કરાઈ છે.

H-૧B વિઝા એ નોન ઈમિગ્રન્ટ વિઝા છે જે હેઠળ વિદેશનાં કર્મચારીઓ કે જેઓ ટેકનિકલ એક્સપર્ટ હોય કે ટેકનિકલ પ્રોફેશનલ્સ હોય તેને અમેરિકામાં રહીને યુએસ કંપનીમાં નોકરી કરવાની છૂટ આપે છે. અમેરિકાની કંપનીઓમાં ખાસ કરીને ભારત અને ચીનથી આવેલા પ્રોફેશનલ્સ H-૧B વિઝા ધરાવતા હોય છે. હાલ એવો નિયમ છે કે જો H-૧B વિઝા ધારક અમેરિકામાં નોકરી ગુમાવે તો પછી ૬૦ દિવસમાં તેણે અને તેનાં પરિવારે અમેરિકા છોડવું પડે છે.

એક અંદાજ મુજબ આશરે ૪૭ મિલિયન લોકો બેકાર થઈ જશે

અમેરિકાનાં નિષ્ણાતોને ભય છે કે જે રીતે કોરોનાએ અમેરિકાની ઈકોનોમીને પાયમાલીનાં તબક્કામાં ધકેલી છે તે પછી કંપનીઓ દ્વારા મોટાપાયે છટણીનો દોર શરૂ થઈ જશે. ૨૧ માર્ચે ૩૩ લાખ અમેરિકનો દ્વારા જોબર્લ્સ ક્લેમ કરવામાં આવ્યા હતા. જો કોરોનાનો કેર વધુ બે અઠવાડીયા ચાલુ રહેશે તો ત્યાં લાખો લોકો નોકરી ગુમાવશે. એક અંદાજ મુજબ આશરે ૪૭ મિલિયન લોકો બેકાર થઈ જશે. જેઓ  H-૧B  વિઝા ધરાવે છે તેમને બેકારી ભથ્થાનાં લાભ આપવામાં આવતા નથી.

વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર પિટિશન કેમ્પેન

કેટલાક  H-૧B ધારકોએ વ્હાઈટ હાઉસની વેબસાઈટ ઉપર નોકરી ગુમાવ્યા પછી અમેરિકામાં રહેવાની મુદત ૬૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવાની માગણી કરતી પિટીશન ઝુંબેશ શરૂ કરી છે. આ પિટિશન પર હાલ ૨૦,૦૦૦થી વધુ  H-૧B  વિઝા ધારકોની સહી કરવામાં આવી છે.

વ્હાઈટ હાઉસમાંથી મંજૂરી મેળવવા માટે ઓછામાં ઓછા ૧૦૦,૦૦૦ લોકોની સહી હોવી જરૂરી છે. કોરોનાને કારણે  H-૧B  વિઝા ધારકો ત્યાં કફોડી હાલતમાં મુકાયા છે. તેમની આર્થિક સ્થિતિ પણ  નબળી પડી છે.