ફ્લોયડના હત્યારાને કોર્ટમાં રજૂ કરાયો,શરત વગરના જામીન માટે 9.5 કરોડ રૂપિયા આપવા પડશે

ફ્લોયડના હત્યારાને કોર્ટમાં રજૂ કરાયો,શરત વગરના જામીન માટે 9.5 કરોડ રૂપિયા આપવા પડશે

  • પ્રથમ વખત કોર્ટમાં ડેરેક ચોવિનને રજૂ કરવામાં આવ્યો, સુનાવણી દરમિયાન મૌન રહ્યો
  • જ્યોર્જના અંતિમ સંસ્કાર પહેલાં હ્યુસ્ટનમાં તેનું કોફિન રાખવામાં આવ્યું, છ હજારથી વધુ લોકો એકત્રિત થયા

વોશિંગ્ટન. અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડની હત્યા કરનાર પોલીસ અધિકારી ડેરેક ચોવિનને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ટેલિકોન્ફોરન્સિંગથી 15 મિનિટ સુધી ચાલેલી સુનાવણી દરમિયાન આરોપીએ કશું જ બોલવાનું કે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. કોર્ટે શરતી અને બિનશરતી એમ બંને પ્રકારના જામીનના વિકલ્પ આપ્યા છે. બિનશરતી જામીન માટે ડેરેકે 1.25 લાખ ડોલર(લગભગ 9.5 કરોડ રૂપિયા) આપવા પડશે. બીજા વિકલ્પમાં ચાર શરત છે. ડેરેકના વકીલ એરિક નેલ્સને જામીનની રકમ પર કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી. આગામી સુનાવણી 29 જૂને થશે.

સશર્ત જામીનમાં 10 લાખ ડોલર આપવાના રહેશે
સસ્પેન્ડેડ પોલીસ અધિકારી જો સશર્ત જામીન માટે તૈયાર થાય તો આરોપીએ 10 લાખ ડોલર (7.5 કરોડ રૂપિયા)ના જામીન આપવા પડશે. આ સિવાય પણ તેણે 4 શરતો માનવી પડશે. મિનેપોલિસ શહેર છોડવા પર પ્રતિબંધ રહેશે તેમજ ફ્લોયડના પરિવાર સાથે પણ કોઈ રીતે સંપર્ક કરી શકશે નહિ. અમેરિકાની સુરક્ષા એજન્સીમાં કામ કરી શકશે નહિ અને હોદ્દાની રૂએ મળેલ હથિયાર સરન્ડર કરવા પડશે.

જ્યોર્જના અંતિમ સંસ્કાર પહેલાં 6 હજાર લોકો એકત્રિત થયા હતા
ફ્લોયડના અંતિમ સંસ્કાર પહેલા હ્યુસ્ટનમાં 6 હજાર લોકો એકત્રિત થયા હતાં. અહીં ફાઉન્ટેન ઓફ પ્રાઈઝ ચર્ચમાં છ કલાક સુધી તેનું કોફિન રાખવામાં આવ્યું હતું. હ્યુસ્ટનમાં જ્યોર્જનું બાળપણ પસાર થયું હતું. 

એટર્ની જનરલે કહ્યું- એન્ટિફાની તપાસ ચાલી રહી છે
અમેરિકામાં થયેલા દેખાવામાં એન્ટિફા (ANTIFA)ની સંડોવણી હોવાની તપાસ ચાલી રહી છે. એન્ટિફાનો અર્થ એન્ટી ફાસિસ્ટ મુવમેન્ટ થાય છે. આ એક કટ્ટર ડાબેરી સંગઠન છે. એન્ટિફા જર્મનીની સાથે અમેરિકામાં પણ સક્રિય છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ એન્ટિફા તેમના કડક ટીકાકાર તરીકે સક્રિય છે. એટર્ની જનરલ વિલિયમ બારે કહ્યું આ કેસમાં ઝડપથી તપાસ ચાલી રહી છે. ગત સપ્તાહે બારે કહ્યું હતું કે હિંસક ઘટનાઓમાં એન્ટિફાના સભ્ય સામેલ હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એન્ટિફાને આતંકી સંગઠન જાહેર કરવાની માંગ કરી ચૂક્યા છે.

25 મેના રોજ જ્યોર્જનું મોત થયું હતું
મિનેસોટા રાજ્યની મિનેપોલીસ શહેરની પોલીસે 25 મેના રોજ જ્યોર્જ ફ્લોયડને છેતરપિંડીના આરોપમાં પકડ્યો હતો. આ દરમિયાન પોલીસ અધિકારીઓએ તેને જમીન પર સીધો સુવડાવી લગભગ 9 મિનિટ સુધી તેની ગરદન દબાવી રાખી હતી. તેનાથી જ્યોર્જનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા જ દેખાવો શરૂ થયા હતા.