નેપાળના પ્રતિનિધિગૃહે દેશના નવા નકશાને મંજૂરી આપી, નવા નકશામાં ભારતના પ્રદેશોનો પણ સમાવેશ

નેપાળના પ્રતિનિધિગૃહે દેશના નવા નકશાને મંજૂરી આપી, નવા નકશામાં ભારતના પ્રદેશોનો પણ સમાવેશ

। નવી દિલ્હી ।

નેપાળના પ્રતિનિધિગૃહે દેશના નવા નકશાના સ્વીકાર માટેના બંધારણીય સુધારા ખરડાને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. નેપાળના નવા નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરા વિસ્તારનો પણ સમાવેશ થાય છે. નેપાળના મીડિયા અહેવાલોમાં જણાવ્યા મુજબ વડા પ્રધાન કે.પી.ઓલીના નેતૃત્વ હેઠળના નેપાળ સામ્યવાદી પક્ષ, વિરોધપક્ષ નેપાળી કોંગ્રેસ અને મધેસી પક્ષોએ પણ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. નેપાળના સંસદીય બાબતોના પ્રધાન શિવામ્યા તુંબાહંગ્પે દ્વારા ૩૦ મેના રોજ સંસદમાં દેશના નવા નકશાનો સ્વીકાર કરવા બંધારણીય સુધારા માટે દરખાસ્ત રજૂ થઇ હતી.  ૨૮મેના રોજ ભારતે જણાવ્યું હતું કે સરહદી પ્રશ્નના નિરાકરણ માટે ભારત નેપાળ સાથે પારસ્પરિક સન્માન અને વિશ્વાસના વાતાવરણમાં વાતચીત માટે તૈયાર છે. હાલમાં ભારતની હદમાં છે તે લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિસ્તારોને પોતાની હદમાં બતાવીને નેપાળે નવો રાજકીય નકશો બહાર પાડયા પછી ભારતે ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી.

કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે ૮ મેના રોજ ઉત્તરાખંડમાં લિપુલેખ ઘાટી અને કૈલાશ માનસરોવરને સાંકળતા નવા રસ્તાનું ઉદ્ઘાટન કરતા નેપાળે તેની સામે વિરોધ નોંધાવીને તે વિસ્તારમાં સુરક્ષા ચોકી ઊભી કરવાની ચીમકી આપી દીધી હતી.

નેપાળમાં કોરોના સંક્રમણ માટે ભારત જવાબદાર : વડા પ્રધાન ઓલી  

ભારત સાથે સરહદી વિવાદમાં ઊતરેલા નેપાળે હવે પોતાના દેશમાં કોરોના વાઇરસને સંક્રમણને મુદ્દે પણ ભારતને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. નેપાળના વડા પ્રધાન ઓલીએ બુધવારે ફરી જણાવ્યું હતું કે નેપાળમાં ૮૫ ટકા કોરોના વાઇરસ કેસ ભારતમાંથી આવ્યા છે. તેમણે આ પહેલાં પણ જણાવ્યું હતું કે નેપાળને ઇટાલી અને ચીનથી આવતા લોકોથી નેપાળને ખતરો નથી તેટલો ખતરો ભારતથી આવનારા લોકોથી છે. નેપાળમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા ૪૦૮૫ સુધી પહોંચી ચૂકી છે. દેશમાં કોરોના ૧૫ લોકોને ભરખી ચૂક્યો છે.

લિપુલેખની જમીન અમારી છે, ભારત તે પાછી સોંપે : ઓલી  

નેપાળના વડા પ્રધાન કે.પી.શર્મા ઓલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિવાદિત ભૂમિનો ભૌગોલિક ભાગ ભારતના કબજામાં છે. કાલાપાનીમાં સેના તૈનાત કરીને ભારતે લિપુલેખ અને લિંપિયાધુરા પર પણ કબજો કરી લીધો છે. સૈન્ય તૈનાત કરીને નેપાળની જમીન છીનવી લેવામાં આવી છે. નેપાળ મિત્ર દેશ ભારતને વારંવાર જણાવી ચૂક્યું છે કે જમીન અમારી છે અને પાછી આપો. ભારતે પ્રમાણ આધારિત ઐતિહાસિક તથ્યો આધારે તે જમીન પાછી આપવી પડશે. નેપાળ રાજદ્વારી રાહે પ્રશ્નનું સમાધાન ઇચ્છે છે.

યોગી આદિત્યનાથને ઓલીનો જવાબ । નેપાળના મુખ્યપ્રધાને યોગી આદિત્યનાથના નિવેદનનો જવાબ આપતાં જણાવ્યું હતું કે યોગી માટે આવી વાતો કરવી યોગ્ય નથી. નેપાળને તે ધમકી આપે તે યોગ્ય નથી. યોગી કેન્દ્ર સરકારની નિર્ણાયક ભૂમિકામાં નથી. યોગી એક પ્રદેશના મુખ્યપ્રધાન છે. મુખ્યપ્રધાન હોવાની રૂએ તેમણે આવા નિવેદન ના આપવા જોઇએ. નેપાળ આ નિવેદનને અપમાનનારૂપમાં લે છે અને નેપાળ કોઇ ધમકીથી ડરવાનું નથી.