પલિયડ ગામે પાટોત્સવમાં ભેગાં થયા હતા હજારો લોકો, હવે પૂજારીને આવ્યો કોરોના પોઝિટિવ

પલિયડ ગામે પાટોત્સવમાં ભેગાં થયા હતા હજારો લોકો, હવે પૂજારીને આવ્યો કોરોના પોઝિટિવ

ગાંધીનગર જિલ્લાના કલોલ પાસેના પલીયડ ગામે મંદિરનાં પાંચમા પાટોત્સવની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના સમયમાં ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી. અને અંધશ્રદ્ધામાં લીન હજારો લોકો આ પાટોત્સવમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. જો કે, હવે ખબર સામે આવી છે કે પાટોત્સવમાં સામેલ એક પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના પલીયડ ગામ ખાતે યોજાયેલ પાંચમા પાટોત્સવ ખાતે પૂજાવિધિ માટે આવેલા એક બ્રાહ્મણને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ પાટોત્સવની પૂજાવિધિમાં 21 બ્રાહ્મણ સામેલ થયા હતા. પાટોત્સવ બાદ 21 બ્રાહ્મણોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક બ્રાહ્મણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 12 અન્ય બ્રાહ્મણોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ઉપરાંત 8 બ્રાહ્મણોના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.

કોરોના પોઝિટિવ આવેલ બ્રાહ્મણના 20 પુત્ર પણ પાટોત્સવમાં સામેલ થયો હતો. તેનો પણ કોરોના રિપોર્ટ પણ પેન્ડિંગ છે. પોઝિટિવ આવેલ બ્રાહ્મણ ગાંધીનગરના સેક્ટર 26માં રહે છે. ઉલ્લેખનીય છે કે, પાટોત્સવના વીડિયો વાઈરલ થયા બાદ ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું હતું. અને પાટોત્સવનું આયોજન કરનાર 21 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અને આ પાટોત્સવ બાદ ગાંધીનગર કલેક્ટરે પણ તમામ મેળાવડા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે તેવામાં પાટોત્સવનો બ્રાહ્મણ પોઝિટિવ આવ્યા બાદ બીજા કેટલાં લોકોમાં સંક્રમણ ફેલાયું હશે તે જોવું રહ્યું.