Mr. CM, આજદિન સુધી આગની ગંભીર ઘટનાઓમાં કોને સજા થઈ? ગુજરાતમાં બનેલી ભયાનક આગની ઘટનાઓ..

Mr. CM, આજદિન સુધી આગની ગંભીર ઘટનાઓમાં કોને સજા થઈ? ગુજરાતમાં બનેલી ભયાનક આગની ઘટનાઓ..

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગના કારણે કોરોનાના આઠ દર્દીઓ જીવતાં ભડથું થઇ ગયાની ગંભીર નોંધ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધી હતી પછી રાજ્ય સરકારને આ ઘટનાની ગંભીરતા સમજાઇ હતી.

આખરે રાજ્ય સરકારે અમદાવાદ શહેર સહિત તમામ મોટા શહેરોની કોર્મર્શીયલ મિલકતોની ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશ આપ્યા છે પણ આ તમામ ખેલ ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો છે. અમદાવાદ સહિત મોટા શહેરમાં નાગરિકોની સુરક્ષા માટે ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી એક્ટ, કોમન જીડીસીઆર અને નેશનલ બિલ્ડીંગ કોડની કડક જોગવાઇઓ તો છે પણ તેનો સખ્તાઇથી અમલ કરાવવામાં સરકારી તંત્ર સાવ ખાડે ગયું છે. સત્તામંડળોથી માંડીને ગાંધીનગરમાં બેસતાં સરકારી અધિકારીઓ સુધી તમામ અમલદારો આગની ઘટના બન્યા બાદ બેદરકારી દાખવનારાને જેલ હવાલે કરવાને બદલે ભીનુ સંકેલવામાં કામે લાગી જાય છે જેથી સ્થિતિ એવી છે કે, શહેરોમાં બેદરકારીથી લાગતી આગની ગંભીર ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો હોમાઇ રહ્યાં છે પણ આજદિન સુધી એકપણ કસૂરવારને સજા થઇ નથી. મુખ્યમંત્રીને સીધો સવાલ છે કે, આગની ગંભીર ઘટનાઓમાં શું આજદિન સુધી કોઇને સજા થઇ છે ખરી ?

શહેરમાં આગની ઘટનાઓમાં કોઇ જાનહાનિ ન થાય તો તેને તો AMC ક્યારેય ગંભીરતાથી લેતુ નથી. જે બેદરકારીના કિસ્સાઓમાં કેટલાય લોકોના જીવ જોખમમાં મૂકાયા હોય તો પણ તે આગની ઘટનાઓમાં કોઇની સામે પગલાં લેવાતા નથી. કેટલાંક કિસ્સાઓમાં માત્ર કોર્મર્શીયલ મિલકતના માલિક સામે ગુનો નોંધાય છે પણ તેને છાવરનારા સ્થાનિક તંત્ર સામે કેસ દાખલ કરાતો નથી.

૧. એપલ હોસ્પિટલમાં આગ : 

૧૩મી મે ૨૦૧૯ના રોજ આંબાવાડીના પરિમલ ગાર્ડનની પાસે  આવેલી દેવ બિલ્ડીંગની એપલ બાળકોની હોસ્પિટલમા ભીષણ આગ  લાગી હતી જેમાં ત્રણ બાળકોને રેસ્ક્યૂ કરાયા હતા. આ ઘટનામાં આ હોસ્પિટલમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો સામે આવ્યો હતો. ફાયર સેફ્ટીનો મુદ્દો સામે આવ્યો હતો પણ કોઇ કડક કાર્યવાહી થઇ ન હતી. ૨. થલતેજની  સમર્પણ હોસ્પિટલમાં આગ : ૩૦મી જુલાઇ ૨૦૧૯ના રોજ સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી જેમાં  દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. ૩. વસ્ત્રાપુર શ્રીજી ટાવરના  ભોંયરામાં ગોડાઉનમાં આગ : ગત ઓક્ટોબર ૨૦૧૮માં વસ્ત્રાપુર  વિસ્તારના હિમાલય મોલની સામે આવેલા શ્રીજી ટાવરની ઇમારતના  ભોંયરામાં આવેલા હેમંત ટાયર ગોટાઉનમાં ભીષણ આગ લાગી  હતી. ૨૦૦ પરિવારોને સ્થાળાંતર કરવું પડયું હતુ. આ ઘટનામાં ગોડાઉન માલિકો સામે કેસ નોંધાયો હતો પણ ગોડાઉનને છાવરનારા અધિકારીઓને ક્લીનચીટ આપી દેવાઇ હતી. ૪. પ્રહલાદનગરના  ટીમ્બર પોઇન્ટ કોમ્પલેક્ષમાં આગ : ગત જુન ૨૦૧૯માં આગ લાગી હતી તે  વેળાએ કોમ્પલેક્ષમાં ૨૫૦ લોકો ફસાયા હતા જેઓને રેસ્ક્યૂ કરાયા  હતા. ૫. આનંદનગર દેવઓરમ કોમ્પલેક્ષમાં આગ : ગત એપ્રિલ  ૨૦૧૯માં કોમ્પલેક્ષના ૯મા અને ૧૦મા માળે  ભયાનક આગ લાગી હતી જેમાં ૧૦૦ લોકો ફસાઇ ગયા હતા જેઓને  રેસ્ક્યૂ કરી બચાવાયા હતા. આ કિસ્સામાં ચીફ ફાયર ઓફિસરને નોટિસ અપાઇ હતી પણ બેદરકારો સામે પોલીસ કેસ કરવાની કાર્યવાહી અભરાઇએ ચઢાવી દેવાઇ હતી.

સરકાર સ્ટર્લિંગ હોસ્પિટલના ખોળે બેઠી, નરી આંખે જોઈ શકાય તેવો શરતભંગ છતાં હજુ કાર્યવાહી નહીં

શહેરના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં ૮ નિર્દોષ દર્દીઓ જીવતાં ભૂંજાઇ ગયા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે, ખાનગી હોસ્પિટલના સંચાલકોના ખોળે સરકાર બેસી ગઇ છે. રાજ્ય સરકાર ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અમલ કરાવવાનો દેખાડો કરી રહી છે પણ વાસ્તવિકતા એ છે કે, તેઓ ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાને બદલે છાવરે છે તેનું ઉત્તમ ઉદાહરણ મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલ છે. ઔડાએ ત્રણ દાયકા પહેલાં મેમનગરની ટીપી ૧ના હ્લઁ નંબર  ૧૮૨ની ૪૬૯૧ ચો.મી. જમીન ડ્રાઇવ-ન મેડિકેર (ર્સ્ટલિંગ  હોસ્પિટલ)ને ૯૦ વર્ષના ભાડાંપટ્ટે આપી હતી. આ પ્લોટમાં ર્સ્ટલિંગ  હોસ્પિટલના બાંધકામના  ભોંયતળિયે ૮૦ ટકા જેટલો વિસ્તાર પબ્લીક ચેરિટેબલ ટ્રસ્ટ કે  ટ્રસ્ટો દ્વારા સંચાલિત જાહેર દવાખાના માટે ઉપયોગ કરવાનો હતો પણ ખુલ્લેઆમ ત્રણ દાયકાથી શરત ભંગ કરાઇ રહ્યો છે. નરી આંખે જોઇ શકાય તેવો શરતભંગ હોવા છતાં સ્ટર્લિંગ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાને બદલે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે. આ સ્પષ્ટ દેખાડે છે કે, સરકારના હૈયે નાગરિકોનું નહીં પણ ખાનગી હોસ્પિટલનું હીત છે.

અમદાવાદ । શ્રેય હોસ્પિ.માં ૮ ભૂંજાયા

  1. ચિરીપાલના નંદન ડેનિમમાં આગ, ૭ લોકો ભૂંજાઇ ગયાં

ગત ૮મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ નારોલના પીપળજ પીરાણા રોડ ઉપર આવેલી ચિરીપાલ ગ્રૃપની નંદન ડેનિમ નામની કાપડની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી તે આગ ઉપર પાંચ કલાક બાદ કાબુ મેળવાયો હતો જેમાં ૭ કર્મચારીઓ જીવતાં ભૂંજાઇ ગયા હતા. આ ઘટનાના સંદર્ભમાં કંપનીના એમડી જ્યોતિ ચિરીપાલ, સીઇઓ દિપક ચિરીપાલ, ઓલટાઇમ ડિરેક્ટર પી કે શર્મા, ર્સિંટગ વિભાગના જનરલ મેનેજર બી સી પટેલ, ડે. જનરલ મેનેજર એચએમ પટેલ અને કંપનીના ફાયર ઓફિસર રવિકાંત સિંહા સામે કલમ ૩૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો.

  1. ઓઢવની ફેક્ટરીમાં આગ, ત્રણ લોકો ભડથું થયાં

ગત ૨૩મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ઓઢવ ફાયર સ્ટેશનની સામે આવેલી લોટ્સ લેબલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભયાનક આગ લાગી હતી. જેમાં ગેસ સિલિન્ડર પણ ફાટયા હતા જેની ઝપેટમાં આવતાં ત્રણ મજુરો ભડથૂ થઇ ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે, દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

  1. પ્રહલાદનગરના ઇશાન ફ્લેટમાં આગ, ત્રણનાં મોત

ગત નવેમ્બર ૨૦૧૮માં શહેરના પ્રહલાદનગર ઇશાન ફ્લેટમાં મોડી રાતે આગ લાગી હતી જેમાં દંપતિ તો ગૂંગળાને મોતને ભેટયાં હતા જ્યારે બે પુત્રી અને એક વૃદ્ધ દાદી ગંભીર રીતે દાઝી ગયા હતા. આ આગમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા.

  1. રાણીપના સાકેત એપાર્ટમેન્ટમાં આગ, બેનાં મોત

ગત ફેબ્રુઆરી ૨૦૧૬માં રાણીપના સાકેત એપાર્ટમેન્ટના ડી બ્લોકના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જેમાં વાહનો સળગ્યા હતા પણ આૃર્યજનક રીતે આ ઘટનામાં બીજા માળે રહેતાં માતા અને પુત્ર સીડીમાં જ ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટયાં હતા.

રાજકોટ । મગફળી ગોડાઉનની આગ બહુ ચર્ચાઈ

  1. ગોંડલના મગફળી ગોડાઉનમાં આગ

૨૦૧૮માં ગોંડલમાં મગફ્ળીના ગોડાઉનમાં બાજુમાં  વેલ્ડિંગ કામ દરમિયાન તણખલા ઉડતા મગફળીની ૩૦૦૦થી વધુ  ગુણી બળીને ખાખ  થયા હતા. કોઈના મોત નહોતા થયા .

  1. રાજકોટના એપાર્ટ.માં આગ, બે મોત

૬ માસ પહેલાં રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગરોડના એપાર્ટમેન્ટની સિક્યુરિટીની ઓફિસમાં આગ  લાગી હતી જેમાં નેપાળી સિક્યુરિટીરૂમમાં બે બાળકો જીવતા ભૂંજાઈ ગયા હતા

  1. સોની બજારમાં આગ

ગત તા. ૦૭/૦૫/૨૦૧૭ના રાજકોટના અતિગીચ વિસ્તાર સોની  બજારમાં સ્થિત બોઘાણી શેરીમાં આકાશ કોમ્પ્લેક્સમાં સોનીકામ  કરતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ફયર બ્રિગેડના ત્રણ જવાનો સહિત ૫ને ઈજા પહોચી હતી

  1. ગૌશાળામાં આગ

ગત ૨૦૧૬માં મવડી પાસે સ્થિત રામધણ ગૌશાળામાં  દિવાળીના સમય દરમિયાન ફનસ પડતા વિકરાળ આગ ફટી નીકળી  હતી. સાંજે લાગેલી આગ પર બીજા દિવસે કાબૂ મેળવી શકાયો  હતો. અનેક પશુના મોત નીપજ્યા હતા.

સુરતની આગની ઘટનાઓ । તક્ષશિલા અગ્નિકાંડ, ૨૨ મોત

  1. સુરતની લેન્ડમાર્ક માર્કેટમાં આગ, ત્રણ મોત

ગત ૨૩ એપ્રિલ ૨૦૧૪ પૂણા કુંભારિયા રોડ ઉપર આવેલી  લેન્ડમાર્ક માર્કેટમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૬૦૦થી ૭૦૦  લોકો ફસાયા હતા. ભારે અફરા તફરી અને ધુમાડા વચ્ચે જીવ  બચાવવા માટે ત્રણ શ્રમજીવીઓ કૂદયા હતા. આ ત્રણ પૈકી એકનંુ  મોત નીપજયું હતુ. જ્યારે પાલિકાના ફાયર વિભાગે ૧૩૮  વ્યક્તિઓને રેસક્યૂ કરી બચાવ્યા હતા. આ કેસમાં પોલીસે  ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

  1. સુરત શાલુ ડાઇંગ મિલ આગ, બેનાં મોત

ગત ૯ જૂન, ૨૦૧૮ ના રોજ  સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી શાલુ ડાઇંગ મીલમાં  આગ ફાટી નીકળી હતી. આ વિકરાળ આગમાં બે કામદારોનાં મોત  થયાં હતાં. આગની ઘટના બાદ પોલીસે સ્થળ તપાસ તો  આદરી ગેરી તથા આર એન્ડ બી વિભાગ પાસેથી અકસ્માત પાછળના  કારણ અંગેનો રિપોર્ટ મળ્યા બાદ ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી  હતી.

  1. ક્યૂરિયસ એકેડમી આગ, બેનાં મોત

ગત ૨૭, નવેમ્બર ૨૦૧૮ના રોજ  સુરતના વેસુ સ્થિત આગમ આર્કેડમાં કાર્યરત ક્યૂરિયસ માઇન્ડ એકેડમી  નામના ટયૂશન ક્લાસમાં આગ ફાટી નીકળી હતી. જેમાં સાત વર્ષીય  વિદ્યાર્થી મંથન જાદવ અને શિક્ષિકા પ્રીતિ પટેલનું મોત થયું  હતું. આ ઘટનામાં ઉમરા પોલીસે સંચાલક વિવેક સુરેશપાલ  સિંગ તથા પ્રભાતસિંગ ઠાકુરપ્રસાદ સિંગ સામે ઇપીકો કલમ ૩૦૪,  ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

  1. તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ, ૨૨ મોત

ગત ૨૪ મે, ૨૦૧૯ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ  લાગી હતી. અહીં ચાલતાં ટયૂશન ક્લાસમાં ચાલીસથી વધુ  વિદ્યાર્થીઓ ફસાયા હતા. ધુમાડાથી ઘેરાયેલા યુવાઓએ જીવ  બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવવા માડતાં ૨૨ જણાનાં  મોત થયા હતાં. આ કેસમાં પોલીસે બિલ્ડર, ટયૂશન ક્લાસ  સંચાલક, પાલિકા અને વીજકંપનીના અધિકારી સામે ગુનો નોંધી  ધરપકડ કરી હતી.

  1. સુરત રઘુવીર માર્કેટ આગ

ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સુરતના પૂણા કુંભારિયા રોડ ઉપર આવેલા રઘુવીર સેલિયમ માર્કેટમાં  વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે  તેને કાબૂ કરવા ફાયર બ્રિગેડના ૧૦૦થી વધુ વાહનોએ સતત ૧૩  કલાક પાણી મારો કરવો પડયો હતો. આ આગમાં ૨૦૦ કરોડથી  વધુંનુ નુકસાન થયાનો અંદાજ માડવામાં આવ્યો હતો. આગ  મળસ્કે માર્કેટ બંધ હતી ત્યારે લાગી હોવાથી જાનહાનિ થઇ ન હતી.

કચ્છમાં આગની ઘટનાઓ

  1. કંડલા IMC ટર્મિનલ આગ, ૪ મોત

ડીસેમ્બર-ર૦૧૯માં કંડલાના IMC ટર્મિનલમાં મિથોનલ ટેંકમાં  આગથી ચાર મોત થયા હતા અને ત્યારબાદ પોલીસ તેમજ  ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ સેફ્ટી વિભાગ સહિત વહીવટીતંત્રએ ચાર દિવસ  સુધી ચાલેલી કેમીકલ આગના મામલે કડક કાર્યવાહીના દાવા  કર્યા હતા પરંતુ હજુ સુધી ન્યાયની રાહ જોવાય રહી છે.

  1. મીઠીરોહર ગોડાઉન આગ

જાન્યુઆરી-ર૦૧૮માં મીઠીરોહરના ગોડાઉનમાં ગોડાઉનમાં  કરોડોની મગફળી બળીને ખાક થઈ ગઈ હતી. જે મામલે રાજકિય  આક્ષેપો અને જાગૃત નાગરિકોની આશંકાઓ સાચી ઠરી રહી હોય  તેમ આખાય પ્રકરણ પર રાખ બાજી ગઈ હોય તેમ જવાબદારો સામે  આકરા પગલાં ભરાયા નથી.

વડોદરા । બે વર્ષમાં છનાં મોત

  1. બે વર્ષમાં આગની ઘટનામાં ૬નાં મોત

વડોદરા શહેરમાં વર્ષ ૨૦૧૮ – ૧૯માં બનેલી આગની મોટી  ઘટનાઓમાં ૬ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. ગત ૨૧  જાન્યુઆરી ૨૦૧૮ના રોજ નંદેસરી જીઆઈડીસીમાં આવેલી જીએસપી ક્રોબ  કંપનીમાં આગ લાગી હતી. ૩ કર્મચારીના મોત થયા હતા. પોલીસે કંપનીના જવાબદારો સામે ગુનો  દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ પણ કરી હતી. તા. ૩૧  ડિસેમ્બર ૨૦૧૮ના રોજ મંગળબજારમાં સત્યભામા કોમ્પલેક્સમાં આગ લાગી હતી જેમાં બે લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. તા. ૧૨  નવે. ૨૦૧૯ના રોજ વાઘોડિયા રોડ પર ગુરૂકુળ ચાર રસ્તા  પાસેની દુકાનમાં આગ લાગતાં ૧ વ્યક્તિનું મોત થયું હતું.

  1. એઇમ્સ ઇન્ડસ્ટ્રીઝના બ્લાસ્ટમાં ૬નાં મોત

વડોદરા જિલ્લાના ગવાસદની એઇમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૬ જણના મોત નિપજ્યાં હતા. આ પ્રકરણમાં સ્થાનીક પોલીસે ચેરમેન અને ડિરેક્ટર  સહિત ૬ જવાબદારો સામે ગુનો દાખલ થયો હતો.એકલબારાની ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝના  બ્લાસ્ટમાં પાંચ કર્મચારીઓ ગંભીર પ્રકાર ઘવાયા હતાં. એકલબારાની  ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ ૨૦૧૯ના મેમાં એસીએલ ૬  પ્લાન્ટમાં મોટો ધડાકો થયો હતો. આગની ઘટનામાં પાંચ  કર્મચારીઓ શરીરે ગંભીર પ્રકારે દાઝયા હતાં. પાદરા પોલીસે  મેનેજમેન્ટ અને જવાબદાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ( Source – Sandesh )