H-1B વિઝાની લોટરી સિસ્ટમ બંધ કરવા ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ

H-1B વિઝાની લોટરી સિસ્ટમ બંધ કરવા ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ

। વોશિંગ્ટન ।

વિદેશી કામદારોને ગમે તે રીતે અમેરિકામાં કામ કરતા અટકાવવાના પ્રયાસોમાં ગળાડૂબ એવી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે હવે વિદેશી ટેક્નોલોજી પ્રોફેશનલને H-૧B વિઝા જારી કરવા માટેની કોમ્પ્યૂટરાઇઝડ લોટરી સિસ્ટમ બંધ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેના સ્થાને વેતન સ્તર આધારિત પસંદગી પ્રક્રિયા દાખલ કરવા ટ્રમ્પ સરકાર કવાયત કરી રહી છે જેથી અમેરિકન કામદારોના વેતન પર સર્જાતા દબાણને ઘટાડી શકાય. ગુરુવારે ફેડરલ રજિસ્ટરમાં આ અંગેનું જાહેરનામું જારી કરાયું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ બુધવારે જણાવ્યું હતું કે, તમામ લાગતા વળગતો ૩૦ દિવસમાં આ જાહેરનામા પર પોતાના મંતવ્ય રજૂ કરી દેવાના રહેશે. ડીએચએસે જણાવ્યું હતું કે,H-૧B વિઝા માટે ઉમેદવારોની પસંદગીના ડ્રોના સ્થાને નવી સિસ્ટમ આવવાથી ઓછા પગારે H-૧B વિઝા પર નિયુક્ત થતા વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરી શકાશે.

નવી પ્રસ્તાવિત સિસ્ટમ અંતર્ગત યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ પહેલાં રજિસ્ટ્રેશનની પસંદગી કરશે જે વેતનના સ્તર પ્રમાણે જે તે વ્યવસાયના રોજગારના આંકડા આધારિત હશે. ડીએસએસે જણાવ્યું હતું કે, વેતન સ્તર આધારિત પ્રાથમિકતા અને પસંદગી અરજકર્તા, એચ-૧B કામદારો અને અમેરિકી કામદારો વચ્ચે સારું સંતુલન જાળવશે. ડીએચએસના ડેપ્યુટી સેક્રેટરી કેન કુસ્સીનેલીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત સિસ્ટમ સાથે ટ્રમ્પ સરકાર અમેરિકી કામદારોના હિતોની સુરક્ષાના વચનનું પાલન કરીને અર્થતંત્રને મજબૂતી આપી રહી છે.

અમેરિકા વર્ષે ૬૫,૦૦૦ એચ-૧B વિઝા જારી કરે છે

અમેરિકા દર વર્ષે કોમ્પ્યૂટર પ્રોગ્રામર, એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ,ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટરને ૬૫,૦૦૦ એચ-૧B વિઝા જારી કરે છે. પહેલાં ૩ વર્ષ માટે આ વિઝા જારી કરાય છે. મુદત પછી તેને રિન્યૂ કરાવી શકાય છે.