H-1B ધારકનાં જીવનસાથીની પરમિટ ઓટોમેટિક રિન્યૂ નહીં થાય : યુએસ કોર્ટ

H-1B ધારકનાં જીવનસાથીની પરમિટ ઓટોમેટિક રિન્યૂ નહીં થાય : યુએસ કોર્ટ

। મુંબઈ ।

અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઠરાવ્યું હતું કે H-૧B વિઝાધારકનાં જીવનસાથીની વર્ક પરમિટ કે એમ્પલોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EADs) ઓટોમેટિક રિન્યૂ થવાને પાત્ર નથી. H-૧B વિઝાધારકનાં જીવનસાથીને અમેરિકામાં H-૪ વિઝા આપવામાં આવે છે અને કેટલીક શરતોને આધિન વર્ક પરમિટ દ્વારા અમેરિકાની કંપનીઓમાં જોબ કરવાની છૂટ આપવામાં આવે છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મંજૂર કરવાનો બેકલોગ ૧૦ વર્ષ કરતા વધુ સમયથી પેન્ડિંગ છે ત્યારે ભારત જેવા દેશનાં વિઝાધારકોની મુશ્કેલી દૂર કરવા તત્કાલીન ઓબામા સરકાર દ્વારા ૨૦૧૫માં EAD પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ કેટલીક કેટેગરીનાં H-૧B વિઝા ધારકોનાં જીવનસાથી વર્ક પરમિટ મેળવવા EAD હેઠળ અરજી કરી શકતા હતા.

EAD ધરાવનારાઓની સંખ્યા ૧ લાખને પાર

ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં આશરે ૮૪૩૬૦ ભારતીય સ્પાઉસ EAD ધરાવતા હતા. આવા જીવનસાથીની સંખ્યા હવે વધીને ૧ લાખને પાર કરી ગઈ છે. જજ જેક્વિલિન એસ. કોર્લીએ આ મામલે મનાઈહુકમ આપવા કે સિસ્ટમ ઝડપી બનાવવા તેમાં સુધારા કરવાનો આદેશ આપવા ઈનકાર કર્યો હતો. ૪૫ જેટલા H-૪ વિઝા ધારકો દ્વારા આ મામલે કેસ કરાયો હતો અને વર્ક પરમિટ ઓટોમેટિક રિન્યૂ થાય તેવી વ્યવસ્થા માટે કોર્ટમાં દાદ માગવામાં આવી હતી.