CM ફંડમાંથી ગુજરાતમાં કોરોના પાછળ અત્યાર સુધીમાં રૂ. ૨૪૪ કરોડ ખર્ચાયા

CM ફંડમાંથી ગુજરાતમાં કોરોના પાછળ અત્યાર સુધીમાં રૂ. ૨૪૪ કરોડ ખર્ચાયા

। ગાંધીનગર ।

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યાર સુધી મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કુલ રૂ. ૨૪૪ કરોડ કોરોના સામે લડવા માટે ફાળવ્યા છે. કોરોના સંક્રમણ નિયંત્રણ-તબીબી સુવિધા-સારવાર માટે આ રકમ ફાળવાઈ છે. આ રૂ. ૨૪૪ કરોડ પૈકી રૂ. ૧૦૦ કરોડ ૭ મહાનગરપાલિકાઓને, રૂ. ૧૦૦ કરોડ આરોગ્ય વિભાગને ફાળવાયા છે, જ્યારે ઇન્જેક્શનોની ખરીદી પાછળ રૂ. ૧૫.૫૨ કરોડ, સ્ક્રીનિંગ તથા ડાયગ્નોસ્ટિક સેવાઓ પાછળ રૂ. ૧૯.૭૯ કરોડ તથા અન્ય પાછળ રૂ. ૧.૮૯ કરોડ ખર્ચાયા હોવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, જે રૂ. ૧૦૦ કરોડ ૭ મહાનગરપાલિકાઓને અપાયા તે પૈકી રૂ. ૫૦ કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. ૧૫ કરોડ, વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનોને રૂ. ૧૦-૧૦ કરોડ તેમજ ગાંધીનગર-ભાવનગર-જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનોને રૂ. પાંચ-પાંચ કરોડ અપાયા છે.

આરોગ્ય વિભાગને રૂ. ૧૦૦ કરોડ ફાળવાયા છે, જે પૈકી આરોગ્ય રક્ષક દવાઓની ખરીદી પાછળ રૂ. ૧૧.૮૦ કરોડ તેમજ ૨૦,૯૮,૪૮૫ એન-માસ્ક ઉપરાંત પીપીઈ કિટ, હેન્ડ ગ્લોવ્ઝ તથા સેનિટાઇઝરની ખરીદી પાછળ રૂ. ૧૫.૪૨ કરોડ વપરાયા છે. મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ સેન્ટર, સ્ક્રીનિંગ-ટેસ્ટિંગ, ધન્વંતરિ રથ, કન્ટેનમેન્ટ ઝોન વગેરે પાછળ થયેલો ખર્ચ પણ કુલ રકમમાં સામેલ છે. મુખ્યમંત્રીએ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનને કુલ રૂ. ૩૩.૯૨ કરોડ ફાળવ્યા છે, જે પૈકી રૂ. ૨૨.૯૪ કરોડ ટોસિલિઝૂમેબ તથા રેમડેસિવિરના ૨૬ હજાર વોયલની ખરીદી પાછળ તથા રૂ. ૧૦.૯૮ કરોડ ફેવિપિરાવિરની ૪૦ હજાર ટેબ્લેટ્સની ખરીદી પાછળ ખર્ચાયા છે.

કુલ ૧૧ કોરોના વોરિયર્સને રૂ. ૨૫ લાખ લેખે કુલ રૂ. ૨.૭૫ કરોડની સહાય પણ આ ફંડમાંથી ચૂકવાઈ છે. અત્યાર સુધી કુલ ૧૪.૫૦ લાખ શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટે ૯૯૯ જેટલી ટ્રેનો દોડાવાઈ તે પેટે મુખ્યમંત્રીએ રૂ. ૨૫ કરોડ રેલવેને આપ્યા છે.